રાણાવાવમાં મહેર સમાજની કલા, સંસ્કૃતિ અને પરંપરાનાં સંગ્રહકર્તા ભરત ઓડેદરા

02 January 2020 10:58 AM
Porbandar
  • રાણાવાવમાં મહેર સમાજની કલા, સંસ્કૃતિ અને પરંપરાનાં સંગ્રહકર્તા ભરત ઓડેદરા

ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની મહેચ્છા ધરાવતા સંગ્રહકર્તા

(બી.બી. ઠક્કર), રાણાવાવ,તા. 2
દરેક સમાજને પોતાની સંસ્કૃતિ અને કલાનું ગૌરવ હોય છે અને તેની જાળવણી અને સાચવણી કરનારાઓ પોતાની પ્રવૃત્તિ ક્યારેક છાને કૂણે જીવંત રાખતા હોય છે. પોરબંદરની મહેર કોમની સંસ્કૃતિ તથા કલાને રાણાવાવના ભરત ઓડેદરાએ અનોખી રીતે સાચવી છે. છેલ્લા ત્રીસ વર્ષથી તેમણે જુદા જુદા માધ્યમો દ્વારા તેમા મહેરસમાજની નાની-નાની માહિતી યથાવત રીતે જળવાયેલી જોવા મળે છે. ભરત ઓડેદરા પાસે મેગેઝીનોનો સંગ્રહ છે. જેમાં મહેર સમાજને લગતા અહેવાલો આવે છે જેવા ચિત્રલેખા, અભિયાન, રહસ્ય, માફીયા વગેરે મેગેઝીનો સાચવેલ છે.

મહેર જવામર્દ, મહેરની ઉત્પતિ, મેરના લગ્નગીતો, રાસડા વગેરે જેવા અનેક પુસ્તકોનો ખજાનો તેમની પાસે હાલ ઉપલબ્ધ છે. કેસેટ, ડીવીડી, સીડી જેવા કે મહેરનો મણીયારો, સોનલ બીજ ઉત્સવ, સરમણ મુંજા રાસડા, લીરબાઈ માતાજીની જીવન ઝરમર વગેરે કેસેટનો ખજાનો ઉપલબ્ધ છે.

ઇ.સ. 1993થી માંડીને 2019 સુધી મહેર સમાજના પ્રસિધ્ધ થતાં સમાચારોનાં 10,000થી વધુ કટીંગનો સંગ્રહ તેમની પાસે છે. જેમાં વ્યસન મુક્તિ, પ્રદૂષણ, રાજકીય આગેવાનોના સમાચારો કોઇ ક્ષેત્રમાં સિધ્ધિ મેળવેલ હોય તેવા વિદ્યાર્થી ભાઈ, બહેનો તથા કલાકારો તથા ખેલાડીઓ તથા મહેર સમાજની કલા, સંસ્કૃતિ, શિક્ષણ તથા સામાજિક એકતા, વગેરેને ઉજાગર કરતાં અહેવાલોના પણ કટીંગનો સંગ્રહ ભરત ઓડેદરાએ કર્યો છે.

રાણાવાવના સંગ્રહ શોખીન ભરત ઓડેદરાએ જણાવ્યું હતું કે આજની યુવા પેઢી વાંચનથી વિમુખ થતી જાય છે. તે ખુબ ચિંતાનો વિષય છે. ખાસ કરીને ફેસબુક, વોટ્સએપ અને ટવીટર સહિત સોશ્યલ મીડિયામાં પોતાનો સમય પસાર કરતી યુવા પેઢીમાં વાંચન ઘટતું જાય છે તેથી બુકો, પુસ્તકો તથા મેગેઝીનો વગેરે ઇતિહાસ બની જાય છે.

સંગ્રહકાર ભરતભાઈની ઇચ્છા ઇન્ડીયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશીયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ વગેરેમાં રેકોર્ડ બનાવવાની કામના ધરાવે છે.


Loading...
Advertisement