ઝવેરીઓ પછી બિલ્ડરો! આવકવેરાની ધડાધડ ટેકસ ડીમાંડ નોટીસ

20 January 2020 04:19 PM
Ahmedabad Gujarat Rajkot
  • ઝવેરીઓ પછી બિલ્ડરો! આવકવેરાની ધડાધડ ટેકસ ડીમાંડ નોટીસ

જાણીતા બિલ્ડરને 10 કરોડથી અધિકની નોટીસ; રાજકોટ ઉપરાંત અમદાવાદ-સુરતમાં પણ સંખ્યાબંધ નોટીસોથી ઉહાપોહ

રાજકોટ તા.20
નોટબંધી વખતે બેંકોમાં જંગી રકમ જમા કરાવનારા સેંકડો ઝવેરીઓને ઈન્કમટેકસની ટેકસ ડીમાંડ નોટીસનો ઉહાપોહ હજુ શાંત પડયો નથી, ત્યાં સંખ્યાબંધ બિલ્ડરોને પણ ધડાધડ કરોડો રૂપિયાની ડીમાંડ નોટીસો મળવા લાગતા સનસનાટી સાથે ફફડાટ ફેલાયો છે. આવતા દિવસોમાં સમગ્ર વેપાર ઉદ્યોગ જગતમાં તેના તીવ્ર પ્રત્યાઘાતો પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેન્દ્રની મોદી સરકાર દ્વારા 2016માં 500 તથા 1000ની જુની નોટો ચલણમાંથી પાછી ખેંચીને નોટબંધી લાગુ કરવામાં આવી હતી. કાળુ નાણુ બહાર લાવવાના ઈરાદે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 500-1000ની નોટ ધરાવતા લોકોએ તે બેંકમાં ભરી હતી. જંગી માત્રામાં જુની નોટ ભરનારા વેપારીઓ લોકોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ગત 31મી ડિસેમ્બર સુધીમાં નોટબંધીના તમામ કેસોમાં એસેસમેન્ટ કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ ટેકસ ભરવા માટે ડીમાંડ નોટીસનો મારો શરૂ થયો છે. રાજકોટ-અમદાવાદ સહિત દેશભરના સેંકડો ઝવેરીઓને કરોડો રૂપિયા ટેકસ પેટે ભરવાની ડીમાંડ નોટીસો ફટકારવામાં આવી જ હતી અને તેનો જબરો ઉહાપોહ પણ સર્જાયો છે.

ઝવેરીઓના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડના ચેરમેન સમક્ષ પણ રજુઆત કરી હતી. ટેકસ ડીમાંડ ઉભી કરવામાં અતિરેક થયાની અને નાણશં ભરવા સંબંધી વ્યાજબી દલીલો પણ માન્ય રાખવામાં ન આવ્યાની રજુઆત કરવામાં આવી હતી. જંગી ડીમાંડ નોટીસો સામે મોટાભાગના ઝવેરીઓએ તો અપીલનો માર્ગ અપનાવ્યો છે ત્યારે હવે બિલ્ડરોને પણ ધડાધડ નોટીસો મળવા લાગી હોવાનું બહાર આવ્યું છે.

આવકવેરા વિભાગના સૂત્રોએ કહ્યું કે, નોટબંધી વખતે જંગી નાણાં ભરનારા તમામના કેસો ચકાસવામાં આવ્યા હતા અને તેના આધારે ડીમાંડ નોટીસો કાઢવામાં આવી છે. 30 દિવસમાં ટેકસ ભરવાની સૂચના છે. અપીલ કરવાની હોય તો ડીમાંડનો 20 ટકા ટેકસ ચુકવીને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

બિલ્ડરો-ઝવેરીઓ વગેરેને ફટકારાયેલી ટેકસ ડીમાંડની કુલ નોટીસો વિશે તંત્ર દ્વારા કોઈ ફોડ પાડવામાં આવતો નથી. એવું બહાર આવ્યું છે કે રાજકોટના હરેક જાણીતા બિલ્ડરને 11 કરોડની ટેકસ ડીમાંડ નોટીસ ફટકારવામાં આવી છે. આ જ રીતે અન્ય અનેક બિલ્ડરોને પણ નોટીસો ફટકારાઈ છે. ઝવેરીઓની જેમ બિલ્ડર એસોસીએશનને પણ સમગ્ર મામલે દરમ્યાનગીરી કરવા અવાજ ઉઠે તેવી શકયતાનો ઈન્કાર કરવામાં આવતો નથી.

સૂત્રોના કહેવા પ્રમાણે માત્ર રાજકોટ જ નહીં, અમદાવાદ-સુરતના અનેક બિલ્ડરોને પણ આ પ્રકારની ડીમાંડ નોટીસો ફટકારવામાં આવી છે. આ મામલે આવતા દિવસોમાં રાજયવ્યાપી પ્રત્યાઘાતો પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં બે ઓટોડીલર ગ્રુપ પર ઈન્કમટેકસની તવાઈ; તપાસ
નાણાકીય વર્ષને આડે માંડ સવા બે મહિના બાકી છે. વસુલાત લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે મોટાપાયે સર્ચ-સર્વેની કાર્યવાહી થવાની અટકળો પ્રવર્તી રહી છે ત્યારે આજે અમદાવાદમાં બે ગ્રુપ પર દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાના નિર્દેશ છે.

આવકવેરા ખાતાના સૂત્રોએ કહ્યું છે કે, ઓટો ડીલરશીપ સાથે સંકળાયેલા બે ગ્રુપને નિશાન બનાવવામાં આવ્યા છે. આવકવેરાના 50થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટકયો છે અને મોટાપાયે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોટી રકમની ટેકસ ચોરી પકડાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગે સર્ચ-સર્વેનો દોર શરુ કરતા વેપાર ઉદ્યોગકારોમાં ફફડાટ છે.

સોનીબજારમાં તપાસ પૂર્ણ: એક ઝવેરી પાસેથી 35 લાખની રોકડ જપ્ત: કરોડોની કરચોરી ખુલવાની શંકા
આવકવેરા વિભાગ દ્વારા સોનીબજારમાં અર્ધો ડઝન સ્થળોએ હાથ ધરાયેલી સર્વે કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. હિસાબી સાહિત્યની ચકાસણીમાં કરોડોની કરચોરી ખુલવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસ દરમ્યાન એક સ્થળેથી લાખોની રોકડ મળી આવતા સર્વેને દરોડામાં ફેરવી નાખવામાં આવ્યો હતો.

આવકવેરા વિભાગના માહિતગાર સૂત્રોએ એમ જણાવ્યું છે કે, ગત ગુરુવારે રાજકોટ-જુનાગઢના ત્રણ ઝવેરી ગ્રુપના આઠ સ્થળોએ રાજકોટ ઈન્કમટેકસ ઈન્વેસ્ટીગેશન વિંગની ટીમો ત્રાટકી હતી. આઠમાંથી છ સ્થળો રાજકોટની સોનીબજારમાં હતા. અન્ય બે ગુનાગઢમાં હતા. રાજકોટમાં વી.કે. તથા ચેતન આર્ટ એમ બે ઝવેરી જુથો નિશાન બન્યા હતા. તેઓની દુકાન-વર્કશોપ જેવા સ્થાનોએ તપાસ કરવામાં આવી હતી. જુનાગઢમાં હોલમાર્ક સાથે સંકળાયેલ ઝવેરી નિશાન બન્યા હતા. ગુરુવારથી હાથ ધરાયેલી તપાસ શનિવારે પૂર્ણ થઈ હતી તે દરમ્યાન એક ઝવેરીને ત્યાંથી અંદાજીત 35 લાખની રોકડ પકડાતા સર્વેને સર્ચમાં ક્નવર્ટ કરવામાં આવ્યો હતો.

રોકડ ઝડપાતા ત્રણમાંથી એક સ્થળે સર્વે કાર્યવાહી દરોડામાં પરિવર્તિત કરી દેવાઈ હતી

સૂત્રોએ કહ્યું કે ત્રણેય ઝવેરીઓને ત્યાંથી મોટી માત્રામાં હિસાબી દસ્તાવેજો- સાહિત્ય કબ્જે કરવામાં આવ્યા છે તેની ચકાસણી શરુ કરવામાં આવી છે. કોમ્પ્યુટર હાર્ડડીસ્કવગેરે પણ જપ્ત કરવામાં આવ્યા છે તેની ચકાસણીમાં કરોડો રૂપિયાના વ્યવહારો હોવાનું માલુમ પડયું છે. આ વ્યવહારો કાયદેસરના છે કે બેનંબરી તેની તપાસના આધારે કરોડો રૂપિયાની કરચોરી ખુલવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સોનીબજારમાં આવકવેરા કાર્યવાહીથી ઝવેરીઓમાં ફફડાટ છે જ. આવતા દિવસોમાં વસુલાત લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે વધુ કાર્યવાહી થવાની આશંકાથી ઝવેરીબજાર સાવધ બની છે. નોટબંધી વખતના વ્યવહારો વિશે જંગી રકમની ડીમાંડ નોટીસનો ઉહાપોહ યથાવત જ છે.


Loading...
Advertisement