‘એ’ ગ્રેડની યુનિ.નો ફરી ભગો! એમ.એસસી મેથ્સના પેપરમાં કોર્ષ બહારના પ્રશ્નો પૂછી નંખાતો દેકારો

16 December 2019 05:20 PM
Rajkot Education
  • ‘એ’ ગ્રેડની યુનિ.નો ફરી ભગો! એમ.એસસી મેથ્સના પેપરમાં કોર્ષ બહારના પ્રશ્નો પૂછી નંખાતો દેકારો

અભ્યાસક્રમમાં ભણાવ્યા વગર પ્રશ્નો મૂકી દેવાતા પરીક્ષા વિભાગના અધિકારીઓમાં દોડધામ : કુલપતિને રજૂઆત

રાજકોટ તા.16
સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષામાં છબરડા અને ગેરરીતિ બંધ થવાનું નામ લેતા ન હોય આ એ ગ્રેડની વિશ્વ વિદ્યાલયની રહી સહી આબરૂનું પણ ધોવાણ થઇ રહ્યું છે.
જેમાં આજે લેવાયેલા એમ.એસસી મેથ્સના પેપરમાં પણ કોર્ષ બહારના સેમ-1ના પ્રશ્નો પૂછી નખાયાની વિદ્યાર્થીઓએ ફરિયાદ ઉઠાવી છે. જેના પગલે હોબાળો મચી જતા યુનિ. પરીક્ષા વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પેપરમાં જે પ્રશ્નો પૂછાયા છે તે તેઓએ અભ્યાસક્રમમાં ભણાવાયા જ નથી. આ પ્રશ્નો કોર્ષ બહારના પૂછી કાઢી તેઓને અન્યાય કરવામાં આવેલ છે.
દરમિયાન આ સંદર્ભે પરીક્ષા નિયામક પારેખનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં ઉઠેલી ફરિયાદો બાદ પેપર સેટરનો સંપર્ક કરાતા પેપર સેટર દ્વારા આ પેપરના તમામ પ્રશ્નો કોર્ષમાંથી પૂછાયા હોવાનું તેઓએ જણાવેલ છે.
આ પ્રકરણમાં તપાસ કરી વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે રીતે કાર્યવાહી થશે. દરમિયાન આ પેપરમાં કોર્ષ બહારના પ્રશ્ર્નો પૂછી કાઢવાના મુદ્દે વિદ્યાર્થીઓએ કુલપતિ ડો.પેથાણી સમક્ષ પણ ઉગ્ર રજૂઆત કરી હતી અને પગલા નહી લેવાય તો ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


Loading...
Advertisement