ગુજરાતમાં માત્ર 17 ટકા મિલ્કતોનું જ મહિલાઓના નામે રજીસ્ટ્રેશન

21 December 2019 11:22 AM
Ahmedabad Gujarat Woman
  • ગુજરાતમાં માત્ર 17 ટકા મિલ્કતોનું જ મહિલાઓના નામે રજીસ્ટ્રેશન

રજીસ્ટ્રેશન ફીમાં એક ટકાની માફી છતાં

ગાંધીનગર તા.21
ગુજરાતમાં મહિલાઓના નામે મિલ્કત ખરીદીને પ્રોત્સાહન આપવા માટે એક ટકાની રજીસ્ટ્રેશન ફી રદ કરી દીધી હોવા છતાં રાજયમાં મહિલાઓના નામે માત્ર 17 ટકા મિલ્કતોનુ જ રજીસ્ટ્રેશન છે.

રાજય સરકારના સતાવાર રેકોર્ડ પરથી એવી આંકડાકીય વિગતો બહાર આવી છે કે છેલ્લા ત્રણ વર્ષથી મહિલાઓના નામે પ્રોપર્ટી રજીસ્ટ્રેનમાં આંશિક વધારો થયો હોવા છતાં છલ્લા 15 વર્ષમાં તેનો કુલ આંકડો માત્ર 17 ટકા જેવો જ છે. 2004-05થી રાજય સરકારે મહિલાઓના નામે પ્રોપર્ટી રજીસ્ટ્રેશનની એક ટકા ફ્રી માફ કરી હતી. આમ છતાં મહિલાઓના નામે પ્રોપર્ટી રજીસ્ટ્રેશનમાં કોઈ મોટો વધારો નથી.

2004-05 થી ઓકટોબર 2019ના સમયગાળા દરમ્યાન રાજયભરમાં 1.35 કરોડ મિલ્કતોનું રજીસ્ટ્રેશન થયું છે તેમાંથી માત્ર 23.16 લાખ પ્રોપર્ટીનું રજીસ્ટ્રેશન મહિલાઓના નામે છે. મિલ્કતોની કિંમતની દ્દષ્ટિએ ગણતરી કરવામાં આવે તો રજીસ્ટ્રેશન ફી માફી પેટે મહિલા ખરીદદારોને 1549.80 કરોડની માફી મળી છે.

મહિલાઓના નામે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન ઓછી થતી હોવા મુદે રાજયના મહેસુલપ્રધાન કૌશિક પટેલે એમ કહ્યું હતું કે પારિવારિક કલ્યાણ તથા મહિલાઓને સમાનતા આવવાના આશયથી મહિલાઓના નામે પ્રોપર્ટી રજીસ્ટ્રેશનમાં ફી નાબુદી આપવામાં આવી છે. મહિલાઓના નામે મિલ્કતોની ખરીદી વધે તે માટે રાજય સરકારનુ ધ્યાન કેન્દ્રીત છે. સમાજે પણ આ દિશામાં જોર કરવું જોઈએ. રાજયમાં છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન મહિલાઓના નામે મિલ્કતોનું રજીસ્ટ્રેશન વધ્યુ છે. 2016-2017માં 1.49 લાખ મિલ્કતો મહિલાઓના નામે ખરીદાઈ હતી તે આંકડો 2018-19માં વધીને 1.92 લાખનો થયો છે. કુલ પ્રોપર્ટી રજીસ્ટ્રેશન પણ 9.89 લાખથી વધીને 12.4 લાખ થયુ છે. મહિલાઓના નામે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ 15-16 ટકા છે.


Loading...
Advertisement