ભાવનગર: સિહોરમાં આધેડની હત્યાનાં ચકચારી કેસમાં ત્રણ આરોપીઓને આજીવન, બેને એક માસ જેલ

11 January 2020 12:44 PM
Bhavnagar Crime Gujarat Saurashtra
  • ભાવનગર: સિહોરમાં આધેડની હત્યાનાં ચકચારી કેસમાં ત્રણ આરોપીઓને આજીવન, બેને એક માસ જેલ

સરકારી વકિલની દલિલો-પુરાવાઓ ગ્રાહ્ય રાખતી અદાલત

ભાવનગર,તા. 11
ત્રણેક વર્ષ પૂર્વે શિહોર નજીકના મહાદેવપરા, વાડી વિસ્તાર સાગવાડી ખાતે ફક્ત મઢમાં લાઈટ બંધ કરવા જેવી નજીવી બાબતે પાંચ જેટલા શખ્સોએ એક સંપ કરી એક આધેડ ઉપર જીવલેણ હુમલો કરી મોત નિપજાવ્યું હતું. આ હત્યા કેસના મુખ્ય ત્રણ આરોપી સામે ભાવનગરના ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ શુભદાબેન બક્ષીએ હત્યાનો ગુનો સાબિત માની આજીવન કેદ તથા રોકડ દંડ કર્યો હતો.
હિરાભાઈ સવજીભાઈ મકવાણાએ ગત તા. 24-4-2016નાં મોડી રાત્રીનાં સુમારે ફરિયાદી ઓધાભાઈ ડાયાભાઈ મકવાણાનાં કુળના ચામુંડા માતાના મઢે જમણવારનું આયોજન કરેલ અને રાત્રે જમણવારનું કામ પુરું થઇ જતાં તેઓ બધા તેઓના ઘરે સુઇ ગયેલ ત્યારબાદ તા. 25-6-2016નાં રોજ રાત્રીનાં 1.30 કલાકે તેમના કુટુંબી કાકા ભીખાભાઈ સવજીભાઈ મકવાણા અને હીરાભાઈ સવજીભાઈ મકવાણા જેઓ બંને ઓધાભાઈના ઘરે આવી તેમને જગાડી કહેલ કૈ તું માતાજીના મઢની લાઈટો કેમ દરરોજ બંધ કરી દે છો ? મઢ તારા બાપનું છે તેતમ કહીને જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો દેવા લાગેલ. આ વખતે ફરિયાદીના દિકરા કિશનભાઈ આવી જતાં જેઓએ બન્નેને સમજાવી કાઢી મુકેલ ત્યારબાદ થોડીવાર પછી ભીખાભાઈ સવજીભાઈ મકવાણા, હીરાભાઈ સવજીભાઈ મકવાણા, ભરતભાઈ સવજીભાઈ મકવાણા, હરેશ ભીખાભાઈ મકવાણા, કિશોર ઉર્ફે કિશન સામંત મકવાણાવાળાઓએ એક સંપકકરી ફરિયાદીનાં ઘરે આવેલ આ વખતે ફરિયાદીનો દિકરો કિશન તથા તેના નાનો ભાઈ ઘનશ્યામ તથા ફરિયાદીનાં પત્ની વસંતબેન તથા ઘનશ્યામભાઈના પત્ની હંસાબેન પણ આવી જતા આ લડાઈ ઝઘડામાં ઘનશ્યામભાઈ વચ્ચે પડતાં ઉક્ત આરોપીઓએ એક સંપ કરી ઘનશ્યામભાઈને ધારીયાના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા ઘનશ્યામભાઈને ભાવનગરની સરકારી સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન ઘનશ્યામભાઈ ડાયાભાઈનું મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે ઘનશ્યામભાઇના ભાઈ ઓધાભાઈ ડાયાભાઈ મકવાણાએ શિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જે તે સમયે આરોપીઓ સામે ગુનો નોંધ્યો તો.
આ અંગેનો કેસ ભાવનગરના ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતાં અદાલતે ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે અન્ય બે આરોપી ભીખાભાઈ સવજીભાઈ મકવાણા અને હિરાભાઈ સવજીભાઈ મકવાણાની સામે ઈપીકો કલમ 447, 114 મુજબનો ગુનો સાબિત માની એક માસની કેદની સજા ફટકારી હતી.


Loading...
Advertisement