સૌરાષ્ટ્ર યુનિ.ના અધ્યાપકોની 53 જગ્યાઓ સામે અધધધ...1204 ઉમેદવારો મેદાનમાં

11 December 2019 05:02 PM
Rajkot Education Saurashtra
  • સૌરાષ્ટ્ર યુનિ.ના અધ્યાપકોની 53 જગ્યાઓ સામે અધધધ...1204 ઉમેદવારો મેદાનમાં

પસંદગીની જગ્યા પર ગોઠવાવા માટે મળતીયાઓનાં ધમપછાડા શરુ : ગાંધીનગર સુધી લોબીંગ : પ્રોફેસર માટે 53, એસોસીએટ પ્રોફેસરમાં 100, રીસર્ચ ઓફીસરની 1 જગ્યા માટે 263 અને આસી. પ્રોફેસર માટે 388 ઉમેદવારો દ્વારા ઓનલાઈન અરજી સબમીટ : હાર્ડકોપી તા. 16 સુધી સ્વીકારાશે

રાજકોટ,તા. 11
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા અધ્યાપકોની ભરતીની હાથ ધરાયેલી કાર્યવાહીમાં 53 જગ્યાઓ સામે અધધ....1204 ઉમેદવારોએ ઓનલાઈન અરજી સબમીટ કરાવી પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. તેની સાથે કેટલાક મળતીયાઓએ પસંદગીની જગ્યા પર ગોઠવાવા માટે ધમપછાડા શરુ કરી એડીચોટીનું જોર લગાવી ગાંધીનગર સુધીનું લોબીંગ શરુ કરી દીધું છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા જ્યારે જ્યારે ભરતીની કાર્યવાહી થાય છે ત્યારે ત્યારે ગેરરીતિની ફરિયાદો ઉઠતી રહી છે. આ વખતે પણ અનામતના નિયમોનો ઉલાળીયો કરી સોગઠા અગાઉથી જ ગોઠવી નંખાયાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
ત્યારે હવે યુનિવર્સિટી ગ્રાંટ કમિશનનાં નિયમ મુજબ અધ્યાપકોની જગ્યા માટે ઉમેદવારોનું મેરીટ યુનિ.ની વેબસાઈટ પર જાહેર કરવામાં આવે તેવી માંગણી પ્રબળ બની છે.
યુનિ. દ્વારા અધ્યાપકોની જગ્યા માટે હાર્ડકોપી સાથેની અરજી આગામી તા. 16 સુધી સ્વીકારવામાં આવનાર છે. આ વખતે આ ભરતીની કાર્યવાહીમાં ગેરરીતિને અટકાવવા અને મેરીટ મુજબ ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતીની પ્રક્રિયા હાથ ધરાય તે માટે ઉમેદવારોનું મેરીટ ઇન્ટરવ્યુ પ્રક્રિયા પૂર્વે જ યુનિ.ની વેબસાઈટ પર જાહેર કરવું આવશ્યક છે.
આ ભરતીની કાર્યવાહીમાં ઉમેદવારોની હાર્ડકોપી સ્વીકારવાની મુદત પૂર્ણ થયા બાદ યુનિ. દ્વારા સ્કૂટીની પ્રક્રિયા શરુ કરવામા આવશે. અધ્યાપકોની આ ભરતીમાં પ્રોફેસરની જગ્યા માટે 53, એસોસિએટ્સ પ્રોફેસરની જગ્યા માટે 100, આશી. પ્રોફેસરની જગ્યા માટે 388 અને રીસર્ચ ઓફીસરની એક જગ્યા માટે 263 જેટલા ઉમેદવારોએ ઓનલાઈન અરજી સબમિટ કરાવેલ છે.


Loading...
Advertisement