સુરેન્દ્રનગરમાં રસ્તાના કામના મામલે ભાજપ-કોંગ્રેસ આમનેસામને

13 January 2020 04:06 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરમાં રસ્તાના કામના મામલે ભાજપ-કોંગ્રેસ આમનેસામને
  • સુરેન્દ્રનગરમાં રસ્તાના કામના મામલે ભાજપ-કોંગ્રેસ આમનેસામને

શહેર કોંગ્રેસ પ્રમુખે રસ્તાના કામમા નબળી ગુણવતા હોવાની રાવ સાથે વિડિયો વાયરલ કર્યો

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.13
સુરેન્દ્રનગરમાં જોરાવરનગરમાં રસ્તાના કામ મામલે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આપી ગયા છે જેમા કોગ્રેસે રોડના કામમા ગેરરીતિના આક્ષેપ સાથે વિડીયો વાયરલ કર્યો હતો તો નગર પાલિકા પ્રમુખે તમામ આક્ષેપો નકારી કાઢી કોઈપણ લેબમાં તપાસ કરવાની ખુલ્લી ચેલેન્જ આપી હતી.

સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા દ્વારા શહેરનાં તમામ વોર્ડમાં રોડ, રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે ત્યારે તાજેતરમાં પાલિકા તંત્ર દ્વારા વોર્ડ નં.9 અને 10માં ચાલી રહેલ રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવી રહ્યું હોવાનો કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો. જ્યારે સામાપક્ષે પાલિકા પ્રમુખ દ્વારા આ તમામ આક્ષેપોને નકારી કાઢી રોડની કામગીરીમાં કોઈ જ ભ્રષ્ટાચાર ન થયો હોવાનું જણાવી કોઈપણ લેબમાં કામગીરીની તપાસ કરવાની ખુલ્લી ચેલેન્જ પડકારતાં રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પાલિકા તંત્ર દ્વારા હાલ જોરાવરનગર અને રતનપર વોર્ડ નં.9 તેમજ 10 માં આવતાં વિસ્તારોમાં નવા રોડ બનવાની કામગીરી ચાલી રહી છે ત્યારે જોરાવરનગર લાતી બજાર પાસે રોડની કામગીરી ખુબ જ હલકી ગુણવત્તાની અને ગેરરીતી થઈ રહી હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ કમલેશ કોટેચા, રોહિત પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનોએ સ્થળ પર જઈ જાત તપાસ કરી હતી અને હલકી ગુણવત્તાની કામગીરી થઈ રહી હોવાનો ઘટના સ્થળેથી વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યો હતો.

આ વિડીયો વાયરલ થતાં જ શહેરીજનોમાં અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી અને સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી જવા પામી હતી. આ વિડીયો વાયરલ થયાં બાદ પાલિકા પ્રમુખ વિપીનભાઈ ટોલીયા, એન્જીનીયર કે.એચ.હેરમા, સ્થાનિક સદસ્યો સહિતની ટીમે પણ રોડની કામગીરી અંગે સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું જે મામલે પાલિકા પ્રમુખ વિપીનભાઈ ટોલીયાએ પણ શહેર કોંગ્રેસ પ્રમુખના તમામ આક્ષેપોને નકારી કાઢયા હતાં અને રોડની કામગીરી નિયમ મુજબ થતી હોવાનું જણાવી આ અંગેની તપાસ કોઈપણ લેબમાં કરાવવાની ખુલ્લી ચેલેન્જ પડકારી હતી.

તેમજ કોંગ્રેસ દ્વારા ખોટા વિડીયો વાયરલ કરી લોકોને ગુમરાહ કરવાનું કામ કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો આમ પાલિકા તંત્ર દ્વારા જોરાવરનગર અને રતનપર વિસ્તારમાં ચાલી રહેલ રોડની કામગીરીમાં ગેરરીતી અને ભ્રષ્ટાચારના આક્ષેપ અને પ્રતિઆક્ષેપ મામલે રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો.


Loading...
Advertisement