ફલાવર શોમાં રૂા.20ની ટીકીટ લેવાનો નિર્ણય તદન ગેરવ્યાજબી : વિપક્ષી નેતા સાગઠીયા

23 January 2020 05:52 PM
Rajkot Saurashtra
  • ફલાવર શોમાં રૂા.20ની ટીકીટ લેવાનો નિર્ણય તદન ગેરવ્યાજબી : વિપક્ષી નેતા સાગઠીયા

તાત્કાલીક નિર્ણય લઇ એન્ટ્રી નિ:શુલ્ક કરો : બ્રિજનાં કામો પણ સત્વરે શરૂ કરાવો : સીએમને રજૂઆત

રાજકોટ તા.23
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની યાદી જણાવે છે કે, રાજકોટમાં છેલ્લા બે વર્ષથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર શો યોજવામાં આવે છે. જેમાં વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે પરતું, રાજકોટ મનપાના પદાધિકારીઓ અને કમિશ્નર દ્વારા ગત તા.22/1ના રોજ જાહેર કરવામાં આવેલ છે કે, રાજકોટ ફ્લાવર શોમાં રૂ.20/- પ્રવેશ ફી રાખવામાં આવેલ છે, જે નિર્ણય તદ્દન ગેરવ્યાજબી લેવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાએ વર્ષે 0.50 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે, ત્યારે મ.ન.પા. રાજકોટની જનતા માટે ફ્લાવર શોમાં એન્ટ્રી ફી લેવાનો નિર્ણય પરત લે અને જાહેર જનતાને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે તેવી જાહેર જનતાના હિતમાં માંગણી કરીએ છીએ.

ગુજરાત સરકારની સ્વતંત્રપર્વની ઉજવણી નિમિતે રાજકોટમાં જયારે કરોડો રૂપીયાનો ખર્ચ થતો હોય છે ત્યારે આ ફ્લાવર શો પાછળ ફાળવેલ નાના કરતા વધારાના 15-20 લાખ રૂપિયાનો મામુલી ખર્ચ સરકાર ભોગવે તો રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતા જે ફ્લાવર શો નો લાભ લેવાની છે તે સંખ્યામાં વધારો થશે અને લોકો ખુશીથી ફ્લાવર શો ની પરિવાર સાથે મજા માણી શકશે.

રાજકોટમાં કાલાવડ રોડ પર તથા 150 ફૂટ રીંગ રોડ પર ત્રણ સ્થળે અને ગ્રીનલેન્ડ ચોકડી સહીત કુલ પાંચ સ્થળે અંદાજે રૂા.230 કરોડના ખર્ચે બ્રીજ બનવવા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને મંજૂરી આપેલ છે જે અન્વયે 10% રકમ લેખે આશરે 23 કરોડ ની ગ્રાન્ટ મનપાને ચૂકવવામાં આવેલ છે પરંતુ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ તમામ બ્રીજોની ડીઝાઈન સહિતની મૂળભૂત કામગીરી જ હજુ મનપાના ઈજનેરો એ શરુ કરી નથી.

અગાઉ પણ રાજકોટ મહાનગરપાલિકાને અન્ય બ્રીજોની ગ્રાન્ટ આવી ગઈ હોવા છતાં તે કામો પણ હજુ સુધીમાં રાજકોટ મનપા દ્વારા શરુ કરવામાં આવેલ નથી તો આ જાહેર કરેલ નવા બ્રીજોના કામ ક્યારે થશે એ તો સમય જ બતાવશે તેથી વિનંતી છે કે આપ રાજકોટના પનોતાપુત્ર છો ત્યારે રાજકોટના કામોમાં અંગત રસ લઇ સત્વરે કામો શરુ કરાવી લોકોને સુવિધા મળે તે માટે સત્વરે પૂર્ણ કરાવશો તેવી રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરેલ છે તેવું વશરામભાઈ સાગઠીયાએ અંતમાં જણાવેલ હતું.


Loading...
Advertisement