નાગરિકતા કાયદા સામે આંદોલનની રણનીતિ ઘડવા સોનિયા આયોજીત બેઠકમાં મમતા-માયાવતી ગેરહાજર

13 January 2020 05:41 PM
India
  • નાગરિકતા કાયદા સામે આંદોલનની રણનીતિ ઘડવા સોનિયા આયોજીત બેઠકમાં મમતા-માયાવતી ગેરહાજર

રાજસ્થાનમાં કોંગ્રેસે બસપાના ધારાસભ્યોનું ભેલાણ કર્યુ એથી મેડમ નારાજ

નવી દિલ્હી તા.13
નાગરિકતા સુધારા કાયદા (સીએએ) સામેના આંદોલનમાં ભાવિ રણનીતિનકકી કરવા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે યોજેલી બેઠકમાં પશ્ર્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી અને બીએસપીના સર્વેસર્વા માયાવતી ઉપસ્થિત રહ્યા નહોતા.

માયાવતીએ ટિવટ કરી જણાવ્યું હતું કે રાજસ્થાનમાં કોંગ્રેસે બીએસપીના ધારાસભ્યોનું પક્ષાંતર કરાવી પક્ષમાં લઈ લીધા એથી એમના પક્ષના કાર્યકરો નારાજ છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે બીએસપીની સીએએનો વિરોધ કરે છે. સરકાર આ કાયદો પાછો ખેંચે તેવી તેમણે માંગણી કરી હતી.

ગત સપ્તાહે તૃણમુલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે તે બેઠકમાં ઉપસ્થિત રહેશે નહીં. તેમણે ગત બુધવારે ભારત બંધમાં હિંસા માટે ગંદુ રાજકારણ રમવાનો ડાબેરી મોરચા અને કોંગ્રેસ સામે આક્ષેપ કર્યો હતો. બેનરજીએ ગત સપ્તાહે વિધાનસભામાં જાહેર કર્યુ હતું કે 13 જાન્યુઆરીએ સોનિયા ગાંધીએ બોલાવેલી બેઠકમાં હાજર નહીં રહે.

સંસદનું બજેટસત્ર આ મહિનાની આખરમાં યોજાવાનું છે. વિપક્ષો સીએએ મામલે સંસદમાં ઉઠાવવા માંગે છે. કોંગ્રેસ કારોબારીની શનિવારે મળેલી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સીએએને ભેદભાવકારી અને વિભાજનકારી ગણાવ્યો હતો અને એનો હેતુ ધાર્મિક આધારે લોકોના ભાગલા પાડવાની યોજના હોવાનો આક્ષેપ કર્યો હતો. પક્ષે કાયદો પાછો ખેંચવા અને નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર સર્વે અટકાવવા માંગણી કરતો ઠરાવ પસાર કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ વિપક્ષોની બેઠકમાં નાગરિકતા કાયદા સામે વિરોધી આંદોલનને ટેકો આપવા નિર્ણય લેવાશે. જેએનયુ મામલે પણ નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવશે.

આજની બેઠકમાં ડીએમકે, એનસીપી, જેએમએન, ડાબેરી પક્ષો અને આરજેડીના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. બીજી બાજુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં નાગરિકતા કાયદાનો જોરદાર બચાવ કરતું નિવેદન રામકૃષ્ણ આશ્રમના બેલુર મઠમાં આવ્યું એથી ધુંધવાયેલા મુખ્યપ્રધાન મમતા બેનરજીએ કોલકતા પોર્ટ ટ્રસ્ટના કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.


Loading...
Advertisement