ગોંડલ બાલાશ્રમની બાળાઓને કરિયાવરમાં રાજકોટના બિલ્ડર દ્વારા 100 વારના પ્લોટ અપાયા

11 January 2020 02:35 PM
Gondal Rajkot
  • ગોંડલ બાલાશ્રમની બાળાઓને કરિયાવરમાં રાજકોટના બિલ્ડર દ્વારા 100 વારના પ્લોટ અપાયા

નગરજનો મામેરીયાત બની લગ્નની તૈયારીમાં લાગ્યા

ગોંડલ તા.11
ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમમાં પનાહ લઈ રહેલ સાત બાળાઓના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે બાળાઓને કરિયાવરમાં કોઈપણ જાતની ક્ષતિ ન રહે તે માટે શહેર તેમજ પંથકના લોકો માંડવીયા અને મામેરીયાત બની કામ કરી રહ્યા છે ત્યારે રાજકોટના બિલ્ડર દ્વારા બાળાઓને 100 વારના પ્લોટ આપવાની જાહેરાત કરાતા સોનામાં સુગંધ ભળી જવા પામી છે.

બાલાશ્રમની સાત બાળાઓના લગ્ન પ્રસંગને લઈ શહેરમાં હરખની હેલી પ્રસરી છે ત્યારે ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, નાગરિક બેન્કના ચેરમેન જયંતિભાઇ ઢોલ, પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા ઉપ પ્રમુખ અપઁણા બેન આચાર્ય બાલાશ્રમ નાં ચેરમેન અનિતાબેન રાજ્યગુરુ ની આગેવાનીમાં લગ્નોત્સવ ને ઉજવવા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ત્યારે રાજકોટ ના બિલ્ડર એન કે લુણાગરિયા, પ્રકાશભાઈ જૈન દ્વારા કુવાડવા પાસે હીરાસર નજીક નવા બની રહેલ એરપોર્ટ પાસે સાતેય દીકરીઓ ને 100 વાર ના પ્લોટ આપવાની જાહેરાત કરાતા સોનામાં સુગંધ ભળી જવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકાના દેરડીકુંભાજી ગામે રહેતા અને સામાજિક કાર્યોમાં અગ્રેસર રહેતા યુવાન ચિરાગ ગોળ દ્વારા થોડા દિવસ પહેલા બલાશ્રમની દીકરીઓના લગ્ન પ્રસંગને લઈ વોટ્સઅપમાં મેસેજ કરવામાં આવ્યો હતો જેના થકી રાજકોટ ના બિલ્ડરોએ સંપર્ક કર્યો હતો અને સાતેય બાળાઓને કરિયાવરમાં 100 વાર ના પ્લોટ ની ભેટ મળવા પામી હતી. એક પ્લોટ ની આશરે કિંમત હાલ ત્રણ લાખ જેવી ગણાય છે તેવું સૂત્રો એ જણાવ્યું હતું.


Loading...
Advertisement