જામનગરની ટીચર સાથે લગ્નની લાલચે 36.82 લાખ રૂપિયાની છેતરપીંડી

20 January 2020 03:33 PM
Jamnagar Crime Education Gujarat Saurashtra
  • જામનગરની ટીચર સાથે લગ્નની લાલચે 36.82 લાખ રૂપિયાની છેતરપીંડી

લગ્નનું પાત્ર શોધી આપતી વેબસાઇટ પર મુકેલા બાયોડેટા પરથી એક યુવાને સંપર્ક કર્યો, ગીફટ પાર્સલ મોકલી છોડાવવાના નામે રૂપિયા પડાવી લીધા

જામનગર તા. 20:
જામનગરમાં હાથી કોલોનીમાં રહેતી એક ટીચર સાથે કથીત અમેરીકાથી એક શખ્સે સંપર્ક કરી યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી, ગીફટ પાર્સલ મોકલી, આ પાર્સલ છોડાવવા માટે જુદી-જુદી રીતે રૂપિયા 36.82 લાખની રકમ જુદા-જુદા ખાતામાં જમા કરાવી લઇ છેતરપીંડી આચરી હોવાની સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. યુવતિએ લગ્નનું પાત્ર શોધી આપતી એક વેબસાઇટ પર મુકેલા બાયોડેટા પરથી યુવાને તેણીનો સંપર્ક કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગરમાં એક ખાનગી શાળામાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતી પ્રિયંકાબેન વલ્લભભાઇ પટેલ સાથે લગ્નની લાલચે છેતરપીંડી કરવામાં આવી છે. જેની વિગત મુજબ તેણીએ પોતાનો લગ્નનો બાયડેટા સાદી ડોટ કોમ નામની વેબસાઇટ પર મુકયો હતો. આ બાયોડેટામાં દર્શાવેલા મોબાઇલ નંબર પર રાહુલ નામના એક વ્યક્તિએ પોતે અમેરીકા હોવાનું જણાવી લગ્નની લાલચ આપી હતી. પ્રથમ મેસેજ કર્યા બાદ વાતચીત સુધીના વ્યવહારે પહોંચેલા રાહુલ નામના આ શખ્સે યુએસએથી એક પાર્સલ મોકલાવેલું છે તેમ કહી આ પાર્સલ છોડાવી લેવાનું કહ્યું હતું. થોડા સમય બાદ સુમા કુમારી નામની યુવતિએ ફોન કરી દિલ્હીમાં ફસાઇ ગયું હોવાનું જણાવી પાર્સલ છોડાવવા માટે રૂપિયા માંગ્યા હતાં. દરમ્યાન યુવતિએ આપેલા જુદા-જુદા બેંક એકાઉન્ટમાં પ્રિયંકાબેને 10 દિવસના ગાળા દરમ્યાન જુદી-જુદી બેંકમાંથી રૂપિયા 36,82,500 ની રોકડ રકમ જમા કરાવી હતી. અલગ-અલગ સાત ખાતામાં લાખો રૂપિયાની જમા કરાવી દેવા છતાં પણ પાર્સલ ઘરે નહીં પહોંચતા અને રાહુલ તથા અન્ય મોબાઇલ બંધ આવતા તેણીએ છેતરાઇ ગયાનું ભાન થયું હતું. જેને લઇને તેણીએ આ બનાવ અંગે સીટી એ ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમના ઇન્ચાર્જ પી.આઇ.યુ.એચ.વસાવા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement