ભારતીય સંસ્કૃતિ સાથે ધર્મો પરંપરામાં માનવ કલ્યાણની ભાવના જ સર્વોપરી : રૂપાણી

20 January 2020 01:40 PM
Surendaranagar Gujarat Saurashtra
  • ભારતીય સંસ્કૃતિ સાથે ધર્મો પરંપરામાં માનવ કલ્યાણની ભાવના જ સર્વોપરી : રૂપાણી
  • ભારતીય સંસ્કૃતિ સાથે ધર્મો પરંપરામાં માનવ કલ્યાણની ભાવના જ સર્વોપરી : રૂપાણી
  • ભારતીય સંસ્કૃતિ સાથે ધર્મો પરંપરામાં માનવ કલ્યાણની ભાવના જ સર્વોપરી : રૂપાણી

રાજકોટ-અમદાવાદ હાઇવે પર લીંબડી નજીક વસ્તડી ગામે વિહારધામનું લોકાર્પણ, તિર્થકર જિનાલયના ભૂમી પ્રસંગે મુખ્યમંત્રીએ કર્યુ પ્રસંગોચીત ઉદબોધન

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.20
સુરેન્દ્રનગરના વસ્તડી ખાતે વિહારધામનું લોકાર્પણ અને તીર્થંકર જિનાલયનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાયું હતું.
મુખ્યમંત્રીએ રવિવારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે ઉપર નિર્માણ પામેલ વિહારધામને ખુલ્લું મુકતા જણાવ્યું હતું કે, હિન્દુ-ધર્મ અને ભારતીય સંસ્કૃતિની સાથે સમયાંતરે ઉદભવેલા અન્ય ધર્મો-પરંપરામાં માનવકલ્યાણની ભાવના જ સર્વોપરી રહી છે.
જીવ માત્રના કલ્યાણની ભાવના સાથે જોડાયેલ જૈન સમાજના સાધુ-સંતોના વિહાર દરમિયાન તેમને યોગ્ય વિસામો મળી રહે તે માટે નિર્માણ કરવામાં આવેલ આ વિહારધામ સાચા અર્થમાં સાધુ - સંતો માટે ઉપકારક બની રહેશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.
જૈન સમાજમાં અનેક તીર્થંકરો ક્ષત્રિય હતા તેમ જણાવી તેમણે ઉમેર્યું હતુ કે, જૈન ધર્મમાં સાધુ ભગવંતોને ધર્મ જ્ઞાન અર્થે સતત વિહાર કરતા રહેવું પડે છે, તેવા સમયે લીંબડી-રાજકોટ હાઈવે જેવા સતત વિકસતા રાજમાર્ગ ઉપર સાધુ-સંતોના વિરામ અર્થે નિર્માણ કરવામાં આવેલ આ વિહારધામ માટે ક્ષત્રિય સમાજના શ્રેષ્ઠીજનોએ જે યોગદાન આપ્યું છે તે અભિનંદનીય છે.
સાધુ સંતોની સુવિધાઓ વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી સાધુ સંતો માટે પગદંડીનો પ્રશ્ન હતો, પરંતુ રાજ્ય સરકાર દ્વારા પાલીતાણાથી વલ્લભીપુર અને અમદાવાદથી શંખેશ્વર સુધી અંદાજે 250 કિલોમીટરના રસ્તા ઉપર બનાવવામાં આવેલ પગદંડીનો પાઇલોટ પ્રોજેકટ ટૂંક સમયમાં કાર્યાન્વિત થશે.
આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જૈન સંપ્રદાય દ્વારા નિર્માણ કરવામાં આવેલ વિહારધામનું કાર્ય અન્યો માટે પ્રેરણારૂપ છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના પવિત્ર ધર્મસ્થાનો - યાત્રાધામો, આસ્થા સ્થાનકોનો વિકાસ થાય તેની ચિંતા કરી આવા સ્થાનકોમાં ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવી ધર્મસ્થાનકોમાં આવતા યાત્રાળુઓની સુવિધાઓમાં વધારો કર્યો છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે 4 દિક્ષાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમના પ્રારંભમાં મુખ્યમંત્રીશ્રીએ પોલિયોમુક્ત ગુજરાત અંતર્ગત બાળકોને પોલિયોની રસીના ટીંપા પીવડાવ્યા હતા. આ તકે અવાડા ગ્રૃપ (સોલાર પાવર પ્રોજેકટ) દ્વારા સુજલામ - સુફલામ અભિયાન માટે મુખ્યમંત્રીને રૂપિયા 10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર કે. રાજેશ, ચારણ આઈ પરંપરાના આઈ દેવલમાં, સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોળીયા, અગ્રણી સર્વ વર્ષાબેન દોશી, દિલીપભાઈ પટેલ, જગદીશભાઈ મકવાણા, અનિરૂધ્ધસિંહ પઢિયાર, વિશાલભાઈ શાહ, ચંદ્રકાંતભાઈ દોશી, જશુભાઈ દોશી, ભરતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ સંઘવી, ગીરીશભાઈ ગાંધી તથા મયુરભાઈ શાહ સહિતના સમાજના શ્રેષ્ઠીજનો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયાં હતા.


Loading...
Advertisement