વર્ષમાં 38000 કુટુંબને મા કાર્ડ અપાયા: 45 કરોડની સારવાર ફ્રી

13 January 2020 07:33 PM
Rajkot
  • વર્ષમાં 38000 કુટુંબને મા કાર્ડ અપાયા: 45 કરોડની સારવાર ફ્રી

2019માં જરૂરતમંદ પરિવારોના ઘર સુધી સહાય પહોંચાડતી મનપા: કેમ્પ સફળ: મુખ્યમંત્રીનો આભાર માનતા પધિકારીઓ

ગુજરાત સરકાર દ્વારા જરૂરતમંદ પરિવારો નાણાકીય મુશ્કેલી વગર આરોગ્ય સારવાર કરાવી શકે તે માટે મુખ્યમંત્રી અમૃતમ મા અને મા વાત્સલ્ય યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનો કેમ્પના રસ્તે ઘર સુધી લાભ રાજકોટ મહાપાલિકાના ભાજપના પદાધિકારીઓએ પહોંચાડયો છે. 2019માં મનપાએ યોજેલા કેમ્પમાં 38000 પરિવારને કાર્ડ અપાતા એ પૈકી જરૂરતમંદોએ રૂા.45 કરોડની સારવારનો વિનામૂલ્યે લાભ લીધો છે.
આજે મેયર બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ, ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સ્ટે.ચેરમેન ઉદય કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરે આ કાર્યવાહી અંગેની માહિતી જાહેર કરી હતી. તેઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનતા જણાવ્યું હતું કે રૂા.4 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો અને રૂા.6 લાખથી ઓછી આવક ધરાવતા સીનીયર સીટીઝનના પરિવારો માટે આ યોજના છે. તા.1-1-19થી તા.31-12-19 સુધીમાં દર રવિવારે જરૂરતમંદ સમાજો અને સમાજના કુટુંબો માટે મા વાત્સલ્ય કેમ્પ યોજવામાં આવ્યા છે. 2019માં 48 સમાજ માટેના કેમ્પમાં કુલ 38000 કાર્ડ ઈશ્યુ કરાયા છે. જે પૈકી જરૂરતમંદોએ જુદા જુદા રોગની સારવાર માટે રૂા.45 કરોડની ફ્રી સેવા રાજય સરકાર મારફત લીધી છે. 2020માં પણ મેગા કેમ્પના આયોજન થવાના છે.
વિનામૂલ્યે અપાતા કાર્ડ હેઠળ હૃદય, કીડની, મગજ, નવજાત શીશુ, કેન્સર, ઘુંટણ સહિતની 698 સારવાર ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ફ્રી મળે છે. સિવિલ ઉપરાંત કેન્સર હોસ્પિટલ, સ્ટર્લીંગ, વોકહાર્ટ, એચસીજી, સત્યસાંઈ, યુનિકેર, ઓલમ્પસ, જલારામ, ક્રાઈસ્ટ, સવાણી, દોશી, સદભાવના હોસ્પિટલમાં દર્દીઓ આ સારવાર મેળવી શકે છે. મા વાત્સલ્ય કાર્ડ દર ત્રણ વર્ષે રીન્યુ કરવાનું હોય છે અને મા કાર્ડ આજીવન પણ હોય છે.
સ્ટર્લીંગ પાછળ નંદનવન આરોગ્ય કેન્દ્ર, ભાવનગર રોડ પર ચંપકભાઈ વોરા કેન્દ્ર, લક્ષ્મીવાડીમાં અ.હિ.મ.પ. કેન્દ્ર અને રેલ્વે સ્ટેશન સામે જંકશન પ્લોટમાં દર સોમથી શુક્ર સવારે 9થી 12-30, સાંજે 3-30થી 6 અને દર શનિવારે સવારે 9થી 12-30 સુધી આ કાર્ડ માટે પ્રક્રિયા કરી શકાય છે. ઉપરાંત મનપા દર રવિવારે કેમ્પ યોજે છે તેમ જયમીન ઠાકરે અંતમાં જણાવ્યું હતું.


Loading...
Advertisement