બગદાદ: હવાઈ મથકે રોકેટ હુમલો: 4 ઈરાકી એરમેનને ઈજા

13 January 2020 11:40 AM
Crime India World
  • બગદાદ: હવાઈ મથકે રોકેટ હુમલો: 4 ઈરાકી એરમેનને ઈજા

હવાઈ મથકને નિશાન બનાવતા રોકેટ હુમલામાં ઈરાકના લશ્કરના 4 સભ્યો ઈજાગ્રસ્ત થયા

બગદાદ તા.13
અત્યાર સુધી અમેરિકી પ્રશિક્ષકો હાજર હતા એ બગદાદની ઉતરે આવેલા હવાઈ મથકને નિશાન બનાવતા રોકેટ હુમલામાં ઈરાકના લશ્કરના 4 સભ્યોને ઈજા થઈ હતી.
અમેરિકી દળો વાળા બે બેસ પર ઈરાને બેલીસ્ટીક મિસાઈલ દાગ્યા પછી છ રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો, પણ કોઈ ખુવારી થઈ નહોતી.

અમેરિકા અને સહયોગી દેશોના દળોના પ્રવકતાએ જણાવ્યું હતું કે હાલમાં બલાડ એરબેસ પર કોઈ અમેરિકન સૈનિક નથી અને હુમલા વખતે પણ કોઈ નહોતા. આ મથકે અમેરિકી પ્રશિક્ષકો, સલાહકારો અને એફ-16 વિમાનની મેઈન્ટેનન્સ સર્વિસ આપતી કંપની હતી.

ગત મહિને રોકેટ એટેકમાં વ્હાજસ્થિત મથકે અમેરિકી કોન્ટ્રેકટર માર્યો જતા અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદીલી ઉભી થઈ હતી. અમેરિકાએ આ માટે ઈરાકના પીઠુ ભાડુતી આતંકીઓને જવાબદાર ગણાવ્યા હતા.

અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પીયોએ રવિવારે ટિવટ કરી જણાવ્યું હતું કે હુમલાથી તેમને રોષ થયો છે.
રવિવારના હુમલામાં ઈરાકના હવાઈદળના એક અધિકારી અને ત્રણ તાલીમીઓને ઈજા થઈ હતી. કેટલાક રોકેટ એરબેસની અંદર રેસ્ટોરન્ટ પર પડયા હતા. હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ જુથે લીધી નથી.

અમેરિકા અને ઈરાન જનરલ કાસિમ સુલેમાનીની હત્યા પછી તંગદીલી વધારવામાંથી પાછા ફર્યા હતા. એ પછી ઈરાને ઈરાકમાં અમેરિકી મથકો પર મિસાઈલ દાગી 80 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો કરી સુલેમાનીના મોતનો બદલો લીધાનો ખોંખારો માર્યો હતો. જો કે એ પછી બન્ને દેશોએ ત્યાંથી વાત પુરી કરી હતી.


Loading...
Advertisement