તમામ મહાપાલિકાએ ‘હદ’ વધારાની દરખાસ્ત સરકારને મોકલી દીધી: માત્ર રાજકોટ બાકી!

10 December 2019 05:05 PM
Rajkot Saurashtra
  • તમામ મહાપાલિકાએ ‘હદ’ વધારાની દરખાસ્ત સરકારને મોકલી દીધી: માત્ર રાજકોટ બાકી!

મોટામવા, મુંજકા, ઘંટેશ્ર્વર, માધાપર, નવાગામને કોર્પો.માં લેવા તા.18ના બોર્ડમાં આવશે અરજન્ટ દરખાસ્ત: પંચાયતોના ઠરાવની જરૂર નથી

રાજકોટ તા.10
રાજયભરમાં મહાપાલિકાઓની ચૂંટણી ગાજવા લાગી છે અને રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના કોર્પો.ની સામાન્ય ચૂંટણી ડિસેમ્બર 2020માં યોજવાની છે ત્યારે આ મહાનગરોની હદ વધારવા સરકારે વહીવટી ધમધમાટ શરૂ કરી દીધો છે. સરકારની સૂચનાથી રાજયના તમામ 8 કોર્પો.એ નવા ગામો ભેળવવાના ઠરાવ મોકલવાના છે ત્યારે રાજકોટ સિવાયના લગભગ દરેક કોર્પો.એ આવા ઠરાવ મોકલી આપ્યા હોય, હવે તા.18ના રોજ મળનારી રાજકોટ કોર્પો.ની સામાન્ય સભામાં આ માટે અરજન્ટ દરખાસ્ત આવે તેવા નિર્દેશ છે.
રાજકોટને અડીને આવેલા અને એક રીતે વર્ષોથી રાજકોટમાં જ ગણાતા માધાપર, ઘંટેશ્ર્વર, મુંજકા, મોટામવા અને પૂર્વમાં આવેલા નવાગામ આણંદપરને કોર્પોરેશનની હદમાં સમાવવા અગાઉ પણ તજવીજ થઈ હતી. પરંતુ ઘણી ગ્રામ પંચાયતો તૈયાર ન થતા આ ગામડાઓને શહેરનું લેબલ લાગવામાં પાંચેક વર્ષ મોડુ થયું છે. સાડા ચાર વર્ષ અગાઉ આ વિવાદના કારણે આ તમામ ગામોના બદલે કોઠારીયા અને વાવડીને રાજકોટ કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યા હતા.
દરમ્યાન હવે ફરી કોર્પો.ની ચૂંટણી ગાજવા લાગી છે ત્યારે ઉપરોકત પાંચેય ગામો રાજકોટ કોર્પો.ની હદમાં લેવા તૈયારી થઈ છે. સરકારે અમદાવાદ, સુરત, વડોદરા સહિતના તમામ કોર્પો. પાસેથી નવી હદના ઠરાવ મંગાવ્યા છે. જુનાગઢમાં આ સમયે ચૂંટણી નથી છતા જુનાગઢ કોર્પો. પાસેથી પણ ઠરાવ મંગાવ્યો છે. સૌરાષ્ટ્ર ગુજરાતના રાજકોટ સિવાયના લગભગ તમામ કોર્પો.એ આ અંગે ઠરાવ કરીને મોકલી આપ્યો છે.
હવે રાજકોટમાં જ એક રીતે જોડાયેલા માધાપર, ઘંટેશ્ર્વર, મોટામવા જેવા ગામોમાં તો બિલ્ડીંગોની દ્દષ્ટિએ મોટો વિકાસ થઈ ચૂકયો છે. આ વિસ્તારોમાં જમીનોના ભાવ પણ ઘણા ઉંચા છે. અનેક લકઝરીયસ પ્રોજેકટ આ વિસ્તારોમાં ચાલે છે. હવે તે કોર્પો.ની હદમાં આવી જાય તો લોકોને પાણી, રસ્તા, ગટર સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓનું સુખ થઈ જાય તેમ છે.
તા.18ના બોર્ડમાં મેયર બિનાબેન આચાર્ય અધ્યક્ષ સ્થાનેથી નવી હદ અંગેની દરખાસ્ત મુકી શકે છે. કારણ કે આજે પ્રસિધ્ધ થયેલા એજન્ડામાં આવી દરખાસ્ત નથી. અમુક ગ્રામ પંચાયતો ઠરાવ ન આપે તો શું તેવા સવાલના જવાબમાં એક પદાધિકારીએ કહ્યું હતું કે અમદાવાદમાં પણ નજીકના ગામોના ઠરાવ વગર શહેરમાં ભેળવવાની કાર્યવાહી થઈ ચૂકી છે. સરકારની સૂચનાથી મહાપાલિકા આ ઠરાવ કરી શકે છે અને સંભવત: તા.18ના બોર્ડમાં આ દરખાસ્ત આવી પણ જશે.


Loading...
Advertisement