કાલથી ફરી ઠંડી વધશે; ગુરુ-શુક્રવારે તાપમાન નોર્મલથી નીચે સરકશે

07 January 2020 05:08 PM
Rajkot Saurashtra
  • કાલથી ફરી ઠંડી વધશે; ગુરુ-શુક્રવારે તાપમાન નોર્મલથી નીચે સરકશે

11-12મીએ ઉત્તર ભારતથી રાજસ્થાન સુધી વરસાદ: સૌરાષ્ટ્ર-ગુજરાતને અસર થશે? : જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: પવનનું પણ જોર રહેશે: 11મીથી ઠંડીમાં ફરી આંશિક રાહત મળશે

રાજકોટ તા.7
રાજકોટ-સૌરાષ્ટ્રમાં બે દિવસથી ઠંડીમાં મહદઅંશે રાહત મળ્યા બાદ આવતીકાલથી ફરી ચમકારો શરૂ થશે અને ગુરુ-શુક્રવારમાં તાપમાન નોર્મલ કરતા પણ નીચે સરકી જવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ગત 1લીએ આપેલી આગાહીમાં ઠંડીમાં રાહત મળવાનું સૂચવ્યું હતું. તે અંતર્ગત ઠંડીનું જોર ઘટયુ છે. બે દિવસથી તો ઠંડી ગાયબ થઈ ગયાનું ચિત્ર સર્જાયુ છે અને તાપમાનનો પારો નોર્મલ કરતા એકથી ચાર ડીગ્રી ઉંચે ચડી ગયો છે. રાજકોટમાં આજે ન્યુનતમ તાપમાન 16 ડીગ્રી હતું તે નોર્મલ કરતા 3 ડીગ્રી ઉંચુ હતું. તેવી જ રીતે મહતમ તાપમાન 31.7 ડીગ્રી હતું તે નોર્મલ કરતા ચાર ડીગ્રી વધુ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના મોટાભાગના સેન્ટરોમાં ન્યુનતમ તાપમાન 1થી4 ડીગ્રી તથા મહતમ તાપમાન નોર્મલ કરતા 2થી4 ડીગ્રી ઉંચુ રહ્યું હતું.

ભુજમાં આજે ન્યુનતમ તાપમાન 12.8 ડીગ્રી હતું. તે નોર્મલ કરતા ત્રણ ડીગ્રી ઉંચુ હતું. અમદાવાદનું તાપમાન 16.7 ડીગ્રી હતું. તે નોર્મલ કરતા ચાર ડીગ્રી, કંડલા એરપોર્ટનું તાપમાન નોર્મલ કરતા એક ડીગ્રી તથા વડોદરાનું 15.4 ડીગ્રી તાપમાન નોર્મલ કરતા બે ડીગ્રી વધુ હતું.

તેઓએ જણાવ્યું હતું કે હાલ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રીય છે અને તેની ઉતર ભારત- રાજસ્થાનમાં અસર વર્તાય રહ્યું છે. 11-12 જાન્યુઆરીએ બીજુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાશે તેની અસર હેઠળ ઉતરીય પાકિસ્તાન, ઉતર ભારતના રાજયો તથા રાજસ્થાનમાં વરસાદ થવાની શકયતા છે. રાજસ્થાન સુધી અસર થાય તેમ હોવાથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પ્રભાવ પડે છે કે કેમ તે વિશે બે દિવસમાં ચિત્ર સ્પષ્ટ થશે.

તા.7થી14 જાન્યુઆરીની આગાહી કરતા અશોકભાઈ પટેલે કહ્યું છે કે બે-ચાર દિવસથી રાહત બાદ આવતીકાલથી તાપમાન ફરી નીચુ આવવા લાગશે. ન્યુનતમ અને મહતમ એમ બંને તાપમાન ઘટશે. 9-10મીએ અર્થાત ગુરુ-શુક્રવારે નોર્મલથી પણ નીચુ આવી જશે. રાજકોટનું નોર્મલ તાપમાન 13 ડીગ્રી છે તેનાથી પણ નીચે ઉતરી શકે છે.

10મી સુધી ઠંડીનો ચમકારો અનુભવાયા બાદ 11-12મીએ દિવસનું તાપમાન વધશે તેવી જ રીતે ન્યુનતમ તાપમાન નોર્મલ આસપાસ આવી જશે. આગાહીના સમયગાળા દરમ્યાન પવન શિયાળુ ફુંકાશે. 11-12મીએ પવન ફરશે અને ઉતર-પશ્ચીમી થશે. 13મીએ ભેજનું પ્રમાણ વધશે. પરિણામે ઝાકળવર્ષાની સંભાવના છે. 10મી સુધી 15થી 22 કીમીની ઝડપે પવન ફુંકાશે. ત્યારબાદ ઝડપ ઘટશે અને 13-14મીએ પવન વધી જશે.


Loading...
Advertisement