રાજકોટ: યુનિવર્સીટી અંગ્રેજી ભવનના ધરણા આંદોલનનો ફિયાસ્કો : વિના શર્ત ફરજ પર ચડયા

23 January 2020 05:20 PM
Rajkot Education Saurashtra
  • રાજકોટ:  યુનિવર્સીટી અંગ્રેજી ભવનના ધરણા આંદોલનનો ફિયાસ્કો : વિના શર્ત ફરજ પર ચડયા

મસ્ટરમાં હાજરી પુરી અઘ્યાપકોએ બે દિવસ સુધી લડત ચડાવી : ભવનના નવા વડા નિલામ્બરીબેન પાસેથી રિપોર્ટ માંગતા કુલપતિ

રાજકોટ તા.23
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનની વિવાદાસ્પદ પીએચડી પ્રવેશ પરીક્ષામાં ભવનના વડાના પદ પરથી સંજય મુખરજીને હટાવી ડો.નિલામ્બરીબેન દવેને ચાર્જ સોંપાતા તેના વિરોધમાં આ ભવનના અઘ્યાપકો અને વિદ્યાર્થીઓએ ધરણા-આંદોલન શરૂ કર્યુ હતું. બે દિવસના આ ધરણા આંદોલન બાદ માંગણી નહી સંતોષાતા અંગ્રેજી ભવનના આ અઘ્યાપકો ફરી કોઇપણ જાતની શર્ત વગર જ આજથી ફરજ પર ચડી જતાં અંગ્રેજી ભવનનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ થઇ ગયું છે.
જેમાં અંગ્રેજી ભવનના ત્રણ કાયમી અઘ્યાપકો અને બે હંગામી અઘ્યાપકો સાથે વિદ્યાર્થીઓએ બે દિવસ સુધી ધરણા આંદોલન કર્યુ હતું. જેમાં અઘ્યાપકોએ અંગ્રેજી ભવનના મસ્ટરમાં હાજરી પૂરી અને થંભ મશીનમાં થંભ મારી ધરણા આંદોલન ચલાવ્યાનું ખૂલ્યું છે. આ પ્રકરણમાં યુનિવર્સિટીના કુલપતિ ડો.પેથાણીએ અંગ્રેજી ભવનના નવા વડા નિલામ્બરીબેન દવે પાસેથી રીપોર્ટ મંગાવેલ છે.

આ અંગે કુલપતિ ડો.પેથાણીનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકરણમાં નિલામ્બરીબેન દવે પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવેલ છે. જે રીપોર્ટ આવ્યા બાદ જ આગળના પગલા લેવાશે. અહીં એ ઉલ્લેખનીય છે કે અંગ્રેજી ભવનની વિવાદાસ્પદ પીએચડી પ્રવેશ પરીક્ષામાં ભવનના વડા ડો.સંજય મુખર્જી અને અઘ્યાપક જયદીપસિંહ ડોડીયાએ ગંભીર પ્રકારની ગેરરીતિ આચરી હોવાનો તપાસ સમિતિએ આપેલા રિપોર્ટના આધારે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા અંગ્રેજી ભવનના વડા સંજય મુખર્જી પાસેથી આ ભવનના વડાનો ચાર્જ આંચકી લઇ નિલામ્બરીબેન દવેને સોંપવામાં આવેલ છે. તેમજ ઉપરોકત બંને અઘ્યાપકોના ઇજાફા અટકાવી દેવામાં આવેલ છે.

અંગ્રેજી ભવનના સંજય મુખર્જી પાસેથી ભવનના વડાનો ચાર્જ આંચકી લેવાતા તેના વિરોધમાં અઘ્યાપકો દ્વારા બે દિવસ સુધી ધરણા આંદોલન ચલાવ્યા બાદ આજે કોઇપણ શરત વગર આ આંદોલન સમેટી લીધુ હતું. આ આંદોલન દરમિયાન ભવનના એક માત્ર અઘ્યાપક ડો.ડોડીયા પરસ્પર હાજર રહ્યા હતાં. હવે આ પ્રકરણમાં કુલપતિ ડો.પેથાણી દ્વારા શું પગલા લેવાય છે તેમના તરફ યુનિ.કેમ્પસના અઘ્યાપકોની મીટ મંડાયેલી છે.


Loading...
Advertisement