દેશમાં એક જ દિવસમાં 28 વિદ્યાર્થીઓની આત્મહત્યા: એમાંના 25% એ પરીક્ષામાં નિષ્ફળતાથી જીવન ટુંકાવ્યું

11 January 2020 02:07 PM
Education India
  • દેશમાં એક જ દિવસમાં 28 વિદ્યાર્થીઓની આત્મહત્યા: એમાંના 25% એ પરીક્ષામાં નિષ્ફળતાથી જીવન ટુંકાવ્યું

2018માં 10,159 અને દસકમાં 81,758 વિદ્યાર્થીઓએ મોત વહાલું કર્યુ

બેંગાલુરુ તા.11
નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો (એનસીઆરબી) ડેટા એનાલીસીસ મુજબ ભારતમાં દરરોજ 28 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. એક દસકામાં 82,000 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી અને 2018માં આ આંકડો સૌથી વધુ હતો.

1 જાન્યુઆરી 2008થી 31 ડિસેમ્બર 201 સુધી આત્મહત્યા કરનારા 81,758 વિદ્યાર્થીઓમાંથી 2018માં 10,159 સહિત 57% મૃત્યુ છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયા હતા.
એનસીઆરબીના રિપોર્ટ મુજબ 2018માં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના ચોથા ભાગનાએ પરીક્ષામાં નિષ્ફળ જવાના કારણે અંતિમ પગલુ ભર્યુ હતું. નિષ્ણાંતો કહે છે કે વિદ્યાર્થીઓના આપઘાતના કારણોમાં શાળા-કોલેજોમાં જુદા જુદા મુદાથી માંડી ડ્રગ્સ અને ડિપ્રેસન તથા વિભાજીત પરિવારથી માંડી મિત્રો અને સંબંધોનાં ભંગાણનો સમાવેશ થાય છે.

મનોવિજ્ઞાનીઓ કહે છે કે કિલનિકલ ડિપ્રેસન, સ્કિમોફ્રેનીયા અને અન્ય માનસીક આરોગ્ય સમસ્યાઓ અને કેફી પદાર્થો દારુની લત ત્રણ મુખ્ય કારણો છે. સમાજશાસ્ત્રીઓ અને માનવાધિકાર કાર્યકર્તાઓ એને સાયકો- સોશ્યલ સમસ્યા ગણાવે છે.

સમાજશાસ્ત્રી સમાતા દેશ માને જણાવે છે કે લોકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ સમાજમાં આવી રહેલા પરિર્તનનો મુકાબલો કરી શકતા નથી. માણસ સામાજીક પ્રાણી છે પણ આજે આપણે સામાજીક ઓછા છીએ અને વ્યક્તિવાદીઓ વધુ છીએ.

ભારતમાં 2018માં આત્મહત્યાના કુલ 1.3 લાખ કેસો નોંધાયા હતા. એમાંથી વિદ્યાર્થીઓ 8% હતા. ખેતીક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની સંખ્યા જેટલી જ આ સંખ્યા છે.
2018માં રાજયવાર વિદ્યાર્થીઓ આત્મહત્યાના વિશ્ર્લેષણ મુજબ મહારાષ્ટ્ર (1458), તામિલનાડુ (953), મધ્યપ્રદેશ (862), કર્ણાટક (755) અને પશ્ર્ચિમ બંગાળ (609) એમ પાંચ રાજયોનો 45% અથવા 4628 કેસોનો હિસ્સો હતો.

2014 અને 2018 વચ્ચે આ પાંચ રાજયો અને બે વર્ષમાં છતીસગઢ સાથે સૌથી વધુ કેસો ધરાવે છે.


Loading...
Advertisement