રાજકોટ: શહેરમાં ડામર કામની ઝડપે જ ખોદકામ ચાલુ: ભૂપેન્દ્ર રોડ ફરી ખોદાયો

20 January 2020 04:21 PM
Rajkot Saurashtra
  • રાજકોટ: શહેરમાં ડામર કામની ઝડપે જ ખોદકામ ચાલુ: ભૂપેન્દ્ર રોડ ફરી ખોદાયો
  • રાજકોટ: શહેરમાં ડામર કામની ઝડપે જ ખોદકામ ચાલુ: ભૂપેન્દ્ર રોડ ફરી ખોદાયો
  • રાજકોટ: શહેરમાં ડામર કામની ઝડપે જ ખોદકામ ચાલુ: ભૂપેન્દ્ર રોડ ફરી ખોદાયો

ડીઆઈ પાઈપલાઈન માટે ટ્રાફિકગ્રસ્ત માર્ગ ફરી ખોદાયો: વેપારીઓ પરેશાન: નવા ટ્રાફિક સીગ્નલ માટે ચીરાયેલા રસ્તા પર પેવર થઈ ગયું: રાજમાર્ગો પર ધમધમાટ: આવું કામ બારે માસ ચાલે તો?

રાજકોટ તા.20
રાજકોટમાં એક તરફ પ્રજાસતાક પર્વની ઉજવણી ચાલે છે અને જુદા જુદા કાર્યક્રમો વચ્ચે ધડાધડ પેવર કામ અને પેચવર્કના કામો ચાલે છે. તેવામાં જુના રાજકોટમાં પાણી પુરવઠાના પ્રોજેકટ માટે ખોદકામ પણ ચાલુ રહેતા વેપારી વિસ્તારોમાં કકળાટ ચાલુ રહ્યો છે. આજે સવારે ફરી ભૂપેન્દ્ર રોડ ખોદવામાં આવતા ટ્રાફિક જામ થતો હતો.
વોર્ડ નં.14માં કેનાલ રોડ સાથે જોડાયેલા લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી સહિતના રહેણાક વિસ્તારોમાં કનેકશન લાઈન ગત મહિને પાથરવામાં આવી હતી. તે કારણે નાની નાની શેરીઓમાં પણ ખોદકામ થયા છે. અનેક શેરીમાં હજુ લેવલ મુજબ મેટલીંગ કામ થયું નથી. ઘણી જગ્યાએ ખાડામાં લેવલ જળવાતા નથી. આ ફરિયાદો વચ્ચે જે ગતિથી ખોદકામ થાય છે તે જ ગતિએ પેચવર્ક પણ કરવા લોકોની માંગણી છે.
દરમિયાન જુના રાજકોટમાં જયા સૌથી વધુ આ પાણી પુરવઠા યોજનાનું કામ થયું છે તેમાં વોર્ડ નંબર 14 બાદ વોર્ડ નં.7નો ક્રમ આવે છે. આ બન્ને વોર્ડમાં મધ્ય ઝોનમાં સૌથી પહેલા પાણી વિતરણનું આ નવું નેટવર્ક ગોઠવવાનું છે. આથી જ ઝડપે ખોદકામ થાય છે.
બીજી તરફ વેપારી વિસ્તારમાં સમયાંતરે સતત ખોદકામ થતા વેપારીઓને અગવડતા પણ પડી રહ્યાની ફરિયાદ આવી રહી છે. કરણસિંહજી સ્કુલથી રાજેશ્રી, ભૂપેન્દ્ર રોડના રસ્તે હવે પેટા ડીઆઈ પાઈપલાઈન પાથરવાનું કામ શરૂ થયું છે. તે બાદ રહેણાક શેરીઓમાં કનેકશન લાઈન પાથરવાની છે. આથી આ ખોદકામ મુખ્ય રોડ પર આગળ વધીને બાદ શેરીઓમાં પણ જવાનું છે.
હાલ મનપાએ તમામ મુખ્ય ચોકમાં ઉભા કરેલા એટીસીએસ ટ્રાફિક સીગ્નલ માટે ચોક ખોદયા હતા. આ ચરેડા પેવરથી મઢાઈ રહ્યા છે. અનેક મુખ્ય માર્ગો પર ડામર થયા છે. ઢેબર રોડ કડવીબાઈ સ્કુલથી નાગરિક બેંક ચોક સુધીમાં લાંબા સમયે મોટા પેચવર્ક થયા છે. જયાં જયાં નવા સીગ્નલ ઉભા થયા છે ત્યાં આ પેચવર્કના કામ આગળ વધ્યા છે.
હાલ અમુક રોડ પર જે રીતે રાતોરાત નવા ડામર કામ થઈ રહ્યા છે તે જ રીતે મનપાના પાઈપલાઈન ખોદકામ, જુદી જુદી કંપનીઓ દ્વારા કરાતા ખોદકામ ઉપર પણ તાબડતોબ ઝડપથી પેચવર્ક કે ડામર કરવામાં આવે તેવી ઈચ્છા પ્રજાસતાક પર્વે રાજકોટના લોકોની છે. 26 જાન્યુ. બાદ ફરી આ કામો ધીમા ન પડી જાય અને કમસે કમ ખોદકામ બાદ ફરી પાકા રોડ તાબડતોબ કરવામાં આવે તો જ આવી ઉજવણીઓ સાર્થક ગણાશે તેવું નાગરિકો કહે છે.


Loading...
Advertisement