જામનગર: ફલ્લા પાસે છકડો-રીક્ષાને કારે અડફેટે ચડાવી : ચાલકને ઇજા

20 January 2020 03:41 PM
Jamnagar Saurashtra
  • જામનગર: ફલ્લા પાસે છકડો-રીક્ષાને કારે અડફેટે ચડાવી : ચાલકને ઇજા

ધ્રોલ પાસે મોટરસાયકલ સવાર ભાઇ-બહેનને કારની કપરી ઠોકર, કારે અન્ય એક વૃદ્ધાને પણ ઠોકર મારી : જામનગરમાં બે બાઇકની ઠકકરમાં એક ચાલક ઘવાયો

જામનગર તા. 20 :
જામનગર નજીકના ફલ્લા ગામ પાસે ગઇકાલે પુરઝડપે દોડતી એક કારે છકડા રીક્ષાને જોરદાર ઠોકર મારી નિપજાવેલા અકસ્માતમાં રીક્ષા ચાલકને ઇજા પહોંચી છે જયારે ધ્રોલ નજીક પુરઝડપે દોડતી એક કારે ઠોકર મારતા બાઇક સવાર જાઇવા ગામના ભાઇ-બહેનને ઇજા પહોંચી છે. બાઇકને ઠોકર મારી કાર રસ્તો ઓળગતા મહિલાને પણ અડફેટે લઇ ઇજા પહોંચાડી છે. જયારે જામનગરમાં જિલ્લા પંચાયત સામે બે બાઇકની ઠકકરમાં એક મોટરસાયકલના ચાલકને ઇજા પહોંચી છે.
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પરના ફલ્લા નજીક ગઇકાલે પુરઝડપે દોડતી જીજે-10-સીએન-5877 નંબરની એક કારે સામેથી આવી રહેલ જીજે-10-ટીડબલ્યુ-3293 નંબરની છકડો રીક્ષાને ગોલાઇ પાસે જોરદાર ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો. આ અકસ્માતમાં રીક્ષા પલ્ટી ખાઇ જતાં ફલ્લા ગામે રહેતા રીક્ષા ચાલક નિતીનભાઇ રવજીભાઇ ગોહિલ (ઉ.વ.45)ને હાથ તેમજ માથા તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતાં. આ બનાવ અંગે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર લીધા બાદ નિતીનભાઇએ અકસ્માત નિપજાવી નાશી ગયેલા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પંચકોશી એ ડીવીઝન પોલીસ દફતરના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે ધ્રોલ તાલુકા નજીકના ધોરીમાર્ગ પર સર્વોતમ હોટલ સામે ગઇકાલે સવારે દશેક વાગ્યાની આસપાસ જીજે-3-કે-એચ-6685 નંબરની કારે રાજકોટ તરફથી જામનગર તરફ આવી રહેલ જીજે-03-જેબી-1435 નંબરના મોટરસાયકલને અડફેટે લઇ અકસ્માત નિપજાવ્યો હતો. જેમાં ધ્રોલ તાલુકાના જાયવા ગામના બાઇક ચાલક અતુલભાઇ શાંતિલાલ મુંગરા (ઉ.વ.27) અને બાઇક પાછળ બેઠેલા તેમના બહેનને ઇજા પહોંચી હતી. બાઇકને ઠોકર માર્યા બાદ રસ્તો ઓળંગતા ખોડા પીપર ગામના રેણુકાબેન રમેશભાઇને હડફેટે લઇ ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે સારવાર લીધા બાદ મોટરસાયકલના ચાલકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા ધ્રોલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે અન્ય એક અકસ્માત જામનગરમાં થયો હતો. જેમાં જિલ્લા પંચાયત સામે ત્રણ દિવસ પુર્વે જીજે-10-ડીએફ-2424 નંબરના મોટરસાયકલને સામેથી રોંગ સાઇડમાં આવીને એક મોટરસાયકલે ઠોકર મારી હતી. આ બનાવમાં જામનગર તાલુકાના જામવંથલી ગામે ઉંડડેમ કોલોનીમાં રહેતા મોટર ચાલક સુનીલભાઇ નારુભાઇ ભુસા (ઉ.વ.28) ને ઇજા પહોંચી હતી. સીટી બી ડીવીઝન પોલીસે અકસ્માત નિપજાવી નાશી ગયેલા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધી છે.


Loading...
Advertisement