મોરબીના ઝૂલતા પુલ પર ફરો સ્વજોખમે! સંમતિપત્રક ફરજીયાત

13 January 2020 12:32 PM
Morbi Government Gujarat Saurashtra
  • મોરબીના ઝૂલતા પુલ પર ફરો સ્વજોખમે! સંમતિપત્રક ફરજીયાત

હેરીટેજ કક્ષાના એકમાત્ર પુલ પર બોર્ડ મૂકાયું : અકસ્માત થાય તો જવાબદારી તમારી...: પાલિકાએ જવાબદારી પરત નહીં લેતા ટ્રસ્ટે પણ હાથ ખંખેર્યો : કમ સે કમ જર્જરીત પુલ બંધ કરવાનો નિર્ણય તો કરો...

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.13
મોરબીના ઝુલતા પુલ પરથી પસાર થવું હોય તો પહેલા કરવી પડે છે અકસ્માતની સમંતિ માટેની સહી...આ વાત સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, મોરબી શહેરની આન, બાન અને શાન સમાન કહી શકાય તે ઝુલતા પુલની હાલત છેલ્લા ઘણા સમયથી જર્જરીત છે અને હાલમાં ટ્રસ્ટ તેમજ તંત્ર વચ્ચે જવાબદારીની ફેંકા ફેકી થઇ રહી છે ત્યારે પુલ ઉપર જતા આવતા સમયે કોઇપણ અકસ્માત સર્જાય તો તેની જવાબદારીમાંથી છટકી જવા માટે ઝુલતા પુલે આવતા સહેલાણીઓ પાસેથી સમંતિ પત્રમાં સહી લઈને પછી જ તેમને પુલ ઉપર જવા દેવામાં આવી રહ્યા છે જેથી ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલ નિર્ણય હાલમાં ટીકાને પાત્ર બનેલ છે.
મોરબીનો ઝૂલતો પુલ હેરીટેજમાં લેવા સમાન હોવા છતાં તંત્ર દ્વારા તેની ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે એટલે જ તો હાલમાં આ પુલની પરિસ્થિતિ દયનીય થઇ ગઈ છે. તો પણ તેનું રીનોવેશન કરવામાં આવતું નથી અને રજવાડાના સમયમાં મોરબીના રાજા સર વાઘજી ઠાકોર દ્વારા બનાવવામાં આવેલ ઝૂલતો પુલ જેની માલિકી મોરબી પાલિકાની છે પરંતુ તેની જવાબદારી છેલ્લા ઘણા વર્ષોથી ઓરેવા ટ્રસ્ટને સોપવામાં આવી છે. ટ્રસ્ટ જવાબદારીમાંથી મુક્ત થવા માંગે છે પરંતુ તે અંગે નિર્ણય લેવામાં આવતો નથી અને હવે ગમે ત્યારે બહારથી પરિવાર સાથે ઝુલતા પુલ જોવા માટે તેમજ હરવા ફરવા માટે આવતા લોકોના પરિવારજનો માટે આ પુલ જોખમી કે જીવલેણ સાબિત થાય તેમ હોવાથી આજથી ટ્રસ્ટ દ્વારા સહેલાણીઓ પાસેથી અકસ્માત થાય તો જવાબદારી તેની પોતાની જ રહેશે તેવા સમંતિ પત્રમાં સહી લેવામાં આવી રહી છે જેથી મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અનિલભાઈ મહેતા, કલવાડથી આવેલ શબ્બીર હુસેનભાઈ અને સમીથી આવેલા ઈમરાનભાઈ નામના સહેલાણીએ આ પુલને તાત્કાલિક બંધ કરવાની લાગણી વ્યક્ત કરી હતી.
રાજકોટ કલેકટર દ્વારા વર્ષો પહેલા ઝુલતા પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટને સોપવામાં આવી હતી. આ ટ્રસ્ટ દ્વારા ઝુલતા પુલની જવાબદારી પરત પાલિકાને સોપવા માટે છેલ્લા એક વર્ષમાં પાલિકાને એક કે બે નહિ પરંતુ 25 વખત કરતા પણ વધારે વખત લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે તેમ છતાં પાલિકાના અધિકારી કે પદાધિકારી અથવા તો કલેકટર દ્વારા ઝુલતા પુલ માટેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી કે પછી દરકાર લેવામાં આવતી નથી જેથી આગામી 26 મી તારીખથી ઝુલતા પુલને બંધ કરવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 26મી તારીખ સુધીમાં કોઈ અકસ્માતનો બનાવ ઝુલત પુલે બની જાત તો તેમાંથી છટકી જવા માટે સહેલાણીઓ પાસેથી સમંતિ લઈને સહેલાણીઓને તેની જવાબદારી અને જોખમે ઝુલતા પુલ ઉપર મોકલવામાં આવી રહ્યા છે જેથી કરીને ઘણા સહેલાણીઓ આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે અને આ પુલને તાત્કાલિક બંધ કરી નાખવો જોઈએ તેવી લાગણી વ્યક્ત કરેલી છે.
મોરબીની શાન સમાન ઝુલતા પુલ ઉપર હાલમાં ઠેરઠેર પતરાની પ્લેટો તુટવા લાગી છે જેથી આ પુલ સહેલાણીઓ માટે ગમે ત્યારે જોખમો કે જીવલેણ સાબિત થાય તેમ છે તેમ છતાં જવાબદાર તંત્ર વાહકોના પેટનું પાણી હલતું નથી એટલે જ તો પુલનું રીપેરીંગ કામ કરવામાં આવતું નથી આટલું જ નહી ટ્રસ્ટને જવાબદારીમાંથી મુક્તિ જોઈતી હોય તો તેને મુક્તિ આપીને પાલિકાની માલિકીનો આ પુલ છે તો પાલિકા દ્વારા તાત્કાલિક પુલનું રીપેરીંગ કામ કેમ કરવામાં આવતું નથી તે સૌથી મોટો પ્રશ્ર્ન છે. જો પાલિકા અને ટ્રસ્ટ વચ્ચે ચાલી રહેલી જવાબદારીની ફેકાફેકીમાં કોઈ જીવલેણ અકસ્માત સર્જાઈ તો તેની જવાબદારી કોઈની રહેશે તે સો મણનો સવાલ છે.


Loading...
Advertisement