ઠંડીએ ‘વારો’ કાઢી નાંખ્યા બાદ હવે ડી.ઈ.ઓ. જાગ્યા : શાળાઓનો સમય અડધો કલાક મોડો કરવા આદેશ

17 January 2020 09:41 AM
Rajkot Education Government Gujarat Saurashtra
  • ઠંડીએ ‘વારો’ કાઢી નાંખ્યા બાદ હવે ડી.ઈ.ઓ.  જાગ્યા : શાળાઓનો સમય અડધો કલાક મોડો કરવા આદેશ

રાજકોટ જિલ્લામાં તારીખ 26 સુધી સૂચના : ખાનગી શાળાઓના સંચાલકો માનશે ખરા ?

રાજકોટ,તા. 17
ઠંડીના કહેરએ હાજા ગગડાવી મૂકતા તેની જનજીવન પર ભારે અસર થવા પામી છે. રોજબરોજ તાપમાનનો પારો ગગડીને આઠ ડીગ્રીએ પહોંચી રહ્યો છે તેમજ દિવસ અને રાત્રિ દરમિયાન શીતલહેર રહેતી હોય શરદી-કફ-ઉધરસના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ઠંડીએ વારો કાઢી નાખ્યા બાદ રાજકોટ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી ઉપાધ્યાયે રહી રહીને જાગી રાજકોટ શહેર-જિલ્લાની સરકારી, માધ્યમિક અને ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનો સમય અડધો કલાક મોડો કરવા આદેશ કર્યો છે.

જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાયે આ સંદર્ભે પરિપત્ર ઇશ્યુ કરી વધુ પડતી ઠંડી પડી રહ્યાનો ઉલ્લેખ કરી શાળાઓના શૈક્ષણિક કાર્યના કલાકોનો સમયગાળો જળવાય રહે તે ધ્યાને રાખીને બાળકોનાં શાળાએ આવવાના સમયમાં (30 મીનીટ) અડધો કલાકનો સમય તા. 26 સુધી મોડો કરવા શાળાઓના આચાર્યોને આદેશ કર્યો છે.જેના પગલે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ ઉપરાંત સેન્ટ પોલ, સેન્ટ મેરી સહિતની સંસ્થાઓ દ્વારા તેની અમલવારી આજથી જ શરુ કરી દીધી છે. પરંતુ બાળકોના આરોગ્યને લક્ષમાં રાખી તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેની અમલવારી કરેતે જરુરી છે.

શિક્ષણાધિકારીના આ પરિપત્ર બાદ કેટલી શાળાઓ તેની અમલવારી કરે છે ? તેના મોનીટરીંગની જવાબદારી પણ આજ કચેરીના અધિકારીઓની છે. અગાઉ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનો સમય ઠંડીનાં જોરને પગલે મોડો કરવાનો વાલી મંડળે માંગ ઉઠાવી વારંવાર રજૂઆત કરી હતી તેમ છતાં તેને લક્ષમાં લેવાયેલ ન હતી અને હવે ઠંડીએ વારો કાઢી નાખ્યા બાદ રહી રહીને શાળાઓનો સમય મોડો કરવા એકાએક શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર ઇશ્યુ કરી દેવાયેલછે. ત્યારે તમામ શાળાઓ શિક્ષણાધિકારીના આદેશને અનુસરે તે પણ જરુરી છે.


Loading...
Advertisement