રેલવેમાં ખાનગીકરણ: અમદાવાદ સહિત 150 ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપાશે

13 December 2019 01:54 PM
Ahmedabad Business Government Gujarat Travel
  • રેલવેમાં ખાનગીકરણ: અમદાવાદ સહિત 150 ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપાશે

રેલવેમાં ખાનગીકરણ પ્રક્રિયામાં રફતાર: 100 રૂટો નકકી કરાયા:પ્રવાસી ભાડુ તથા ટ્રેનમાં ખાદ્યચીજોના ભાવ ખાનગી કંપનીઓ જ નકકી કરશે

નવી દિલ્હી તા.13
ભારતીય રેલવેના ખાનગીકરણમાં ઝડપ વધવા લાગી છે. હવે અમદાવાદ સહિતના રૂટોની વધુ 150 ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપવાનો તખ્તો ઘડાયો છે. ગત સોમવારે યોજાયેલી બેઠકમાં રેલવે પ્રધાન પિયુષ ગોયલે નવી 150 ટ્રેનો નકકી કરવાની સૂચના આપી હતી.
રેલવે વિભાગના ટોચના સૂત્રોએ એમ કહ્યું છે કે 150માંથી 30 ટ્રેનો મુંબઈ રૂટની હતી તેમાં અમદાવાદ રૂટની તેજસ ટ્રેનનો પણ સમાવેશ કરી દેવામાં આવશે. ખાનગીહાતોમાં જનારી ટ્રેનમાં ભાડા તથા તેમાં અપાતી ખાદ્યચીજોના ભાવો નકકી કરવાની છુટ્ટ ખાનગી ઓપરેટરોને અપાશે. ખાનગી કંપનીઓ મુસાફરોના સામાન ઘેરથી લઈ જવા સહિતની સુવિધાઓ આપશે. ખાનગી ટ્રેનોને પ્રાથમીકતા આપવામાં આવશે અને તે સમયસર જે દોડે તેની કાળજી રાખવામાં આવશે.
રેલવે બોર્ડના ચેરમેન વિનોદકુમાર યાદવે જણાવ્યુ હતું કે દેશમાં પ્રથમ વખત મોટાપાયે ખાનગીકરણ હોવાથી બીડીંગ પ્રક્રિયા આવતા મહિનાથી શરૂ થવા છતાં તેમાં સમય લાગશે. સમગ્ર વિશ્ર્વમાં ખાનગી ટ્રેનોનું ચલણ છે. બે તબકકામાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબકકે યોગ્ય કંપનીઓ શોર્ટલીસ્ટ કરવામાં આવશે અને બીજા તબકકે તેઓ પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં છ મહિના લાગશે. સમગ્ર પ્રક્રિયામાં સંભવિત આવક તથા ખાનગી સંચાલનવાળા ટ્રેન-રૂટ નકકી થશે.
રેલવે મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે ખાનગી ઓપરયરોને રૂટની દરખાસ્ત કરવાની છુટ્ટ આપવામાં આવશે. ભાડા નકકી કરવાની છુટ્ટ આપવાની સાથોસાથ મહતમ ભાડારૂપે નિયંત્રણો પણ રાખવામાં આવશે.
100 ટ્રેન રૂટો પર 150 ટ્રેન ખાનગી ધોરણે દોડાવવાની તૈયારી છે. જાહેરખાનગી ભાગીદારી થકી 22500 કરોડનું રોકાણ આવવાની શકયતા છે. આવતા સપ્તાહમાં યોજાનારી મહત્વપૂર્ણ બેઠકમાં ઘણી બાબતો ફાઈનલ કરી દેવામાં આવશે.


Loading...
Advertisement