‘ફલેગ ઓફ યુનિટી‘-‘જન સેવા કેન્દ્ર’નું આવતીકાલે નાયબ મુખ્યમંત્રીના હસ્તે થશે લોકાર્પણ

23 January 2020 05:15 PM
Rajkot Saurashtra
  • ‘ફલેગ ઓફ યુનિટી‘-‘જન સેવા કેન્દ્ર’નું આવતીકાલે નાયબ મુખ્યમંત્રીના હસ્તે થશે લોકાર્પણ

જનસેવા કેન્દ્રમાં 104 પ્રકારની કામગીરીઓ થશે, વિશ્વ રેકોર્ડ બનાવનાર રાષ્ટ્રધ્વજ તૈયાર થયો

રાજકોટ,તા. 23
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવતીકાલે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના હસ્તે સવારે ફલેગ ઓફ યુનિટી અંતર્ગત તૈયાર કરવામાં આવેલા 10 ફૂટ બાય 10 ફૂટનાં રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરવામાં આવશે. તેની સાથોસાથ સૌરાષ્ટ્રનું સૌપ્રથમ કહી શકાય તેવું અતિઆધુનિક અને સંપૂર્ણપણે વાતાનુકુલિત જનસેવા કેન્દ્રનું ઉદ્દઘાટન કરવામાં આવશે.

આ કાર્યક્રમ માટે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા દ્વારા આગોતરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું જણાવાયું છે.

રાજકોટમાં પ્રજાસતાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અવસરે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા વિશ્વરેકોર્ડ બનાવતી જાપાનીઝ ઓરોગામી પધ્ધતિથી 42 હજાર કાર્ડને ગુંદર અથવા તો ફેવીકોલથી જોડ્યા વગર એકબીજા સાથે જોડીને 10 ફૂટ બાય 10 ફૂટનો રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં આવ્યો છે. આ રાષ્ટ્રધ્વજ તૈયાર થઇ જતાં આવતીકાલે તેને લોકાર્પણ કરીને આ વિશ્વરેકોર્ડ સર્જનાર રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે. આ લોકાર્પણ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના હસ્તે સવારે 10 કલાકે યોજવામાં આવ્યું છે.

દરમિયાન રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં તૈયાર કરવામાં આવેલા સૌરાષ્ટ્રના સૌપ્રતમ એવા આધુનિક જનસેવા કેન્દ્રનું પણ આવતીકાલે લોકાર્પણ કરવામાં આવશે. આ જનસેવા કેન્દ્રમાં 19 ટેબલો રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકારની ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ, વિવિધ સહાય સહિતની 104 પ્રકારની કામગીરી આ જનસેવા કેન્દ્રમાં કરવામાં આવશે.

જનસેવા કેન્દ્રમાં અરજદારોને મદદ માટે ત્રણ અલગ કાઉન્ટર રાખવામાં આવ્યા છે જે અરજદારોને જુદા જુદા કામ માટેના ફોર્મ ભરશે. અને અલગ અલગ કાઉન્ટરમાં રજૂ કરી અરજદારને બીજા દિવસે પોતાનો જરુરી એવો આવકનો દાખલો, આધારકાર્ડ, 7-12ના દાખલા સહિતની કામગીરીના પ્રમાણપત્રો મળી રહેશે. આ સંદર્ભની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.


Loading...
Advertisement