GST રીફંડ કૌભાંડ: 1200 જેટલા નિકાસકારોનો કોઈ અતોપતો જ નથી...

16 January 2020 10:17 AM
Business Crime Government India
  • GST રીફંડ કૌભાંડ: 1200 જેટલા નિકાસકારોનો કોઈ અતોપતો જ નથી...

કસ્ટમ બ્રોકરોની સંડોવણીની શંકા: ઈન્કમટેકસે પણ તપાસમાં ઝંપલાવ્યુ

નવી દિલ્હી તા.16
જીએસટીમાં બોગસ રીફંડ દાવાઓનું નાળચૂ હવે નિકાસકારો તરફ તકાયુ છે. રૂપિયા 350 કરોડના રીફંડના દાવા પેશ કરનારા 1200 જેટલા નિકાસકારોનો કોઈ અતોપતો નથી. આ સંજોગોમાં બોગસ રીફંડ તથા ગેરરીતિના મામલા અંદાજ કરતા પણ ઘણા વધુ હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.

જીએસટી વિભાગના સૂત્રોએ એમ કહ્યું કે છેલ્લા પાંચ મહિનામાં બોગસ રીફંડ દાવાના હેતુસર 1500 કરોડના ઓવરવેલ્યુ વ્યવહારો અટકાવવામાં આવ્યા હતા. આ કિસ્સામાં રીફંડની માંગ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. એવી આશંકા દર્શાવવામાં આવી રહી છે કે સમગ્ર કૌભાંડમાં કસ્ટમ બ્રોકરોનું કનેકશન ખુલી શકે છે. બનાવટી દસ્તાવેજોના આધારે બોગસ કંપનીઓ મારફત રીફંડ દાવા પેશ કરાતા હોવાનું મનાય છે.

1200 જેટલા નિકાસકારોને કોઈ અતોપતો નથી. આ નિકાસકારો સાથે વ્યવહારો ધરાવતા 50 જેટલા કસ્ટમ બ્રોકરોને વોચ પર રાખવામાં આવ્યા છે. લાયસન્સ કાયદા હેઠળ કસ્ટમ બ્રોકરોએ નિકાસકારોના દસ્તાવેજો ચકાસવાના હોય છે.

આઈજીએસટીના બોગસ રીફંડ દાવાઓની પ્રાથમીક તપાસમાં એવુ બહાર આવ્યું છે કે અનેકવિધ લાભો મેળવતા આઠ સ્ટાર ટ્રેડીંગ હાઉસનો જ કોઈ અતોપતો નથી જેને પગલે મહેસુલ વિભાગ પણ સ્તબ્ધ થઈ ગયુ છે. હવે તમામ ડેટા ચકાસવામાં આવી રહ્યા છે અને તે ઈન્કમટેકસને પણ સોંપવામાં આવ્યા છે.

સૂત્રોએ એમ કહ્યું છે કે જીએસટી રીફંડ કૌભાંડમાં નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થઈ રહ્યો છે. દિલ્હી સ્થિત કંપનીના 10 ક્રોડના રીફંડ દાવાથી નવા ખુલાસા થયા છે. રેડીમેઈડ ગારમેન્ટની નિકાસ કરતી કંપનીની ચકાસણી કરાતા તેનું સરનામુ જ મળ્યુ ન હતું અને તેના માલિકો પણ બોગસ હોવાનું માલુમ પડયું છે.


Loading...
Advertisement