રાજકોટ : આજનો પાણીકાપ રદ્દ કરી એરપોર્ટ રોડ પર દોઢ કલાક પાણી વેડફતુ કોર્પોરેશન!

10 December 2019 05:36 PM
Rajkot Saurashtra
  • રાજકોટ : આજનો પાણીકાપ રદ્દ કરી એરપોર્ટ રોડ પર દોઢ કલાક પાણી વેડફતુ કોર્પોરેશન!

પાણી વિતરણ બંધ રાખવામાં ફરી પ્રજાને મૂર્ખ બનાવતી મનપા : સખીયાનગર સહિતના વિસ્તારમાં દોઢ કલાક વાલ્વ ખુલ્લો રહેતા કોન્ટ્રાકટરને દંડ કરાવતા જયમીન ઠાકર

રાજકોટ તા.10
મહાપાલિકાએ જુદા જુદા પાંચ વોર્ડમાં વીજ પુરવઠાના વાંકે આજે પાણી વિતરણ બંધ રાખવા કરેલી જાહેરાતના કલાકોમાં જ થુંકેલુ ચાટીને પાણી કાપ તો રદ કર્યો છે, પરંતુ આજે વોર્ડ નં.2માં દોઢ દોઢ કલાક પાણી વેડફીને બેદરકારીનું પણ પ્રદર્શન કર્યુ હતું. વાત જાણે એમ હતી કે વોર્ડ નં.2માં એરપોર્ટ રોડ પર સખીયાનગર મેઈન રોડ વિસ્તાર આવેલો છે. અહીં સવારે 10 વાગ્યે પાણી વિતરણ કરવા કોન્ટ્રાકટરના વાલ્વમેને વાલ્વ ખોલ્યો હતો પરંતુ ગમે તે કારણે વાલ્વ બંધ ન કરતા 11-30 સુધી પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. સખીયાનગર, આરાધના સોસાયટી, ગીતગુર્જરી, એરપોર્ટ રોડના અનેક વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. જે અંગે આરોગ્ય ચેરમેન અને વોર્ડ નં.2ના દોડતા કોર્પોરેટર જયમીન ઠાકરે અધિકારીઓને જાણ કરી હતી.
વાલ્વમેનની બેદરકારીથી આ પાણી વેડફાયાનું ધ્યાન પર આવ્યું હતું. આથી ઈજનેરો દ્વારા નિયમ મુજબ એક કલાકના રૂા.2000 લેખે માધવ ક્નસ્ટ્રકશન નામના કોન્ટ્રાકટરને દંડ ફટકારવામાં આવ્યો છે.
આજે મનપાએ વધુ એક વખત લોકોને મૂર્ખ બનાવી પાણીકાપ મૂકવા અને ઉપાડવાનું નાટક કર્યુ હતું. જેનાથી બેદરકારી પણ છતી થઈ હતી.


Loading...
Advertisement