લોકરક્ષક દળ મામલે નવો વળાંક : બિનઅનામત કેટેગરીની મહિલાઓનો જુનો પરિપત્ર રદ નહી કરવા માંગણી

17 January 2020 05:13 PM
Ahmedabad Gujarat
  • લોકરક્ષક દળ મામલે નવો વળાંક : બિનઅનામત કેટેગરીની મહિલાઓનો જુનો પરિપત્ર રદ નહી કરવા માંગણી

ગાંધીનગર તા.17
લોક રક્ષક દળ એલ.આર.ડી.મામલે આજે બિન અનામત કેટરગરીની મહિલા ઉમેદવારો એ 1/8/2018 નો સરકારે કરેલો જી.આર.રદ.નહીં કરવા માટે નાયબ મુખ્યમંત્રી, ગૃહ રાજય મંત્રી તેમજ બિન અનામત આયોગમાં આવેદન પત્ર આપ્યું હતું.
રાજય સરકાર દ્વારા લેવામાં આવેલ લોક રક્ષક દળની પરીક્ષા બાદ અનામત કેટેગરી ની મહિલા ઉમેદવારો અને બિન અનામત ની જનરલ કેટેગરી ની મહિલા ઉમેદવારો વચ્ચે થયેલા જી.આર.નો મામલો અટવાયો છે. આજે બપોરે 2 વાગે બિન અનામત આયોગની ગાંધીનગર ખાતે આવેલી કચેરી માં રાજ્યની બિન અનામત કેટેગરીની મહિલા ઉમેદવાર મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. અને સરકારને આવેદનપત્ર આપી સરકારે આગાઉ કરેલ 1.8.2018 નો જી.આર. રદ નહીં કરવા અપીલ કરી હતી.
આ અંગે એકઠી થયેલી બિન અનામત મહિલા ઉમેદવારો એ આપવીતી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કોઈપણ રીતે સરકારે કરેલો આ જી.આર .રદ થવો જોઇએ નહીં કારણ કે જો સરકાર આ જી.આર. રદ કરશે તો આવનારી પેઢીને નુકસાન થશે. એટલે કે પાછળની પેઢી સરકારી નોકરીથી વંચિત રહેશે તેવી દહેશત વ્યક્ત કરી હતી.
આ તબક્કે કેટલીક મહિલાઓ ઉમેદવારોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જનરલ કેટેગરીની 1578 મહિલા ઉમેદવારો ના વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી થઇ ગઇ હોવા છતાં. હજુ સુધી સરકારે ઓર્ડર આપ્યા નથી જ્યારે અન્ય લોકોને ટ્રેનીંગમાં હાજર કરી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો .
મહિલા ઉમેદવારો એ એમ પણ જણાવ્યું હતું કે જો જનરલ કેટેગરીમાં મહિલા ઉમેદવારોની જગ્યાવધે તો તે જગ્યા જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારને જ મળવી જોઈએ તેવી લાગણી અને માગણી વ્યક્ત કરી હતી .
આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કરવામાં આવેલ ઠરાવનો હાર્દ સમજી બિન અનામત મહિલાઓને 33 ટકા બેઠકો સુનિશ્ચિત રહે અને જનરલ કેટેગરીની મહિલાઓ ને પણ ન્યાય મળે તેવો નિર્ણય સરકાર કરે તેવી વિનંતી પણ કરી હતી . અત્રે નોંધનીય છે કે છેલ્લા એક મહિનાથી પણ વધુ સમય સુધી એસસી, એસટી, અને ઓબીસી મહિલાઓ પણ સરકાર સામે મોરચો માંડીને બેઠી છે તો બીજી તરફ પાસ ના અગ્રણી નેતા રહી ચૂકેલા દિનેશ બાંભણિયા અને ઉત્તર ગુજરાત સરદાર પટેલ ગ્રુપ એસપીજી ના અધ્યક્ષ લાલજી પટેલની આગેવાનીમાં સમગ્ર ગુજરાતમાંથી બિન અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો એ આજે સરકાર તેમનો ઠરાવ રદ ન કરે તે માટે રજૂઆત કરવા આવી પહોંચી હતી . જોકે લોકરક્ષક દળની પરીક્ષા દરમિયાન સરકાર દ્વારા કરાયેલ ઠરાવ વિવાદિત બની જતાં આ ઠરાવ બાદ સરકાર હવે શું નિર્ણય કરશે તે જોવું રહ્યું તો બીજી તરફ ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પણ એલ આર ડી ની ભરતી પ્રક્રિયામાં બિન અનામત વર્ગને અન્યાય થાય નહીં અને સરકાર 1/8/2018નો પરિપત્ર રદ ન કરે એ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


Loading...
Advertisement