કચ્છના ચકચારી રિઘ્ધિ નંદવાણી હત્યા કેસમાં જન્મટિપની સજા કાપતા પતિનું જેલમાં વિષપાન

13 January 2020 03:14 PM
kutch
  • કચ્છના ચકચારી રિઘ્ધિ નંદવાણી હત્યા કેસમાં જન્મટિપની સજા કાપતા પતિનું જેલમાં વિષપાન

રાજકોટ જેલમાં ખસેડવાનો હુકમ થયા બાદ : પત્નિની હત્યા કરી સળગાવી હતી; જેલમાં લાઇબ્રેરીનું કામ સંભાળતો હતો; ફિનાઇલ પીતા હોસ્પિટલ ખસેડાયો

ભુજ તા.13
પત્નીની ઘાતકી હત્યા નીપજાવી તેણીના મૃતદેહને સળગાવી દેવાનો પ્રયાસ કરનારાં પતિએ ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.
આદિપુરના ચકચારી રિધ્ધિ હત્યા કેસના મુખ્ય આરોપી અને ગળપાદર જેલમાં કેદ રિધ્ધિના પતિ કપિલ નંદવાણીએ રવિવારે બપોરે એક વાગ્યાના અરસામાં એક કપમાં ફિનાઈલ રેડી પી ગયો હતો.

જેલ અધિક્ષક મનુભા જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપીની વર્તણૂક સારી હોઈ તેને પુસ્તકાલયની કામગીરી સોંપાઈ હતી. આજે પુસ્તકોની ગણતરી કરવાનું તેને કામ સોંપાયું હતું. દરમિયાન, અન્ય સહાયક કેદીની નજર ચૂકવી કબાટની ચાવીથી તાળું ખોલી તેમાં રહેલી ફિનાઈલની બાટલીમાંથી એક કપમાં ફિનાઈલ કાઢીને પી લીધું હતું. જેલમાં એસીડ-ફિનાઈલની બાટલીઓ તાળાબંધ કબાટમાં રખાય છે. બનાવ અંગે જાડેજાએ કપિલ વિરુધ્ધ જેલ શિસ્તના નિયમના ભંગ બદલ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી છે.

કચ્છ-રાજસ્થાન સહિત દેશભરના સિંધી સમાજમાં ખળભળાટ મચાવનારાં આદિપુરના રિધ્ધિ મર્ડર કેસમાં ગત 1 જાન્યુઆરીના રોજ ગાંધીધામની અદાલતે તેને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જેલના નિયમ મુજબ પાકા કામના કેદીને રાજકોટ જેલમાં ખસેડાય છે. જેથી આવતીકાલે તેની ટ્રાન્સફર રાજકોટ જેલમાં કરવાની હતી. પોતાની જેલ ટ્રાન્સફર અટકાવવા તેણે આ ‘નાટક’ કર્યું હોવાનું જેલના અધિકારીઓએ ઉમેર્યું છે.

કપિલને જેલના નિયમો મુજબ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયો છે. હાલ તે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.


Loading...
Advertisement