હવે ડુંગળીનાં માર્ગે બટેટા ! 10 દિવસમાં ભાવ ડબલ થઇ ગયાં

16 December 2019 11:17 AM
Business India
  • હવે ડુંગળીનાં માર્ગે બટેટા ! 10 દિવસમાં ભાવ ડબલ થઇ ગયાં

વરસાદનાં પગલે નવા બટેટાની આવકમાં કમીના કારણે ભાવ વધ્યાં, પણ ઝડપથી ઘટી જશે : વેપારીઓ

નવી દિલ્હી,તા. 16 : શિયાળામાં સામાન્ય રીતે શાકભાજી સસ્તા હોય છે પરંતુ આ વખતે શાકભાજીનાં દામ આકાશને આંબી રહ્યા છે. ડુંગળીનાં વધતા ભાવે લોકોને રડાવ્યા બાદ કરોડોનાં લાડકવાયા એવા બટેટાનાં ભાવમાં છેલ્લા 10 દિવસમાં છૂટક ભાવમાં 100 ટકાથી વધુ વધારો થયો છે. 20 રુપિયે કિલો વેચાતા મળતા બટેટાનાં ભાવ રૂ. 40 થી 50 થઇ ગયાં છે. ગત વર્ષે ડિસેમ્બરનાં મુકાબલે તેની કિંમતોમાં આ વર્ષે બેથી ત્રણ ગણો વધારો થયો છે. બટેટાના વેપારીઓ તેને અસ્થાઈ ટ્રેન્ડ માની રહ્યા છે. અને આ વધેલી કિંમતો કેટલાક દિવસમાં સામાન્ય થઇ જવાની આશા રાખી રહ્યાં છે.

દિલ્હીની રીટેલ બજારમાં બટેટાની સરેરાશ કિંમત 40 રૂપિયે કિલો હતી જે આગલા દિવસે 50 રૂપિયા હતી. ગત સપ્તાહે આ ભાવ 20 થી 25 રુપિયાની રેન્જમાં હતી.
કેન્દ્રીય આંકડા મુજબ આ વર્ષે બટેટાનું ઉત્પાદન ગત વર્ષનાં મુકાબલે 3.4 ટકા વધારે છે. અને ઉત્પાદન હજુ વધવાની આશા છે. આઝાદપુર મંડીમાં બટેટાનાં વેપારી ટીસી શર્માએ જણાવ્યું હતું કે પંજાબ, માળવા સહિત અનેક વિસ્તારોમાં વાવણી દરમિયાન વરસાદનાં કારણે પાક નબળો રહ્યો હતો, આ સ્થિતિમાં આવક પ્રભાવિત થવાની આશંકા છે. પરંતુ હાલની તેજી ગત સપ્તાહે વરસાદને લઇને ખેતરોમાં નવા બટેટા કાઢવામાં વિલંબને કારણે આવી છે પણ હવે ભાવ જલદી ઘટી શકે છે.


Loading...
Advertisement