રાજકોટ: સીટી બસના 33 કંડકટર સસ્પેન્ડ: એજન્સીને રૂપિયા 6 લાખનો દંડ

07 January 2020 03:20 PM
Rajkot Crime Government Saurashtra
  • રાજકોટ: સીટી બસના 33 કંડકટર સસ્પેન્ડ: એજન્સીને રૂપિયા 6 લાખનો દંડ

ઓપરેટર, ફેર કલેકશન, સીકયુરીટી પૂરી પાડતી એજન્સી દંડાઈ: ડિસેમ્બરમાં 12.36 લાખ લોકોએ સીટી બસમાં, 7.06 લાખે બીઆરટીએસમાં મુસાફરી કરી

રાજકોટ તા.7
રાજકોટ શહેરમાં હવે ધીમે ધીમે સીટી અને બીઆરટીએસ બસ સેવાનો લાભ વધુને વધુ લોકો લઈ રહ્યા છે. ડિસેમ્બર માસમાં સીટી બસ 5.08 લાખ કિ.મી. ચાલતા તેનો લાભ 1236246 મુસાફરોએ અને 150 ફૂટ રોડ પર બીઆરટીએસ બસો 76989 કિ.મી. ચાલતા 706536 મુસાફરોએ લાભ લીધાનું આજે ડિસેમ્બરનો રીપોર્ટ જાહેર કરતા મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલે જાહેર કર્યુ છે.

રાજકોટમાં સીટી બસના પીકઅપ સ્ટોપ અને બસ પર ટાઈમ ટેબલ અપડેટેશનનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા મહિનામાં થયેલી દંડનીય કાર્યવાહીમાં ઓપરેટર મારૂતી ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ 15175 કિ.મી. એટલે કે રૂા.538942નો દંડ કરવામાં આવ્યો છે. તો ભાડુ કલેકશન કરતા ડી.જી. નાકરાણીને રૂા.32 હજાર અને નેશનલ સીકયુરીટી સર્વીસને રૂા.900ની પેનલ્ટી કરવામાં આવી છે.

સીટી બસના ચેકીંગમાં 139 મુસાફરો ટીકીટ વગર મળતા રૂા.15200નો દંડ લેવાયો હતો. તો 16થી વધુ જુના પાસ જપ્ત કરાયા હતા. પાંચ કંડકટરને કાયમી ધોરણે અને 28ને ગેરરીતિ તથા અનિયમીતતા બદલ હંગામી ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

બીઆરટીએસ બસ સેવા ડિસેમ્બરમાં 76989 કિ.મી. ચાલી હતી. જેના સ્ટોપ ઉપર પણ ડિજીટલ કામગીરી ચાલી રહી છે. તેના બસ ઓપરેટર માતેશ્ર્વરી ટ્રાવેલ્સને ક્ષતિ બદલ 1400 કિ.મી. એટલે કે રૂા.86632નો દંડ કરાયો છે. જે કે સીકયુરીટીને રૂા.7 હજારની પેનલ્ટી ફટકારાઈ હતી. 15 ખુદાબક્ષો પાસેથી રૂા.1500નો દંડ લેવાયો છે. તો એક એકસ મેનને ચાર દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા.

ટીકીટ લેવાની જવાબદારી નાગરિકોની છે. બસ સ્ટોપ પર પોસ્ટર લગાવવાની મનાઈ છે. તો બસમાં ડ્રાઈવર કંડકટર સામે કોઈ પણ ફરિયાદ હોય તો કોલ સેન્ટર 2450077 પર ફરિયાદ કરવા મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.

રસ્તા, ડિવાઈડર, સર્કલો પરથીવધુ 856 બોર્ડ-બેનર ઉતારી લેવાયા

6 દિવસમાં 2.36 લાખનો દંડ વસુલતી મનપાની એસ્ટેટ શાખા

મહાપાલિકાની દબાણ હટાવ શાખાએ તા.31 ડિસે.થી પાંચ જાન્યુઆરી સુધીમાં ગેરકાયદે દબાણો હટાવવાથી માંડી દંડનીય કાર્યવાહી ઝુંબેશની જેમ ચાલુ રાખી છે.
કુવાડવા રોડ, ભાવનગર રોડ, 80 ફુટ, પેડક, પંચાયત, 150 ફૂટ, હોસ્પિટલ ચોક, મહિલા કોલેજ, ત્રિકોણબાગ, કમિશ્ર્નર બંગલા રોડ પરથી 856 બોર્ડ અને બેનર જપ્ત કરાયા હતા. જુદા જુદા વિસ્તારમાંથી 29 રેંકડી કેબીન તથા 47 પરચુરણ માલ સામાન જપ્ત કરાયો હતો.
અલગ અલગ રસ્તા પર ચેકીંગ ડ્રાઈવમાં મંડપ છાજલી બદલ રૂા.86 હજારનો દંડ લેવાયો છે તો દબાણો બદલ 1.55 લાખનો વહીવટી ચાર્જ પણ લેવાયાનું એસ્ટેટ અધિકારી બી.બી. જાડેજાએ કહ્યું હતું.


Loading...
Advertisement