રાજકોટમાં ભરશિયાળે હવામાન પલ્ટો: ચોમાસાનો માહોલ: છાટા પડયા

13 January 2020 04:57 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં ભરશિયાળે હવામાન પલ્ટો: ચોમાસાનો માહોલ: છાટા પડયા
  • રાજકોટમાં ભરશિયાળે હવામાન પલ્ટો: ચોમાસાનો માહોલ: છાટા પડયા

મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યા એ જ.... : આકાશમાં વાદળો અને સૂર્યદેવતા વચ્ચે સંતાકુકડીની રમત: બપોરે દોઢથી બે વચ્ચે ઝડપી પવન ફુંકાયો: ઠંડી સાવ નહીવત થઈ

રાજકોટ તા.13
રાજકોટ શહેરમાં આજરોજ મકરસંક્રાંતિની પુર્વ સંધ્યાએ સવારથી જ હવામાન પલ્ટો સર્જાયો છે અને હજુ આવતા 24 કલાક દરમ્યાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અમુક સ્થળોએ હળવા વરસાદની આગાહી કરાઈ છે. આથી રંગીલા રાજકોટનાં પતંગ પ્રેમીઓમાં ચિંતાની લાગણી છવાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ સવારથી જ રાજકોટનાં આકાશમાં વાદળો ચડી આવેલ છે અને સૂર્યદેવતા, વાદળો વચ્ચે સંતાકુકહી રમી રહ્યા છે. આજે સવારથી રાજકોટમાં ભરશિયાળે ચોમાસુ જેવો માહોલ છવાતા નગરજનો આશ્ચર્યમાં પડી ગયા હતા.

આજે સવારે આ ધ્રાબડીયા વાતાવરણ વચ્ચે શહેરનાં અમુક વિસ્તારો મોટા છાંટા પણ વરસી જવા પામ્યા હતા. આજે સવારે શહેરમાંથી ઠંડી પણ સાવ ઘટી જવા પામી હતી. આજે સવારે શહેરનું લઘુતમ તાપમાન 18.8 ડીગ્રી નોંધાવા પામ્યુ હતું.

સવારે 8.30 કલાકે તાપમાન 21.5 ડીગ્રી થઈ જવા પામ્યું હતું. જયારે, હવામાં ભેજ 84 ટકા નોંધાયો હતો અને પવનની સરેરાશ ઝડપ 8 કી.મી. પ્રતિ કલાક રહી હતી.
દરમ્યાન બપોરે દોઢ થી બે વાગ્યા વચ્ચે શહેરમાં પવનની ઝડપ વધી હતી અને 14 કી.મી. આસપાસની ઝડપે પવન ફુંકાયો હતો. જો કે બે વાગ્યા બાદ ફરી પવન મંદ પડી ગયો હતો અને સૂર્યદેવતા એ પણ દર્શન દીધા હતા અને આકાશ ધીમે-ધીમે સ્વચ્છ થવા લાગ્યુ હતું.

દરમ્યાન આજે પતંગોત્સવની પુર્વ સંધ્યાએ સવારનાં વાતાવરણમાં પલ્ટો આવતા રાજકોટનાં પતંગપ્રેમીઓમાં ટેન્શન છવાઈ ગયુ છે. ઉલ્લખનીય છે કે હવામાન ખાતાએ આવતીકાલે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે.


Loading...
Advertisement