નોટબંધીનો ડંશ: નકલી નોટો માટે બેંક કર્મીની જવાબદારી ફીકસ; પગારમાંથી નાણાં કપાવા લાગ્યા

14 December 2019 05:03 PM
Business Government Gujarat
  • નોટબંધીનો ડંશ: નકલી નોટો માટે બેંક કર્મીની જવાબદારી ફીકસ; પગારમાંથી નાણાં કપાવા લાગ્યા

બેંક કર્મચારી યુનિયનમાં ધુંધવાટ: પ્રત્યાઘાતો પડવાની આશંકા

અમદાવાદ તા.14
પ્રવર્તમાન આર્થિક મંદી માટે વિવિધ કારણોની સાથોસાથ 2016ની નોટબંધીને પણ જવાબદાર ગણાવવામાં આવી જ રહી છે. નોટબંધીનો ડંશ અનેકવિધ ક્ષેત્રો-વ્યક્તિઓને લાગવાનું ચાલુ હોય તેમ હવે બેંક કર્મચારીઓનો વારો નીકળ્યો છે. નકલી નોટો માટે બેંક કર્મચારીઓની જવાબદારી ફીકસ કરીને તેઓના પગારમાંથી વસુલાત કરવાનું શરૂ થયુ છે અને આ મામલે આવતા દિવસોમાં બેંક કર્મચારીઓમાં ઘેરા પ્રત્યાઘાતો-ઉહાપોહ થવાની શકયતા છે.
ઓલ ઈન્ડિયા પંજાબ નેશનલ બેંક ઓફિસર્સ એસોસીએશનના મહામંત્રી દિલીપ શાહે એમ કહ્યું કે બેંક સ્ટાફની હાલત ખરાબ છે. લોનથી માંડીને અનેકવિધ કારણોસર સ્ટાફ વિરુદ્ધ જ નાળચૂ તાકવામાં આવે છે. મુદ્રા લોન આપવા સામે સખ્ત ચકાસણી થઈ તો તે સરકારને નહોતુ ગમ્યુ અને વધુને વધુ લોન આપવાની સૂચના જારી થઈ હતી. હવે આ લોનની વસુલાત શકય બનતી નથી તો તે માટે પણ સ્ટાફને દોષિત ગણવામાં આવે છે. મુદ્રા લોનમાં એનપીએ સામે એકાદ હજાર કર્મચારીઓને ચાર્જશીટ અપાયું છે. હવે નોટબંધીનો ડંશ સ્ટાફ માથે આવ્યો છે. નોટબંધી વખતે રદ થયેલી 500-1000ની નોટો બેંકોમાં જમા કરવાનુ ફરજીયાત થઈ ગયુ હતું. સ્ટાફે રાત દિવસ એક કરીને સરકારી ધારાધોરણો મુજબ જુની નોટો સ્વીકારી હતી. તેમાં કેટલીક નકલી નોટો પણ આવી ગઈ હતી. આ તમામ નોટો રિઝર્વ બેંક પાસે પહોંચી હતી. હવે તેના દ્વારા સંબંધીત બેંક બ્રાંચો તથા તેના કર્મચારી-અધિકારીઓની જવાબદારી ફીકસ કરીને તેમના પગારમાંથી નાણાં વસુલવાનું શરૂ કર્યુ છે.
રાજકોટના બેંક કર્મચારી યુનીયનના સૂત્રોએ કહ્યું કે નકલી નોટ માટે બેંકની જવાબદારીનો નિયમ છે જ એટલે જ બેંકોને નોટ ચકાસણી મશીનો આપવામાં આવ્યા છે. નોટબંધી વખતની વાત જુદી છે. કારણ કે ત્યારે સ્ટાફને નોટો ચકાસવાનો સમય જ નહોતો. રાતદિવસ એક કરીને કામ કર્યુ હતું. કામના બદલામાં જોડા મળવા જેવો ઘાટ છે. યુનિયનના રાષ્ટ્રીય નેતાએ આ વાત જાહેર કરી છે. રાજકોટમાં હજુ આવા કોઈ કિસ્સા પ્રકાશમાં આવ્યા નથી. પરંતુ તેના ઘેરા પ્રત્યાઘાતો પડવાનો ઈન્કાર કરી શકતો નથી.


Loading...
Advertisement