ગુજરાતની વધુ એક ભરતી પ્રક્રિયા રદ: વિજ કંપનીની પરિક્ષા દોઢ વર્ષે રદ

14 December 2019 11:17 AM
Ahmedabad Education Government Gujarat Saurashtra
  • ગુજરાતની વધુ એક ભરતી પ્રક્રિયા રદ: વિજ કંપનીની પરિક્ષા દોઢ વર્ષે રદ

જુલાઈ 2018માં 700 વિદ્યુત સહાયકો તથા 150 જુનીયર એન્જીનીયરોની ભરતી માટે મંગાવાયેલી અરજીઓ એક ઝાટકે રદ કરતો ફતવો: રાજયભરમાં તિવ્ર પ્રત્યાઘાતો સર્જાવાની આશંકા:પીજીવીસીએલમાં 100 જગ્યા માટે 58000 અરજી આવી હતી: તમામ ઉમેદવારોને પરિક્ષા ફીનું રીફંડ ચૂકવાશે: પરિક્ષા રદ થવા મામલે રહસ્ય

રાજકોટ તા.14
ગુજરાતમાં સરકારી ભરતીઓની પરીક્ષામાં વિવાદોનો સિલસિલો છે તેવા સમયે વધુ એક ભરતી પરિક્ષા રદ કરી નાંખવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે. પશ્ર્ચિમ ગુજરાત વીજકંપની ઉપરાંત દક્ષિણ ગુજરાત તથા ઉતર ગુજરાતની વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયક તથા જુનીયર ઈજનેરની ભરતી માટે દોઢ વર્ષ પુર્વે મંગાવાયેલી અરજીઓ એક ઝાટકે રદ કરી નાંખવામાં આવી છે. અરજદાર ઉમેદવારો પાસેથી ફી પેટે ઉઘરાવાયેલા નાણાં પણ પરત કરી દેવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.

રાજય સરકારના માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની (પીજીવીસીએલ) ઉપરાંત દક્ષિણ ગુજરાત વીજ કંપની (ડીજીવીસીએલ) તથા ઉતર ગુજરાત વિજ કંપની (યુજીવીસીએલ) દ્વારા જુલાઈ 2018માં વિદ્યુત સહાયક તથા જુનીયર એન્જીનીયરોની અનુક્રમે 700 અને 150 ની ભરતી કરવા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેના માટે રાજયોભરમાંથી હજારો ઉમેદવારોએ અરજી કરી હતી. દોઢ વર્ષથી પરિક્ષા સહિતની પ્રક્રિયા માટે ઉમેદવારો પ્રતિક્ષા કરી રહ્યા હતા. પરંતુ સરકારી કંપનીઓએ હવે એક જ ઝાટકે પરિક્ષા સહિતની ભરતી પ્રક્રિયા રદ કરી નાંખતો આદેશ જારી કરી દીધો છે.

માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે કે ત્રણેય વિજ કંપનીઓમાં કુલ 850 કર્મચારીઓની ભરતી પ્રક્રિયા માટે હજારોની સંખ્યામાં ઉમેદવારોએ અરજી કરી હતી અને અરજી સાથે વિજ કંપનીઓએ નિયત કરેલા નાણા પણ ચૂકવ્યા હતા. હવે સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરી નાંખવામાં આવી હોવાથી અનેકવિધ વિવાદો પણ ઉભા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પશ્ર્ચિમ ગુજરાત વિજ કંપનીના સૂત્રોએ જણાવ્યું કે 23-8-18ના રોજ 100 વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા માટે જાહેરાત કરવામાં આવી હતી. તેના માટે 58 હજાર ઉમેદવારોએ અરજી કરી હતી. આ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે. રાજય સરકારની નીતિઓમાં બદલાવ, નવી ખાલી પડેલી જગ્યાઓ સહિતના કારણોસર આ ભરતી રદ કરવામાં આવી છે. અરજી સાથે ઉમેદવારો પાસેથી 250 થી માંડીને 500 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. તેની પણ રિફંડ આપવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. ઉમેદવારોને પીજીવીસીએલની વેબસાઈટ પર રિફંડ માટે પ્રક્રિયા કરવા સૂચવવામાં આવ્યું છે.

રાજય સરકારની ભરતી પ્રક્રિયામાં એક પછી એક વિવાદો વચ્ચે આ પ્રક્રિયા રદ થતા ઘેરા પ્રત્યાઘાતો પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બિનસચિવાલય ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનું પ્રકરણ હજુ ગાજી જ રહ્યુંછે. આ પૂર્વે લોકરક્ષક દળની ભરતીમાં પણ વિવાદ ઉભો થયો હતો. છેલ્લા બે વર્ષમાં અંદાજીત છ પરીક્ષાઓ રદ કરવાની સરકારને ફરજ પડી હતી તેમાં હવે નવો એક ઉમેરો થતા બેરોજગાર યુવાનોથી માંડીને રાજકીય પ્રત્યાઘાતો તિવ્ર પડી શકે છે.


Loading...
Advertisement