જામનગર શહેરમાં પાથરણાવાળા અને રેકડીવાળા પાસેથી ગેરકાયદેસર ઉઘરાણા

20 January 2020 04:38 PM
Jamnagar

મહાનગરપાલિકા તંત્ર દ્વારા પગલા લેવા માંગ: કર્મચારી અને સિકયોરીટીના નામે ઉઘરાણા

જામનગર તા.20
જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં અનેક જગ્યાએ અને અનેક રોડ ઉપર પાથરણાવાળા તેમજ રેકડીવાળાઓ બેસતા હોય છે. તેમજ જુદા-જુદા સ્થળો ઉપર શાક માર્કેટ ભરાતી હોય છે. તેમજ ગુજરી બજારો પણ જુદા-જુદા દિવસે જુદા-જુદા વિસ્તારમાં ભરાઇ છે. આવા તમામ જગ્યાઓ ઉપર મહાનગરપાલિકાના સિકયોરીટીના જવાનોના નામે તેમજ કર્મચારીઓના નામે ખુલ્લે આમ ઉઘરાણા થતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા નિયમ મુજબ પહોંચ આપીને જાહેર માર્ગો ઉપર ઉભા રહેતા રેકડીવાળા કે પાથરણા પાથરીને બેસતા પાથરણાવાળાઓ પાસેથી વસુલાત મહાનગરપાલિકાના નિયુકત થયેલા કર્મચારી ફી વસુલતા હોય છે. પરંતુ આ મહાનગરપાલિકાના કર્મચારી કોઇ આઇડેન્ટી કે આધારકાર્ડ રાખતા નથી. પરંતુ મહાનગરપાલિકાના કર્મચારી દ્વારા તો પૈસા વસુલાતની પહોંચ આપવામાં આવે છે. પરંતુ મહાનગરપાલિકાના કર્મચારી કોણ છે અને કયા દિવસે કોણ આવે છે. તેની જાણકારી હોતી નથી. તેવી જ રીતે રેકડીવાળા કે પાથરણાવાળા પાસે પણ કોને પૈસા ચુકવ્યા તેની માહિતી હોતી નથી. જેનો લાભ કેટલાંક તત્વો ભૂતકાળમાં લઇ ગયા હતા. ત્યારે ફરી પાછા આ પ્રકારના ઉઘરાણા કેટલાક તત્વો કરતા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.
જામનગરમાં ગુર્જરી બજાર ભરાતી હોય કે શાક માર્કેટ ભરાતી હોય તેવા વિસ્તારમાં કેટલાંક લોકો દ્વારા રૂા.200ની પહોંચ આપુ કે રૂા.50 આપે છે તેમ કહીને ઉઘરાણા કરવામાં આવે છે. આ ઉઘરાણા કોના દ્વારા અને કોની સુચનાથી લેવામાં આવે છે તે અંગે મહાનગરપાલિકાના જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે. કારણકે દૈનિક કમાઇને દૈનિક ખાનારા ગરીબ વર્ગના લોકો તો આવા લોકો સામે અવાજ ઉઠાવી ન શકે પરંતુ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આવા તત્વો સામે પગલા લેવાઇ અને મહાનગરપાલિકાની તિજોરીમાં આવક થાય તેવી કામગીરી કરવી જોઇએ. સાથેસાથે મહાનગરપાલિકાના નિયત કરેલા કર્મચારીને આઇકાર્ડ લગાડવાની સુચના આપવામાં આવે તે પણ જરૂરી છે. જેથી ઉઘરાણા કરનારને અટકાવી શકાય સાથેસાથે મહાનગરપાલિકા દ્વારા પણ પાથરણાવાળાઓને તેમજ રેકડીવાળાઓને પણ નિયમ મુજબ પહોંચ લઇને પૈસા ચુકવવા તેની પણ જાણકારી આપવામાં આવે તે જરૂરી છે. હાલમાં તો પાથરણાવાળાઓ અને રેકડીવાળાઓ પાસેથી ખુલ્લે આમ રૂા.50-50ના ઉઘરાણા નિયમિત રીતે કરવામાં આવે છે. તેને ઝડપભેર અટકાવવામાં મહાનગરપાલિકાનું તંત્ર પગલા લે તેવી માંગ પાથરણાવાળાઓ અને રેકડીવાળા તરફથી ઉઠી છે.


Loading...
Advertisement