રાજકોટમાં સરકારી કચેરીઓ ઉત્સવમાં ગળાડૂબ: કાર્યક્રમો સિવાયની વાતો સાઈડમાં

20 January 2020 04:30 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં સરકારી કચેરીઓ ઉત્સવમાં ગળાડૂબ: કાર્યક્રમો સિવાયની વાતો સાઈડમાં

26 જાન્યુઆરી સિવાય વાત નહીં : કલેકટર, મહાપાલિકામાં સાહેબો કા મીટીંગમાં, કા ફિલ્ડમાં: ચૂંટાયેલા લોકો કાર્યક્રમમાં: નાગરિકોને દર્શન બંધ

રાજકોટ તા.20
રાજકોટ ખાતે રાજયકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી રાજય સરકાર દ્વારા નકકી કરવામાં આવી છે અને કાર્યક્રમો શરૂ થઈ ગયા છે, ત્યારે મુખ્ય યજમાન જિલ્લા કલેકટર, મહાપાલિકા સહિતની કચેરીઓમાં પણ ઉત્સવ જેવો માહોલ છવાઈ ગયો છે. રોજીંદી કામગીરી સિવાયના મહત્વના કામો, રજૂઆતો, લોક ફરિયાદોના નિકાલ સહિતની પ્રક્રિયા પાછળ ઠેલાઈ જતા ઘણી રજૂઆતો પણ ઓફિસ બહાર રહેવા લાગી છે.

રાજયકક્ષાની ઉજવણીનું પુરૂ સંકલન જીલ્લા કલેકટર તંત્ર કરી રહ્યું છે. કલેકટર કચેરીને સુશોભન થઈ ગયા છે અને આજે રાત્રીથી મહાપાલિકા કચેરીમાં પણ આજથી રોશની થઈ જવાની છે. આ બન્ને કચેરી અંદર તો ઠીક, બહારથી પણ ઉત્સવોનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. ફાઈલોના નિકાલ એકંદરે અટકી ગયા છે. કોર્પોરેશન જેવી કચેરીમાં તો રોજીંદા કામો માટે પણ લોકો આવતા હોય છે. રૂટીન કામ થાય છે, પરંતુ કોઈ જુના પ્રશ્નના નિકાલ કે રજૂઆત આગળ વધતા નથી.

મનપામાં માત્ર પ્રજાસતાક પર્વની ઉજવણીની ચર્ચા અને મીટીંગો થાય છે. રવિવારે પણ બંને કચેરી ધમધમી હતી. એક રીતે મનપાના મોટાભાગના અધિકારીઓ કલેકટર હવાલે છે તો ચૂંટાયેલા પદાધિકારીઓ ડે એન્ડ નાઈટ કાર્યક્રમમાં રહે છે. શનિવારે રાત્રે ડાયરો અને ત્યાંથી સીધા રવિવારે પરોઢીયે જનારા પદાધિકારી પણ હતા!

રાજય સરકારની અન્ય કચેરીઓ, રૂડા જેવી ઓથોરીટી, કેટલીક કેન્દ્રની કચેરીઓમાં પણ ઉત્સવનો માહોલ છે. હજુ આવતા રવિવાર સુધી આ જ પ્રકારે વાતાવરણ રહેવાનું છે. આ સંજોગોમાં હજુ એક સપ્તાહ રાજકોટમાં સરકારી કચેરીઓમાં લોકોને રોજીંદા કામ કરતા કાર્યક્રમો સાથેના કામો વધુ થશે તે નકકી છે.


Loading...
Advertisement