સાંઇબાબા જન્મભૂમિ વિવાદ : આવતીકાલથી અનિશ્ચિત મુદત માટે શિરડી બંધનું એલાન

18 January 2020 11:58 AM
India
  • સાંઇબાબા જન્મભૂમિ વિવાદ : આવતીકાલથી અનિશ્ચિત મુદત માટે શિરડી બંધનું એલાન

શિરડી મુદ્દે રાજકારણ ગરમાયું : ભાજપ ધારાસભ્યની કાનૂની લડાઈની ચેતવણી : શિરડી સાંઇબાબાની કર્મભૂમિ, પાથરી જન્મભૂમિ : એનસીપી નેતા દુર્રાની

અહમદનગર,તા. 18
સાંઇબાબાની જન્મભૂમિને લઇને ફરી વિવાદ ઉઠ્યો છે ત્યારે આવતીકાલથી તા. 19 જાન્યુઆરીથી શિરડી બંધનું એલાન કરાયું છે. મરાઠાવાડા સ્થિત પાથરીના વિકાસ માટે રૂા. 100 કરોડનું એલાન કરી મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ પાથરીને સાંઇબાબાની જન્મભૂમિ કહી દેતા આ વિવાદ શરુ થયો છે ત્યારે ભાજપના સાંસદ સુજય વિખે પાટીલે આ મામલે ગઇકાલે કાનૂની લડાઈની ચેતવણી આપી છે.

અહમદનગર સ્થિત બેઠકના સાંસદ પાટીલે સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે, સાંઇબાબાની જન્મભૂમિને લઇને દાવો ત્યારે કેમ આવ્યો જ્યારે રાજ્યમાં નવી સરકારની રચના થઇ છે. સાંઇબાબાનાં જન્મ સ્થાનને લઇને આજ સુધી કોઇ મતભેદ નહોતા. અચાનક પાથરીને લઇને આવા દાવાઓ ક્યાંથી સામે આવી ગયા ? જો રાજનીતિક હસ્તક્ષેપ ચાલુ રહ્યો તો શિરડીના લોકો આ મામલે કાનૂની લડાઈ પણ શરુ કરી શકે છે.

બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે ઉધ્ધવ સરકારના ફેસલાનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પાથરીમાં શ્રધ્ધાળુઓની સુવિધાઓનો વિરોધ જન્મભૂમિ વિવાદના કારણે ન થવો જોઇએ. તો એનસીપી નેતા દુર્રાની અબ્દુલ્લાહ ખાને એવો દાવો કર્યો હતો કે શિરડી સાંઇબાબાની કર્મભૂમિ છે જ્યારે પાથરી જન્મભૂમિ છે. બન્નેનું પોતપોતાની જગ્યાએ મહત્વ છે. પાથરીમાં પર્યટક આવે છે પણ ત્યાં સુવિધાનો અભાવ છે. શિરડીના લોકોને ફંડની મુશ્કેલી નથી. તેઓ ઇચ્છતા નથી કે પાથરી સાંઇબાબાની જન્મભૂમિ કહેવામાં આવે, કારણ કે જો આમ કરાયું તો ત્યાં પર્યટકોની સંખ્યા ઘટી જાય. એનસીપી નેતાએ કહ્યું હતું કે પાથરી સાંઇબાબાની જન્મભૂમિ હોવાના પર્યાપ્ત પુરાવા છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ પોતાના એક પ્રવચનમાં પાથરીને સાંઇબાબાની જન્મભૂમિ ગણાવી તેના વિકાસ માટે 100 રૂપિયાનું એલાન કરતા આ વિવાદ જાગ્યો હતો અને તેના વિરોધમાં આવતીકાલથી નારાજ શિરડીવાસીઓએ અનિશ્ચિત મુદત સુધી આવતીકાલથી શિરડી બંધનું એલાન આપ્યું છે.


Loading...
Advertisement