ગોંડલ: મોટી બહેને કીડનીનું દાન આપી નાનાભાઇને નવજીવન આપ્યું

30 December 2019 01:43 PM
Gondal Gujarat Health Rajkot Saurashtra Woman
  • ગોંડલ: મોટી બહેને કીડનીનું દાન આપી નાનાભાઇને નવજીવન આપ્યું

ભાઇ-બહેન અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ

(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ તા.30
ગોંડલના ભગવતપરામાં રહેતા પાતર પરીવાર પર એકાએક મુશ્કેલીના વાદળો છવાયા હતા નાના પુત્રની કિડની સંકોચાઈ જતા પરિવાર દુ:ખી થયો હતો ત્યારે આ કપરી પરિસ્થિતિમાં મોટી બહેને નાના ભાઈને કિડનીનું દાન કરી નવજીવન બક્ષતા સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગોંડલના ભગવતપરામાં રહેતા પીજીવીસીએલના કર્મચારી મનસુખભાઈ પાલાભાઈ પાતર (ઉંમર વર્ષ 36) એકાએક નાદુરસ્ત થવા લાગતાં તેના મોટા બહેન ગીતાબેને અને પરિવારે ચિંતા વ્યક્ત કરી ભાઈને સારવાર લેવા જણાવ્યું હતું દરમિયાન મનસુખભાઈની બંને કીડનીઓ સંકોચાતી હોવાનું બહાર આવતા પરિવાર પર મુશ્કેલીના વાદળો ઘેરાઇ ગયા હતા. 21 વખત ડાયાલિસિસ કરાવવા છતાં પણ કોઈ પરિણામ હાથ ન આવતા આખરે ગીતાબહેને નાનાભાઈ ને કિડનીનું દાન કરી નવજીવન બક્ષીયું છે, હાલ બંને ભાઈ-બહેન અમદાવાદ ખાતે આવેલ સેલ્વી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રક્ષાબંધનની રાખડી બંધાતી હોય કે બહેનના લગ્ન સમયે જવતલ હોમાતા હોય ત્યારે વહાલી બહેનને ભાઈઓ દ્વારા સુરક્ષાના વચનો અપાતા હોય છે ત્યારે ગોંડલની આ દીકરીએ ભાઈને કિડનીનું દાન કરી ભાઈની સુરક્ષા કરી સમાજને પ્રેરણા આપી છે આ ઉપરાંત આજીવન ભાઈ અને માતા સાથે રહી ભાઈઓની મુશ્કેલીમાં હંમેશા ઢાલ બની આગળ રહેવાનું પણ જણાવ્યું છે.
ગોંડલ શહેરમાં ધારાશાસ્ત્રી નું કામ કરતા દિનેશભાઈ પાતરે જણાવ્યું હતું કે અમારા બે ભાઈઓના પરિવારમાં મનસુખભાઈ નાના છે પરિવારના એકસંપ ને લઈ આર્થિક સમસ્યાનું નિરાકરણ કરી નાખ્યું હતું પરંતુ અમારી બહેનના કિડનીના દાનનો સામે આર્થિક દાન પણ 1001 ટકા નાનું જ કહેવાય બહેનનું આદાન કોઈ દિવસ એળે નહી જાય તેનું અમે બંને ભાઈઓ પણ વચન આપીએ છીએ.


Loading...
Advertisement