કાલે પતંગ પર્વમાં વરસાદી વિઘ્ન નહી આવે: 17 થી 21 કાતિલ ઠંડી

13 January 2020 07:03 PM
Rajkot
  • કાલે પતંગ પર્વમાં વરસાદી વિઘ્ન નહી આવે: 17 થી 21 કાતિલ ઠંડી

પતંગ રસીયાઓ માટે રાહતના સમાચાર: આજે ભલે વાદળા હોય, કાલે વાતાવરણ ચોખ્ખુ થઈ જશે : જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: 17 થી 21 દરમ્યાન તાપમાન 10 ડીગ્રીથી નીચે સરકવા સાથે "કોલ્ડવેવ” જેવી હાલત થશે

રાજકોટ તા.13
સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં આજે ધાબડીયા વાતાવરણ-માવઠાનો માહોલ છતાં આવતીકાલે વાતાવરણ કે વરસાદનું વિઘ્ન નડે તેમ નથી. જોકે પવન વતા ઓછો રહેશે. પરિણામે ખાસ કરીને બપોરે પતંગ રસીયાઓએ પતંગ ચગાવવામાં હાંફી જવુ પડશે. બીજી તરફ કાલથી ઠંડી વધવા લાગશે અને તા.17 ને શુક્રવારથી કાતિલ ઠંડીના રાઉન્ડ સાથે કોલ્ડ વેવ જેવી સ્થિતિ સર્જાવાની-આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ગત આગાહીમાં 13 મીએ ઝાકળવર્ષા-છુટાછવાયા ઝાપટા-છાંટાછુંટી થવાનું સુચવ્યુ હતું. તે મુજબ આજે સૌરાષ્ટ્ર કચ્છમાં અનેક સ્થળે માવઠા થયા છે. તાપમાન વધવાનું પણ સુચવ્યુ હતું. જે મુજબ ગઈકાલે દિવસ દરમ્યાન ગરમી જેવો માહોલ સર્જાયો હતો આજે પણ ન્યુનતમ તાપમાન ઘણુ વધી ગયુ હતું. રાજકોટમાં આજે ન્યુનતમ તાપમાન 18.8 ડીગ્રી રહ્યું હતું તે નોર્મલ કરતાં 6 ડીગ્રી વધુ હતું. અમદાવાદનું 17.5 ડીગ્રી હતું તે નોર્મલ કરતા પાંચ ડીગ્રી વધુ હતું. અમરેલીનું 17.6 ડીગ્રી તાપમાન નોર્મલ કરતા 6 ડીગ્રી વધુ હતું. ભુજનું 20.7 ડીગ્રી તાપમાન સામાન્ય કરતા બે ડીગ્રી વધુ હતું.
ન્યુનતમ તાપમાન ઉંચકાવા છતાં મહ્તમ ઉષ્ણતામાન નોર્મલ કરતા નીચુ જ રહે તેમ છે. એટલે આજનો દિવસ ધાબડીયુ વાતાવરણ રહેશે.પરીણામે દિવસે પણ વાતાવરણમાં "ટાઢોડુ” અનુભવાય રહ્યું છે. આવતીકાલથી હવામાન સ્વચ્છ થઈ જશે.
તા.14 થી 21 જાન્યુઆરી સુધીની આગાહી કરતા તેઓએ જણાવ્યું હતું કે આવતીકાલથી તાપમાન ફરી ઘટવા લાગશે. અને તાપમાન નોર્મલ થઈ જે તે સતત નીચે ઉતરતુ જશે. તા.17 થી 21 દરમ્યાન કાતીલ ઠંડીના રાઉન્ડ સાથે કોલ્ડવેવ જેવી હાલત અમુક સેન્ટરોમાં સર્જાશે. ન્યુનતમ તાપમાન 10 ડીગ્રીથી નીચે ઉતરી જશે.
હવામાન સીસ્ટમ વિશે તેઓએ કહ્યું કે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉતરીય પાકિસ્તાન તથા ઉતર ભારતમાં સક્રિય થયુ છે. 1.50 કી.મી.થી 3.1 કી.મી.છે તેને આનુસાંગીક ટ્રફ 65 ડીગ્રી પૂર્વ તથા 18 ડીગ્રી ઉતરે પડે છે જે સૌરાષ્ટ્રથી પશ્ર્ચિમે અરબી સમુદ્ર થાય છે. પશ્ર્ચિમ રાજસ્થાન પર અપર એર સાયકલોનીક સરકયુલેશન સર્જાયુ છે. વેસ્ટર્ન ડીર્સ્ટબન્સનાં પ્રભાવ હેઠળ ઉતર ભારત તથા લાગુ રાજયોમાં હિમવર્ષા તથા વરસાદ થશે. શ્રીનગરમાં પણ બરફવર્ષા થવાની શકયતા છે.
તા.16 આસપાસ નવુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાશે તે તા.18 થી 20 દરમ્યાન ઉતર ભારતને અસર કરશે.

કાલે સવારે પવન "માપસર” હશે બપોરે પતંગ રસીયાઓ થાકશે 4 વાગ્યા પછી સારો પવન રહેશે
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે આવતીકાલનાં પતંગપર્વ સંદર્ભે પવન વિશેની આગાહી કરતા જણાવ્યું હતું કે ખાસ કરીને કાલે બપોરે પવન પડી જશે. પતંગ રસીયાઓના બાવડા દુખી જાય તેવી સ્થિતિ સર્જાશે.
તેઓએ કહ્યું કે આવતીકાલે સવારે પવન મધ્યમ રહેશે.છેલ્લા બે દિવસથી વધુ પવન છતાં કાલે સવારે પવનની ઝડપ માપસર 7 થી 10 કિલોમીટરની ઝડપે રહેશે. બપોરે ત્રણ-ચાર વાગ્યા સુધી પવનનું જોર ઘટી જશે. જયારે બારેક વાગ્યાથી ફરી પવન ફુંકાવા લાગશે. અને 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે જે પતંગ ચગાવવા માટે અનુરૂપ પર્યાપ્ત હશે.


Loading...
Advertisement