ઝવેરીઓએ 8 નવેમ્બર 2016 પછી બેંકોમાં ભરેલી 500-1000ની નોટો ઈન્કમટેકસે ગણી ‘ગેરમાન્ય’ : 80 ટકા ટેકસના ઓર્ડરો

13 January 2020 05:12 PM
Ahmedabad Gujarat Rajkot
  • ઝવેરીઓએ 8 નવેમ્બર 2016 પછી બેંકોમાં ભરેલી 500-1000ની નોટો ઈન્કમટેકસે ગણી ‘ગેરમાન્ય’ : 80 ટકા ટેકસના ઓર્ડરો

રાજકોટ સહિત દેશભરના સોની વેપારીઓને મળેલી આવકવેરા ડીમાંડ નોટીસની ભીતરમાં

દિવાળીએ બેંકો બંધ હતી, લાભપાંચમે ‘શુકનવંતી’ ધૂમ ખરીદીથી ઝવેરીઓએ નાણાં ભરવામાં મોડુ કર્યુ, 8મી સુધીની ચોપડે દર્શાવેલી પુરાંત પણ ઈન્કમટેકસે માન્ય નથી રાખી: ઝવેરીઓ ઉપરાંત કોમોડીટી વેપારીઓ, પેટ્રોલપંપ સંચાલકો વગેરેને પણ સેંકડો ટેકસ નોટીસ; જબરો ઉહાપોહ; 30 દિવસમાં વધારાનો ટેકસ ભરવા અથવા 20 ટકા નાણાં ભરીને અપીલમાં જવાનું અલ્ટીમેટમ

રાજકોટ તા.13
આવકવેરા વિભાગે નોટબંધી વખતે બેંકોમાં મોટી રકમ ભરનારા લોકો-વેપારીઓને સેંકડો ડીમાંડ નોટીસ ફટકારીને ટેકસ ઓર્ડરો કાઢવા સામે ઉહાપોહ વચ્ચે આંદોલનની હિલચાલ શરૂ થઈ છે. ત્યારે એવી વિગતો સાંપડી છે કે, મોટાભાગના કેસોમાં 8મી નવેમ્બર પછી બેંકોમાં ભરાયેલી 500-1000ના દરની જુની નોટોને ગેરમાન્ય ગણવામાં આવી છે અને તેના પર 80 ટકાના દરે ટેકસ ભરવાના આદેશો કરવામાં આવ્યા છે.

આવકવેરા વિભાગ દ્વારા નોટબંધીના એસેસમેન્ટ કેસોમાં દેશભરમાં હજારો નોટીસો કાઢવામાં આવી છે. ગુજરાતમાં મોટાભાગે ઝવેરીઓ, કોમોડીટી વેપારીઓ તથા પેટ્રોલપંપ સંચાલકો ઝપટે ચડયા છે. ઝવેરી બજારના જ સેંકડો વેપારીઓને ટેકસ ભરવાના હુકમો મળ્યા છે અને 31મી જાન્યુઆરી અથવા ઓર્ડર મળ્યાના 30 દિવસમાં વધારાનો ટેકસ ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો છે અથવા આ આદેશ સામે અપીલ કરવાની હોય તો ડીમાંડના 20 ટકા નાણાં ચુકવીને અપીલ પ્રક્રિયા કરવાની સૂચના આપવામાં આવી છે.

રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં આડેધડ આકારણી સામે ઝવેરીઓ સહિતના વેપારીઓમાં દેકારા સાથે ધુંધવાટ પ્રવર્તી રહ્યો છે. ઝવેરીઓએ નામ નહી દેવાની શરતે વાતચીતમાં એમ કહ્યું કે તમામ સોની વેપારીઓને આવકવેરા વિભાગે એક ત્રાજવે તોળ્યા હોવાનો ઘાટ થયો છે.

નોટબંધી વખતના ઘટનાક્રમની વાત કરવામાં આવે તો 8મી નવેમ્બર 2016ના રોજ રૂા.500 તથા 1000ના દરની નોટો પર પ્રતિબંધ મુકાયો હતો. તેના એકાદ સપ્તાહ પુર્વે જ દિવાળી હતી. ઝવેરીઓ મોટાભાગે રોજેરોજનો રોકડ વેપાર બેંકોમાં જમા કરી દેતા હોય છે. દિવાળીના દિવસે બેંકોમાં રજા હોય છે એટલે કાળી ચૌદસ તથા દિવાળીના રોકડ વેપારના નાણાં વેપારીઓ પાસે જ પડયા રહયા હતા. ત્યારપછી લાભપાંચમ સુધી માર્કેટ બંધ હોય છે એટલે બેંક વ્યવહારનો પ્રશ્ર્ન નથી. લાભપાંચમે મુર્હુત-શુકનની સારી ખરીદી હોય છે એટલે વેપારીઓ તેમાં વ્યસ્ત હતા. પરિણામે બેંકોમાં નાણાં જમા કરાવ્યા ન હતા. ત્યારબાદ તુર્ત નોટબંદી આવી ગઈ. બેંકોમાં કતારો જામવા લાગી. ઝવેરીઓ પાસે મોટી રોકડ હોવાથી તે જમા લેવામાં બે-ચાર દિ’ કાઢી નાખ્યા હતા. આઘાતજનક બાબત એ છે કે ઝવેરીઓના ચોપડે દિવાળી-લાભપાંચમ સુધીની રોકડ પુરાંત બોલતી હોવા છતાં આવકવેરા વિભાગે એસેસમેન્ટ કાર્યવાહીમાં તે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. નોયબંધી પછી 500-1000ની નોટો પેટે ભરાયેલા તમામ નાણાંને ગેરમાન્ય ગણ્યા છે અને તેના પર 80 ટકા ટેકસ ચુકવી દેવા અથવા 20 ટકા ભરીને અપીલ પ્રક્રિયા કરવાની સૂચના આપી છે.

ઝવેરીઓની યોગ્ય-વ્યાજબી દલીલો પણ તંત્રે સ્વીકારી ન હોવાથી ધુંધવાટ વધ્યો છે. એક ઝવેરીએ તો એમ કહ્યું કે સરકાર ગમે તે ભોગે તિજોરી ભરવા માંગતી હોવાનો ઘાટ છે. 80 ટકા નાણાં ભરે તો ઝવેરી કે વેપારીની શું હાલત થાય તે સમજી શકાય. કારણ કે ઝવેરીઓએ બે-પાંચ કરોડ ભર્યા હોય તે સામાન્ય છે અને તેમાં 80 ટકા ટેકસ ભરવો પડે તો પેઢીને સંકેલવી પડે. અપીલ કરવી હોય તો પણ 20 ટકા નાણાં ભરવા પડે તેમ છે એટલે બન્ને બાજુ હાલત ખરાબ થઈ છે.
ઝવેરીઓએ આંતરિક સર્વે શરુ કરી જ દીધો છે. કોઈ સંગઠીત નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.

અમદાવાદના ઝવેરીઓ કરવેરા બોર્ડના ચેરમેનને મળી આવ્યા
ઝવેરીઓને કરોડો રૂપિયાના ટેકસ ઓર્ડરો સામે દેશભરમાં ધુંધવાટ પ્રવર્તી જ રહ્યો છે. ગુજરાતમાં ઈસ્યુ થયેલા ટેકસ ઓર્ડરો પૈકી 80 ટકા અમદાવાદના ઝવેરીઓને ઈસ્યુ થયા છે. તે પૈકીના અમુકે તો નોટબંધી પછી 800 કરોડ કે તેથી પણ વધુ નાણાં જમા કરાવ્યા હતા. અમદાવાદની ઝવેરી બજારમાં તો સોંપો પડી ગયો છે. ઝવેરી પ્રતિનિધિઓ કેન્દ્રીત સીધા કરવેરા બોર્ડના ચેરમેન શ્રી મોદી પાસે પણ પહોંચ્યા હતા. જો કે, તેનું કોઈ પરિણામ દેખાતુ નથી.


Loading...
Advertisement