બોર્ડની પરીક્ષાના ગેરરીતિવાળા સેન્ટરો રીપીટ કરવા પર રોક

17 January 2020 05:42 PM
Rajkot Education Saurashtra
  • બોર્ડની પરીક્ષાના ગેરરીતિવાળા સેન્ટરો રીપીટ કરવા પર રોક

રાજકોટ સહિત રાજ્યભરના તમામ શિક્ષણાધિકારીઓને પરીક્ષા સ્થળોની જાત તપાસ કરવા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ : સી.સી.ટી.વી. કેમેરા સહિતની સુવિધાનો રિપોર્ટ તૈયાર કરવા તાકીદ

રાજકોટ,તા. 17
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો. 10 અને 12ની પરીક્ષાના પગલે રાજકોટ સહિત તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરીક્ષા સ્થળની જાત તપાસ કરવાનો આદેશ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. ઉપરાંત પરીક્ષા સેન્ટરોની આનુસંગિક વ્યવસ્થાના ભાગરુપે સીસીટીવી કેમેરા અને અગાઉના વર્ષમાં થયેલી ગેરરીતિના રેકોર્ડની તપણ તપાસ કરવા ડીઇઓને આદેશ અપાયા છે.

આગામી માર્ચ મહિનામાં લેવાનારી માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો. 10 અને ધો. 12ની પરીક્ષામાંકોઇપણ પ્રકારની ગેરરીતિ થાય નહીં તેમજ તમામ વિષયોની પરીક્ષા પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તેવું આયોજન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે તો બીજી તરફ રાજ્યનાં તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ફરજીયાત પરીક્ષાસ્થળોનું યોગ્ય નિરીક્ષણ કરવા સૂચના આપી છે.

ઉપરાંત પરીક્ષાના પગલે નક્કી કરેલા પરીક્ષા કેન્દ્રો (શાળાઓ)માં જરુરી વ્યવસ્થાની તમામ માહિતી ડીઈઓએ મુલાકાત દરમ્યાન મેળવવાની રહેશે. સાથે સાથે ગેરરીતિ અંગે પણ જૂના રેકોર્ડસ તપાસી લેવા માટે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપવામાં આવી છે.

માર્ચ 2020માં માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા પરીક્ષા લેવાનાર છે. જેના પગલે માધ્યમિક શિક્ષણ બોર્ડની સૂચના પ્રમાણે સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. જો કે આ પરીક્ષા તંદુરસ્ત વાતાવરણમાં લેવાય અને પરીક્ષા કેન્દ્રમાં થતી ગેરરીતિ અટકાવી શકાય તે માટે આગોતરા આયોજનો કરી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી પોતાની વિસ્તારના પરીક્ષા સ્થળનું નિરીક્ષણ કરવા અને તેની યોગ્ય તપાસ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

બીજી તરફ અગાઉના વર્ષોમાં જે પરીક્ષા કેન્દ્રો ઉપર ગેરરીતિ થઇ હોય તેવાં પરીક્ષા સ્થળોમાં જરુરી ફેરફાર કરવા માટેના પણ આદેશ કરી દેવામાં આવ્યા હોવાના અહેવાલ છે. ગાંધીનગર શિક્ષણ બોર્ડની કચેરી ખાતે એસએસસી અને એચએસસીની પરીક્ષા સંદર્ભે બોર્ડ દ્વારા વિશેષ બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં પરીક્ષા બ્લોક અને બિલ્ડીંગ બાબતે ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતાં. જો કે પરીક્ષાના આયોજનના પગલે રાજ્યના જે તે જિલ્લામાં ઉપલબ્ધ જરુરી સુવિધા ધરાવતી શાળાના મકાનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે સરકારી શાળાઓ તેમજ ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે અને તે માટે જ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેમજ તેમના તાબાના સ્ટાફ દ્વારા પ્રત્યેક પરીક્ષા કેન્દ્રની મુલાકાત કરવા માટે બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે. સાથે સાથે જે સ્થળો પર પરીક્ષા લેવાવાની છે તેવી શાળાઓમાં સીસીટીવી કેમેરા સહિતની તમામ સુવિધાઓ ઉપયોગલાયક છે કે નહીં ? તેનો વિશેષ રિપોર્ટ તૈયાર કરવા માટે આદેશ કરવામાં આવેલ છે.

બીજી તરફ અગાઉના વર્ષોમાં જે શાળાઓની અંદર ગેરરીતિની ફરિયાદો સામે આવી હોય તેવા પરીક્ષા સેન્ટર રિપીટ નહીં કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે સાથેસાથે સંબંધિત શાળાઓમાં સંડોવણી હોય અથવા સ્થાનિક ઇન્ટેલીજન્સથી યોગ્ય ન જણાતું હોય તેવા બિલ્ડીંગ પણ પરીક્ષાના ઉપયોગમાં નહીં લેવા માટે તાકીદ કરવામાં આવી છે. ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીને યોગ્ય જણાય તો ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષા દરમ્યાન સ્થળ સંચાલક કે સમગ્ર સ્ટાફની તાત્કાલિક બદલી કરી નિષ્પક્ષ રીતે પરીક્ષાનું યોગ્ય સંચાલન કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને બોર્ડે સૂચના આપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


Loading...
Advertisement