આરોગ્ય વિભાગમાં કરાર આધારીત ભરતી પર પ્રતિબંધ

07 January 2020 04:44 PM
Rajkot Health
  • આરોગ્ય વિભાગમાં કરાર આધારીત ભરતી પર પ્રતિબંધ

નવજાત બાળકોના મોત મામલે રાજયવ્યાપી ઉહાપોહ વચ્ચે સરકારનો પરિપત્ર : જિલ્લા-ગામડાઓની આરોગ્ય સેવા માટે પેરામેડીકલ સ્ટાફની હેલ્થ સોસાયટી મારફત કરાર આધારીત ભરતી નહીં કરવા આદેશ: સેન્ટ્રલાઈઝડ નીતિ નકકી થવાનો નિર્દેશ

રાજકોટ તા.7
રાજકોટની સીવીલ હોસ્પીટલોમાં બાળકોના મોતના રાજયવ્યાપી તથા રાષ્ટ્રીયસ્તરે પડઘા છે તેવા સમયે પંચાયત વિભાગમાં કરાર આધારીત પેરામેડીકલ સ્ટાફની ભરતી પર પ્રતિબંધ મુકતો આદેશ થયો છે. આરોગ્ય સુવિધાઓ વધારવા માટે રાજય સરકાર પર દબાણ છે તેવા સમયે ભરતી અટકાવાતા અનેકવિધ તર્કવિતર્કો વ્યક્ત થઈ રહ્યા છે. રાજય સરકાર, જો કે, સેન્ટ્રલાઈઝડ ભરતી સંબંધી નીતિવિષયક નિર્ણય લેવા માંગતી હોવાથી એક માસ પુરતો નવી ભરતી પર પ્રતિબંધ લાગુ કરાયાના નિર્દેશ છે.

આરોગ્ય વિભાગના સૂત્રોએ એમ કહ્યું છે કે ફીમેલ હેલ્થવર્કર, લેબ ટેકનીશ્યન, ન્યુટ્રીશન આસીસ્ટંટ, ઓપરેટર જેવા પેરામેડીકલ સ્ટાફની કરાર આધારીત ભરતી વખતોવખત અને નિયમિત રીતે થતી જ હોય છે. પરંતુ સરકાર દ્વારા પરિપત્ર પાઠવવામાં આવ્યો છે જે મુજબ 31 જાન્યુઆરી સુધી ભરતી નહીં કરવાની સૂચના આપવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નવજાત બાળકોના મોતનો ઉહાપોહ છે તેવા સમયે કોન્ટ્રાકટ ભરતી પર પ્રતિબંધથી વિવાદથવાની શકયતાનો ઈન્કાર થતો નથી.

નવજાત શિશુઓના મોટા પ્રમાણમાં મોત અટકાવવા માટે હોસ્પીટલો-આરોગ્ય વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવા માટે રાજય સરકાર પર પ્રચંડ દબાણ છે. કોંગ્રેસના આંદોલનને પગલે આરોગ્ય વિભાગમાં પણ જબરી દોડધામ છે. આરોગ્ય સેવા અસરકારક બનાવવાના આદેશો કરવામાં આવ્યા છે તેવા સમયે કરાર આધારીત ભરતી રોકાતા અનેકવિધ તર્કવિતર્ક છે.
સામાન્ય રીતે સોમ-ગુરુવારે ભરતી થતી હોય છે. ગઈકાલે આરોગ્ય વિભાગમાં ભરતી માટે કેટલાંક ઉમેદવારો ઉમટયા પણ હતા પરંતુ પરત જવાનો વખત આવ્યો હતો.

સૂત્રોએ એમ કહ્યું કે, રાજય સરકાર આ ભરતી મામલે કોઈ ચોકકસ નીતિ ઘડવાની તૈયારીમાં હોવાના સંકેત છે. પારદર્શક અને સેન્ટ્રલાઈઝડ ધોરણે ભરતી માટે નીતિ નકકી થાય તેમ મનાય છે.


Loading...
Advertisement