રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં વધુ ચાર બાળકોના મોત

09 January 2020 12:08 PM
Rajkot Government Gujarat Health Saurashtra
  • રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં વધુ ચાર બાળકોના મોત

કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં નવ દિવસમાં 21 બાળકોએ આંખો મીંચી દીધી : બાળકોના મોતનો સીલસીલો ચાલુ રહેતા ભારે ચિંતા

રાજકોટ તા.9
રાજકોટ સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકોના મોતનો સીલસીલો અટકવાનું નામ ન લેતો હોય ત ેમ 24 કલાકમાં વધુ ચાર નવજાત બાળકોના મૃત્યુ થયા છે. આ સાથે ચાલુ વર્ષે નવ દિવસમાં જ 21 બાળકો મોતને ભેટતા ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.
રાજસ્થાનના કોટામાં બાળકોના મોતને લઇ ભારે વિવાદ જાગ્યા બાદ ગુજરાતમાં પણ બાળકોના મોતનો આંકડો ચિંતાજનક હોવાનું બહાર આવ્યું હતું. ખાસ કરીને સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટની સરકારી હોસ્પિટલ સંકુલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન બાળકોની હોસ્પિટલમાં ગત વર્ષે 1000 જેટલા નવજાત બાળકોના અહીં મોત થયા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવતા ભારે ઉહાપોહ મચી ગયો હતો.
ગત વર્ષ ડિસેમ્બર માસમાં જ 134 બાળકોના મોત થયા બાદ વર્ષ 2020માં પણ આ સીલસીલો અટકવાનું નામ લેતો નથી. ત્યારે રાજકોટની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગઇકાલથી લઇ આજ સુધીમાં વધુ ચાર બાળકોના મોત થયા છે. ત્રણ બાળકોના ગઇકાલ દિવસ દરમિયાન મોત થયા હતા. જયારે એક બાળકે રાત્રીના હોસ્પિટલ બિછાને દમ તોડી દીધો હતો. આ સાથે બાળકોના મોતનો આંકડો ચાલુ વર્ષે પણ ચિંતાજનક બની રહ્યો છે. જાન્યુઆરી માસના નવ દિવસમાં જ 21 બાળકો સારવાર દરમિયાન મોતને ભેટયા છે.


Loading...
Advertisement