ગોંડલના ખોડીયારનગરમાં તસ્કરોનો તરખાટ ચાર મકાનોના તાળા તોડી દલ્લો ઉઠાવી ગયા

17 January 2020 02:42 PM
Gondal
  • ગોંડલના ખોડીયારનગરમાં તસ્કરોનો તરખાટ ચાર મકાનોના તાળા તોડી દલ્લો ઉઠાવી ગયા

લેબર કોન્ટ્રાકટરના મકાનમાંથી દોઢ લાખ મત્તાની ચોરી : પોલીસ તપાસ

ગોંડલ તા.17
શિયાળાની કડકડતી ઠંડીમાં ગોંડલ શહેરના ખોડિયારનગરમાં તસ્કરોએ પરોણા કરી ચાર મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી પોલીસને દોડતી કરી છે, ચોરી અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ડોગ સ્કોડ સહિતની ટીમને બોલવામાં આવી છે, તસ્કરો છાશ વારે ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસની ટાઢ ઉડાડી રહ્યા હોય પોલીસ પેટ્રોલિંગ સઘન કરવા માંગ ઉઠવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ખોડિયારનગરમાં રહેતા સુરેશભાઈ જેરામભાઈ સરવૈયા પરિવાર સાથે બે દિવસ બહારગામ ગયા હોય બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી વંડી ટપી અંદર પ્રવેશી મુખ્ય દરવાજો તોડી કબાટના તાળા તોડી તિજોરીમાં રાખેલા દોઢ લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી, ત્યાર બાદ બાજુમાં રહેતા રાજુભાઈ ગમારાના મકાનને નિશાન બનાવી તેમના ઘરમાંથી રોકડા રૂપિયા 10 હજારની ચોરી કરી હતી, પછી ગીરીશભાઈ નગરીયા પરિવાર સાથે ઉપરના રૂમમાં સુતેલા હોય નીચેના રૂમમાંથી રૂપિયા 30 હજારની ચોરી કરી હતી બાદ માં અન્ય બાજુના એક મકાનમાં ચોરી નો પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યાંથી કશું હાથ લાગ્યું ન હતું.
સુરેશભાઈ સરવૈયા ખાનગી કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર નું કામ કરતા હોય તેઓ દ્વારા મજૂરોને પગાર ચૂકવવા પેટે બેન્કમાંથી રોકડા રૂપિયા બે લાખ ઉપાડ્યા હતા અને તે ઘરમાં રાખ્યા હતા એ ઉપરાંત બાળકોના ગલ્લામાં પણ આશરે રૂપિયા 35-35 હજાર જેવી રકમ હોય જેની પણ ચોરી થઈ જતા પોલીસે આ અંગે ખાનગી કંપનીના જવાબદાર અધિકારીઓની પણ પુછપરછ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલ સિટી પોલીસ મથકમાં પોલીસની અછત છે એ ઉપરાંત શહેરનો વિસ્તાર દિનપ્રતિદિન વધી રહ્યો હોય પોલીસ તાણી પણ તૂટતી ન હોય જેના ભોગે તસ્કરોને નેશનલ હાઈવે પરના વિસ્તારોમાં ચોરી કરવા માટે મોકળું મેદાન મળી રહ્યું છે આ ચોરીની ઘટના બાદ ખોડીયારનગર સહિતના વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા નાઇટ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


Loading...
Advertisement