વઢવાણમાં દલપતરામનુ સ્મારક બનાવવા પુર્વ ધારાસભ્યનું આહવાન

13 January 2020 04:07 PM
Surendaranagar
  • વઢવાણમાં દલપતરામનુ સ્મારક બનાવવા પુર્વ ધારાસભ્યનું આહવાન
  • વઢવાણમાં દલપતરામનુ સ્મારક બનાવવા પુર્વ ધારાસભ્યનું આહવાન

‘દાખે દલપતરામ’ કાર્યક્રમ હેઠળ કવિરત્ન દ્રિશતાબ્દિ મહોત્સવના ઉજવણી: પુર્વ સચિવ સહિતના સાહિત્યકારોની વિશેષ ઉપસ્થિતિ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.13
ગુજરાત સાહિત્ય અકાદમી - ગાંધીનગર અને વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા વઢવાણના પનોતા પુત્ર કવીશ્વર દલપતરામની દ્વિ શતાબ્દી મહોત્સવ નિમિત્તે વઢવાણ ખાતે પૂર્વ સચીવશ્રી વી. એસ. ગઢવી અને પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી તેમજ સાહિત્યકારો સર્વ યશવંત મહેતા અને યોસેફ મેકવાનની પ્રેરક ઉપસ્થિતિમાં "દાખે દલપતરામ” કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે વક્તવ્ય આપતા પૂર્વ સચીવ વી. એસ. ગઢવીએ જણાવ્યું હતુ કે, ઝાલાવાડે અનેક કવિઓ - સાહિત્યકારો - કલાકારો સમાજને આપ્યા છે. ઝાલાવાડના સમાજ જીવનમાં આ કવિઓ - સાહિત્યકારોનું પ્રદાન અમૂલ્ય રહયુ છે. વઢવાણ અને સુરેન્દ્રનગરના નગરજનોએ ગુજરાતી ભાષાને જીવંત રાખવામાં બહુમૂલ્ય યોગદાન આપનાર તેમના કવીશ્વરને યાદ કરી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, તે તમામ અભિનંદનને પાત્ર છે.
તેમણે કવીશ્વર દલપતરામે ગુજરાતી ભાષામાં આપેલ યોગદાનને બિરદાવતા જણાવ્યુ હતુ કે, ગુજરાતી ભાષાને જીવંત રાખવામાં કવીશ્વર દલપતરામનું યોગદાન અમૂલ્ય રહયું છે. દલપતરામે માનવ સહજ લાગણીઓતે તેમના કાવ્યના માધ્યમથી સમાજ સમક્ષ મૂકી છે. એક સદી સુધી ગુજરાતી સાહિત્ય ઉપર કવીશ્વર દલપતરામ અને તેમના પુત્ર નાન્હાલાલનો દબદબો રહયો છે.
ઝાલાવાડની ધરાને ભાષા - સાહિત્ય અને લોકકલાના માધ્યમથી ગૌરવ અપાવનાર કવિઓ - લેખકો - સાહિત્યકારો અને કલાકારોને આ તકે યાદ કરી શ્રી ગઢવીએ ઉમેર્યું હતુ કે, આ ધરતીએ મીન પીયાસી, શંકરદાનજી, બાબુ રાણપુરા, પ્રજારામ રાવળ, મહંમ્મદ માંકડ સહિતના અનેક કલા - સાહિત્ય ક્ષેત્રના દિગ્ગજો સમાજને આપ્યા છે. આ ધરતીની ઓળખ સમા આ મહાનુભાવો આજે પણ તેમણે આપેલ યોગદાનના કારણે લોકહદયમાં બિરાજી રહયા છે.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીએ વઢવાણના પનોતા પુત્ર એવા કવીશ્વર દલપતરામના દ્વિ શતાબ્દી મહોત્સવ પ્રસંગે વઢવાણ ખાતે કવીશ્વર દલપતરામનું સ્મારક બને તે માટે સૌને સાથે મળી કાર્ય કરવા અનુરોધ કરી આ માટે શક્ય તમામ રીતે મદદરૂપ થવાની ખાત્રી આપી હતી.આ કાર્યક્રમમાં સાહિત્યકાર યશવન્ત મહેતાએ જણાવ્યું હતુ કે, આગામી 21 જાન્યુઆરીના રોજ કવીશ્વર દલપતરામના જન્મને 200 વર્ષ પૂર્ણ થઈ રહયાં છે. ગુજરાતી ભાષાનું કાઠુ દલપતરામે બાંધ્યુ છે. ગુજરાતી ભાષાને ‘ભાષા’ બનાવવામાં કવીશ્વર દલપતરામનો ફોળો ખૂબ જ મહત્વનો રહયો છે.
આ તકે યશવંત મહેતા સંપાદીત "દલપતરામનું બાળ સાહિત્ય” પુસ્તકનું પૂર્વ સચીવ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમના પ્રારંભમાં પૂર્વ સંયૂકત માહિતી નિયામક ભૂપેન્દ્ર દવેએ ઉપસ્થિત સૌને આવકારી વઢવાણ ખાતે કવીશ્વર દલપતરામનું સ્મારક બને તે માટેનો વિચાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં અગ્રણીઓ સર્વ વજુભાઈ, બનેસંગભાઈ, કવિ યોસેફ મેકવાન સહિતના મહાનુભાવોએ તેમના વિચારો રજુ કર્યા હતા.
કવીશ્વર દલપતરામના દ્વિ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ અન્વયે યોજાયેલ આ "દાખે દલપતરામ” કાર્યક્રમમાં અગ્રણી મોહનભાઈ પટેલ, અમીત કંસારા, અચલદાન બોકસા, કવિ રમેશ આચાર્ય સહિતના મહાનુભાવો તથા નગરજનો ઉપસ્થિત રહયાં હતા.


Loading...
Advertisement