રાજકોટ: ડ્રેસવાલામાં ચોરી કરનાર ‘બાસવાડા ગેંગ’ ઝબ્બે : કાશ્મીરથી કેરળ સુધીના ગુનામાં સંડોવણી

25 January 2020 03:55 PM
Rajkot Crime Gujarat Saurashtra
  • રાજકોટ: ડ્રેસવાલામાં ચોરી કરનાર ‘બાસવાડા ગેંગ’ ઝબ્બે : કાશ્મીરથી કેરળ સુધીના ગુનામાં સંડોવણી

આઇ-વે પ્રોજેક્ટની મદદથી કાર ઓળખાયા બાદ પોલીસે રાજસ્થાન જઇ ગેંગને ઝડપી લીધી : બેલડી પાસેથી કાર અને રોકડ સહિત રૂા. 4.03 લાખનો મુદ્દામાલ કબજે : એકની શોધખોળ : શાસ્ત્રીમેદાન પાસે કાર રાખી શો-રૂમમાં હાથફેરો કર્યા બાદ વહેલી સવારના વતન પરત ફરી ગયા હતા: ચોરીનો ભેદ ઉકેલનાર ક્રાઈમ બ્રાન્ચની ટીમને 15 હજાર ઇનામ આપવાની કમિશનરની જાહેરાત

રાજકોટ,તા. 25
કાશ્મીરથી લઇ કેરળ સુધી ચોરીઓના બનાવોને અંજામ આપનાર આંતરરાજ્ય રાજસ્થાનની બાસવાડા ગેંગને ઝડપી લેવામાં ક્રાઈમ બ્રાંચની ટીમને સફળતા સાંપડી છે. આ ગેંગના બે શખ્સોને ઝડપી લીધા બાદ પૂછપરછ કરતા શહેરમાં પખવાડિયા પૂર્વે ધર્મેન્દ્ર રોડ પર ડ્રેસવાલામાં થયેલી 7.52 લાખની ચોરીનો ભેદ પણ ઉકેલાયો હતો. પોલીસે આ બેલડીને રાજસ્થાનથી ઝડપી લીધી હતી. અને તેની પાસેથી કાર તથા રોકડ સહિત કુલ 4.03 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગેંગમાં સંડોવાયેલ અન્ય એક શખ્સને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસે આ ચોરી પ્રકરણમાં સીસીટીવી ફૂટેજ ચકાસતા તેમાં શંકાસ્પદ કારનો નંબર માલુમ પડ્યા બાદ તેના આધારે આ કાર માલિકના સગડ મેળવ્યા હતા અને બાદમાં પોલીસે રાજસ્થાન જઇ આરોપીઓને સ્થાનિક પોલીસની મદદથી ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછમાં રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત અનેક ચોરીના ભેદ ઉકેલાવાની શક્યતા જણાઈ રહી છે.

શહેરમાં ગત તા. 8-1નાં રોજ ધર્મેન્દ્ર રોડ પર આવેલા ડ્રેસવાલાના શો-રુમમાંથી રાત્રિનાં રોકડ રુા. 7.52 લાખની ચોરીની ઘટના બની હતી. જે અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન, આ મામલે એસીપી ક્રાઈમ જયદીપસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એચ.એમ. ગઢવીની રાહબરીમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તેમજ બનાવની આજુબાજુમાં તપાસ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં ચોરીના સમયે જે કાર ઉપયોગમાં લેવાઈ હતી તેના નંબર હાથ લાગી ગયા હતા. બાદમાં હેડ કોન્સ્ટેબલ મયુર પટેલ, કોન્સ્ટેબલ પ્રદીપસિંહ જાડેજા અને યોગીરાજસિંહ જાડેજા દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી.

આરોપીઓ જે રાજસ્થાન પાર્સિંગની સફેદ કલરની કારમાં જતાં નજરે પડ્યા હતા. તે બાબતે આઈ-વે પ્રોજેક્ટ મારફત રજિ. નંબર મેળવ્યા હતા.
જેના આધારે ડીસીબી પીએસઆઈ પી.એમ. ધાખડાની આગેવાનીમાં ડીસીબીની એક ટીમ રાજસ્થાન રવાના થઇ હતી. જ્યાં સ્થાનિક પોલીસની મદદથી કારના માલિક બાબતે તપાસ કર્યા બાદ બાસવાડા ગેંગના બે શખ્સો ઉદયલાલ કચરુલાલ, હરજીલાલ ચરપોટા (ઉ.23, રહે. જરી, તા.જિ.બાસવાડા, રાજસ્થાન) બાપુલાલ કુબેરલાલ જીવાલાલ નિનામા (ઉ.30, રહે. સેવના ગામ, તા.જિ. બાસવાડા, રાજસ્થાન)ને ઝડપી લીધા હતા.બાદમાં તેઓને રાજકોટ લાવવામાં આવ્યાં હતાં.

આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે કબૂલાત આપી હતી કે ગત તા. 3-1ના રોજ તેઓ ગુજરાતમાં આવ્યા હતા. બાદમાં પ્રથમ હિંમતનગર, વિજાપુર, વિસનગર, દાતા, અંબાજી, નડીયાદ, આણંદ, અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ રેકી કરી પરંતુ ત્યાં સફળતા મળી ન હતી. ત્યારબાદ ભાવનગરમાં ત્રણ દુકાનોમાં રોકડ રકમનો હાથફેરો કર્યો હતો. અને ત્યારબાદ તા. 7-1નાં રાજકોટ આવ્યા હતાં.

રાજકોટ આવ્યા બાદ હાઈવે પર પોતાની કાર રાખી રિક્ષાચાલકને શહેરમાં કપડા મળતા હોય તેવી બજારમાં લઇ જવા માટે કહ્યું હતું. જેથી આ રિક્ષાચાલક તેને ધર્મેન્દ્ર રોડ ઉપર લઇ ગયો હતો. જ્યાં આરોપીઓએ શો-રુમની રેકી કર્યા બાદ રાત્રિનાં ગાડી શાસ્ત્રી મેદાન પાસે રાખી પોતે નક્કી કરેલા શો-રુમ એટલે કે ડ્રેસવાલામાં પહોંચી ગયા હતા. શો-રુમના ઉપરના ભાગેથી પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ કાર લઇ પરત પોતાના વતન ચાલ્યા ગયા હતા. ચોરીની આ ઘટનામાં અન્ય એક શખ્સ ભૂરાલાલ ગોપાલાલ મહીડા (રહે. બડવી, તા.જિ. બાસવાડા, રાજસ્થાન) પણ સાથે હોય પોલીસે તેને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, રાજસ્થાનની આ આંતરરાજ્ય બાસવાડા ગેંગ દેશના અલગ અલગ રાજ્યો જેમાં જમ્મુ કાશ્મીરથી કેરળ તેમજ નેપાળ, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના સ્થળોએ અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાઓ ઉપર ચોરીના બનાવોને અંજામ આપી ચૂકી છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી છે કે, તેઓ દિવસના સમયે દુકાન કે શો રુમની રેકી કર્યા બાદ રાત્રિનાં શો-રુમ કે મોલમાં ઉપરના ભાગેથી અથવા પાછળનાં દરવાજાથી પ્રવેશ કરી ચોરી કર્યા બાદ તાકીદે જે તે શહેર છોડી પોતાના વતન ચાલ્યા જતા હતા.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ પૈકી ઉદયલાલ અગાઉ બાસવાડા, સુરજપોલ, ઉદયપુર, રતલામ, ઇન્દોરમાં ચોરીઓમાં પકડાઈ ચૂક્યો છે જ્યારે બાપુલાલ અગાઉ રાજસ્થાનમાં લૂંટના ગુનામાં અને ચોરી તથા અકસ્માતનાં ગુનામાં પકડાઈ ચૂક્યો છે. ડ્રેસવાલાના શો રુમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી આંતરરાજ્ય ગેંગને ઝડપી લેનાર ક્રાઈમ બ્રાંચનાં અધિકારી અને કર્મચારીઓની કામગીરીની નોંધ લઇ રુા. 15 હજારનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

ભાવનગરમાં ત્રણ દુકાનોમાં હાથફેરો કર્યા બાદ રાજકોટમાં ચોરી કરી’તી
ગત તા. 8-1નાં રાજકોટમાં ડ્રેસવાલા શો-રુમમાંથી 7.52 લાખની ચોરી કરનાર રાજસ્થાનની બાસવાડા ગેંગને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લીધી છે. આ ગેંગનાં બંને શખ્સોની પૂછપરછ કરતાં તેમણે કબૂલાત આપી હતી કે, ગુજરાતમાં પ્રવેશ્યા બાદ હિંમતનગર, વિસનગર, નડીયાદ, આણંદ સહિતનાં સ્થળોએ રેકી કરી હતી. પરંતુ સફળતા ન મળતાં તા. 7-1નાં રોજ ભાવનગરમાં ત્રણ દુકાનોમાં હાથફેરો કર્યા બાદ તેઓએ તા. 8નાં રાજકોટમાંથી લાખોની ચોરી કરી હતી.

રિક્ષાચાલકને કપડા બજારમાં લઇ જવાનું કહી શો-રુમની રેકી કરી
ક્રાઇમ બ્રાંચની ટીમે રાજસ્થાનની બાસવાડા ગેંગના બે શખ્સોને ઝડપી લીધા બાદ તેમણે રાજકોટમાં કરેલી ચોરી અંગે પૂછપરછ કરતાં આરોપીઓએ પોતે કરેલી ડ્રેસવાલા શો-રુમની રેકી અંગે જણાવ્યું હતું કે, રાજકોટ આવ્યા બાદ હાઈવે પર પોતાની કાર રાખી રિક્ષાચાલકને શહેરમાં કપડા મળતા હોય તેવી બજારમાં લઇ જવા માટે કહ્યું હતું. જેથી આ રિક્ષાચાલક તેને ધર્મેન્દ્ર રોડ ઉપર લઇ ગયો હતો. જ્યાં આરોપીઓએ શો-રુમની રેકી કર્યા બાદ રાત્રિનાં ગાડી શાસ્ત્રી મેદાન પાસે રાખી પોતે નક્કી કરેલા શો-રુમ એટલે કે ડ્રેસવાલામાં પહોંચી ગયા હતા. શો-રુમના ઉપરના ભાગેથી પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ કાર લઇ પરત પોતાના વતન ચાલ્યા ગયા હતા.

ચોરીનો ભેદ ઉકેલી, 5.18 લાખનો દારુ પકડી ડીસીબીએ નવી બિલ્ડીંગના ખાતમુહુર્તનું મુર્હુત સાચવ્યું !
આજરોજ ડીસીબીનાં નવા પોલીસ સ્ટેશનના બિલ્ડીંગ કે જે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બનનાર હોય તેનું મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના હસ્તે ડીજીટલ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે જોગાનુજોગ આજે જ ક્રાઈમ બ્રાંચની ટીમે બે મહત્વની કામગીરી કરી હતી. ગવરીદડ નજીકથી પોલીસે 5.18 લાખનો દારુનો જથ્થો ઝડપી લીધો હતો તથા ધર્મેન્દ્ર રોડ ઉપર આવેલા ડ્રેસવાલા શો-રુમમાંથી થયેલી 7.52 લાખની ચોરીનો ભેદ ઉકેલી રાજસ્થાનની બાસવાડા ગેંગના બે શખ્સોને ઝડપી લઇ નવા બિલ્ડીંગનાં ખાતમુહુર્તતનું મુહુર્ત પણ સાચવી લીધું હતું.


Loading...
Advertisement