દિલ્હીથી રાજકોટ આવતી ફલાઈટમાં સુરક્ષા ચુક; પ્રવાસી સિગરેટ ફુંકતો ઝડપાયો?

13 January 2020 05:19 PM
Rajkot Gujarat
  • દિલ્હીથી રાજકોટ આવતી ફલાઈટમાં સુરક્ષા ચુક; પ્રવાસી સિગરેટ ફુંકતો ઝડપાયો?

ફલાઈટ રાજકોટ લેન્ડ થાય તે પૂર્વે એક મુસાફર ટોઈલેટમાં સિગરેટ ફુંકતો હતો; ચાલુ ફલાઈટે ધુમાડા દેખાતા મુસાફરો ગભરાયા : દિલ્હી એરપોર્ટ પર સામાન-મુસાફરના સ્કેનિંગ દરમ્યાન બાકસ અને સિગરેટ પકડાયા નહિ? સિકયુરીટી સામે સવાલ; માફી પત્ર લેવાયો

રાજકોટ તા.13
દિલ્હીથી રાજકોટ આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં વિમાન રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થાય તે દરમ્યાન ફલાઈટમાં ધુમાડાના ગોટે ગોટા ઉઠતા મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. કેપ્ટનને પણ ધુમાડાનું એલાર્મ મળ્યું હતું. તપાસ દરમ્યાન એક મુસાફર ટોઈલેટમાં સિગરેટ પીતો મળી આવતા દિલ્હી એરપોર્ટ પર સામાન- મુસાફરોના સ્કેનિંગ ચેકીંગમાં કેવું લોલંલોલ-ચુક ચાલે છે તેની ચર્ચા ઉઠી હતી.

ગઈકાલે એર ઈન્ડિયાની ફલાઈટ એઆઈ-403 દિલ્હીથી ઉડાન ભરી રાજકોટ આવવા રવાના થઈ હતી. બપોરે 3 વાગ્યે આ ફલાઈટ રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થાય તે પૂર્વે વિમાનમાં ધુમાડાના ગોટે ગોટા ઉઠયા હતા. મુસાફરો-ક્રુ મેમ્બરો- એર હોસ્ટેસ સહિતનો સ્ટાફ ગભરાયો હતો. ધુમાડો સિગરેટનો હોવાનું જણાતા તપાસ કરતા ટોઈલેટમાં સિગરેટ ફુકતો આર્કિટેકટનું કામ કરતો જિગ્નેશ કંસારા રંગેહાથ સળગતી સિગારેટ-માચિસ સાથે મળી આવતા મુસાફરો સ્ટાફ ચોંગી ઉઠયા હતા. તૂરત જ ટોઈલેટમાં સિગરેટ નાખી દઈ આ મુસાફરની ઝડપી લેવાતા માચિસ મળી આવી હતી.

સામાન્ય રીતે એરપોર્ટમાં સ્કેનિંગ દરમ્યાન ચાકુ, લાઈટર, ટોબેકો સહિતની વસ્તુઓ જણાય તો કાઢી લેવામાં આવે છે. પરંતુ દિલ્હી એરપોર્ટ પર આ મુસાફરની તપાસ થઈ હતી કે પછી જવા દીધો? તે મુદે દિલ્હી એરપોર્ટની સુરક્ષા સામે સવાલ ખડા થયા છે. મુસાફર પાસેથી માફી પત્ર લખાવાયો હતો. પરંતુ દિલ્હી એરપોર્ટ પરથી આવી બેદરકારી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જી શકે તેવું મનાય છે. મુસાફરોના જણાવાયા મુજબ આ મુસાફર પાસે લાઈટર હતું. જયારે ક્રુ મેમ્બરના કહેવા મુજબ માચિસ હતી. રાજકોટ એરપોર્ટ પર બનાવના પગલે ફલાઈટ લેન્ડ થતા જ પોલીસ-સીઆઈએફએસ ધસી ગઈ હતી. સિગરે;ટ પીતા પકડાયેલ મુસાફરે એવો બચાવ કર્યો હતો કે નિયમની જાણકારી ન હતી પરંતુ દિલ્હી એરપોર્ટ પર સ્કેનિંગ ચેકીંગ દરમ્યાન આવી જાનહાની નોતરો તેવી ચીજ વસ્તુ પદાર્થ પકડાયો કેમ નહિ? તે સવાલ સામે થયો છે.

દરમ્યાન એર ઈન્ડિયાના સિકયુરીટી ઈન્ચાર્જ માત્રેના કહેવા મુજબ એરપોર્ટ પર સ્કેનિંગ દરમ્યાન માચિસ સિગારેટ કયારેક પકડાતા નથી તેથી આવી ચુક થઈ હોવાનું મનાય છે. રાજકોટમાં પ્રજાસતાક પર્વે હજારો મહેમાનો પધારે તેમ છે ત્યારે ફલાઈટની સુરક્ષામાં આવી ગંભીર બેદરકારી કેમ ચાલે? તેવો પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે. અંતે આ મુસાફરનું માફી પત્ર લઈ જવા દેવાયો હતો. કોઈ ફરિયાદ પગલા લેવાશે ખરા? તે સહિતના મુદ્દા ઉઠયા છે.


Loading...
Advertisement