પરીક્ષા કૌભાંડનુ પગેરૂ ગુજરાત બહાર? તૂર્તમાં નવો કાર્યક્રમ

17 December 2019 01:11 PM
Ahmedabad Education Government Gujarat Saurashtra
  • પરીક્ષા કૌભાંડનુ પગેરૂ ગુજરાત બહાર? તૂર્તમાં નવો કાર્યક્રમ

બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ થયા બાદ હવે કૌભાંડીયાઓને પકડવાનો પડકાર:એટીએસ તથા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સમગ્ર કૌભાંડની તપાસ કરશે: પરીક્ષા કેન્દ્રથી માંડીને વિવિધ સ્તરે તપાસના આદેશ

અમદાવાદ તા.17
બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ થયાનું સાબીત થયા બાદ, સરકારે નવેમ્બરમાં લેવાયેલી પરીક્ષા રદ કરવાનો નિર્રય લીધો છે. પેપર લીકમાં ગુજરાત બહારના તત્વો સુધી પગેરુ નીકળવાની શંકા દર્શાવવામાં આવી છે. નવેસરથી પરીક્ષા વિશે થોડા દિવસોમાં જાહેરાત કરવામાં આવશે.ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવા સાથે કહ્યું હતું કે નવી પરીક્ષાનો કાર્યક્રમ તુર્તમાં જાહેર કરવામાં આવશે. પરીક્ષામાં ગેરરીતિ વિશે ‘સીટ’ના તપાસ રીપોર્ટ-ફોરેન્સીક તપાસમાં ગેરરીતિ થયાનું સાબીત થયુ હતું.


પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજયવ્યાપી આંદોલન પછી રાજય સરકારે તપાસ માટે ‘સીટ’ની રચના કરી હતી. ફોરેન્સીક તપાસમાં પ્રથમ તબકકે જ પેપર લીક થયાનુ માલુમ પડયુ હતું. પરીક્ષા દરમ્યાન મોબાઈલનો પણ ઉપયોગ થયો હતો અને ચોરી પણ થઈ હતી. સીસીટીવીમાં ચોરી-કોપી કરતા પકડાયેલા પરીક્ષાર્થીઓ પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લાગુ પડશે.અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તથા એટીએસ વિસ્તૃત તપાસ કરશે. પેપર લીકેજ-ગેરરીતિમાં સંડોવાયેલા કોઈને પણ બક્ષવામાં નહીં આવે. પરીક્ષા કેન્દ્રોના સ્ટાફની માંડીને જવાબદાર તમામની તપાસ થશે.


દરમ્યાન માહિતગાર સૂત્રોએ એમ કહ્યું છેકે બીનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ કૌભાંડમાં ગુજરાત બહારના તત્વોની સંડોવણીનો ઈન્કાર થઈ શકે તેમ નથી. અગાઉ લોકરક્ષકદળની પરીક્ષામાં પેપર લીક થયુ હતું જેનું પગેરુ દિલ્હી, હરીયાણા અને રાજસ્થાન સુધી ખુલ્યુ હતું. બીનસચિવાલય પરીક્ષામાં પણ સમાન મોડસ ઓપરેન્ડી થયાની શકયતાનો ઈન્કાર થઈ શકે તેમ નથી.


પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણયના પ્રત્યાઘાતમાં કોંગ્રેસના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ગેરરીતિ સામે અવાજ ઉઠાવનારા પરીક્ષાર્થીઓની જીત થઈ છે. સત્ય સ્વીકારીને યોગ્ય નિર્ણય લેવા બદલ રાજય સરકારને ધન્યવાદ આપુ છું. હવે સમગ્ર કૌભાંડ માટે જવાબદારો સામે સખ્ત પગલા લઈને જેલના સળીયા ગણાવવા જોઈએ. હોશિયાર વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ.


Loading...
Advertisement