રાજકોટ :નાગરિક બેંકને રૂપિયા 37 લાખનો દંડ ફટકારતી રિઝર્વ બેંક

24 January 2020 05:59 PM
Rajkot Business Crime Government Gujarat Saurashtra
  • રાજકોટ :નાગરિક બેંકને  રૂપિયા 37 લાખનો દંડ ફટકારતી રિઝર્વ બેંક

‘નાના માણસોની મોટી બેંક’નો પ્રચાર કરતી સહકારી બેંક આરબીઆઈની ઝપટે:લોન-ધિરાણમાં સૂચનાઓનું પાલન નહીં કરવા બદલ નાગરિક બેંકને પ્રથમ વખત ધરખમ દંડ

રાજકોટ તા.24
સહકારી ક્ષેત્રની જાણીતી બેંક એવી રાજકોટ નાગરિક સહકારી બેંકને લોન-ધિરાણ સંબંધી નિયમોના ઉલ્લંઘન બદલ રિઝર્વ બેંકે 37 લાખની પેનલ્ટી ફટકારતા સહકારી બેંકીંગ ક્ષેત્રમાં ખળભળાટ સર્જાયો છે.
નાગરિક બેંકને કદાચ પ્રથમ વખત આટલી મોટી નાણાંકીય પેનલ્ટી ફટકારવામાં આવી છે.
રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એકટ 1949ની કલમ 47એ (1) (સી) હેઠળ અધિકારીનો ઉપયોગ કરીને રાજકોટ નાગરિક સહકારી બેંકને 37 લાખની નોટીસ ફટકારી છે. રિઝર્વ બેંકે આપેલી વિવિધ સૂચનાઓનું પાલન નહીં કરવા બદલ આ પેનલ્ટી ફટકારવામાં આવી છે.
23મી જાન્યુઆરી 2020ના (ગઈકાલના) રિઝર્વ બેંકના જારી કરાયેલા ઓર્ડરમાં એમ કહેવાયુ છે કે બેંકના વ્યવહારોમાં નિયમોમાં ક્ષતિ માલુમ પડી હતી.
રિઝર્વ બેંક દ્વારા 31 માર્ચ 2018ના રોજ આર્થિક હાલત સંબંધી ઈન્સ્પેકશન કરવામાં આવ્યુંહતું. બેંકીંગ ફ્રોડના વિશ્ર્લેષણ-રીપોર્ટીંગ તથા ધિરાણ મેનેજમેન્ટ સંબંધી નિયમભંગ હોવાનું માલુમ પડયું હતું. જેના અનુસંધાને બેંકને શોકોઝ નોટીસ ફટકારવામાં આવી હતી. રિઝર્વ બેંકની સૂચનાઓનું પાલન ન કરવા બદલ પેનલ્ટી કેમ ન ફટકારવી? તે કારણદર્શક નોટીસ આપવામાં આવી હતી. બેંક દ્વારા નોટીસનો જવાબ અપાયો હતો તેના પર વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત પર્સનલ હિયરીંગમાં મૌખિક દલીલોને ધ્યાને લેવામાં આવ્યા બાદ 37 લાખની ધરખમ નોટીસ ફટકારવામાં આવી છે.
રિઝર્વ બેંકના ચીફ જનરલ મેનેજર યોગેશ દયાલની સહી સાથે નાગરિક બેંકને ફટકારાયેલી નોટીસની પ્રેસ યાદી બેંકની વેબસાઈટ પર મુકવામાં આવી છે.
રાજકોટ નાગરિક બેંક આમઆદમીની બેંક હોવાનો પ્રચાર થતો રહ્યો છે. બેંકના કર્મચારીઓ-ડાયરેકટરોની મોબાઈલ રીંગટોનમાં પણ ‘નાના માણસોની મોટી બેંક’ના શબ્દો સાથેના ગીત મારફત પ્રચાર કરવામાં આવતો રહ્યો છે. લોન-ધિરાણમાં નિયમોનું પાલન થયુ નથી. જેની રિઝર્વ બેંકે ગંભીર નોંધ લીધી હોવાનું સ્પષ્ટ છે. એવુ ધરાર બહાર આવ્યું છે કે રિઝર્વ બેંકે ભૂતકાળમાં 2014માં પણ નાગરિક બેંકને પાંચ લાખનોદંડ ફટકાર્યો હતો.


Loading...
Advertisement