રાજકોટ : 150 ફૂટ રોડ પરથી મનપાએ 13 બકરાની ‘ધરપકડ’ કરતા દેકારો: દંડ માટે રકઝક

10 December 2019 05:03 PM
Rajkot Saurashtra
  • રાજકોટ : 150 ફૂટ રોડ પરથી મનપાએ 13 બકરાની ‘ધરપકડ’ કરતા દેકારો: દંડ માટે રકઝક
  • રાજકોટ : 150 ફૂટ રોડ પરથી મનપાએ 13 બકરાની ‘ધરપકડ’ કરતા દેકારો: દંડ માટે રકઝક

ગાય, ઘોડા, ઉંટ પણ તંત્ર પકડે છે: ડો. ઝાકાસણીયા : માલધારીઓ રકમ ભરી શકે તેમ નથી: રણજીત મુંધવા ઢોર ડબ્બા પર દોડયા

રાજકોટ તા.10
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના રસ્તાઓ પર રખડતા અને ટ્રાફિક માટે નડતરરૂપ પશુઓ પકડવાની કામગીરી વચ્ચે આજે સવારે 150 ફૂટ રોડના ખોડીયારનગર પાસે સર્વિસ રોડ પરથી પસાર થતા 13 જેટલા બકરા પકડીને ઢોર ડબ્બે મોકલતા માલધારી આગેવાનોએ દેકારો કર્યો હતો. બકરા પાળતા પશુપાલક આવા દંડ ભરી શકે નહીં અને બકરીઓ કયા અકસ્માત નોતરે છે તેવા સવાલ સાથે ઢોર ડબ્બામાં બપોરે રકઝક થઈ ગઈ હતી.
શહેરના 24 રાજમાર્ગો પર રખડતા પશુ રહેવા ન દેવા અને પકડીને દંડ કરવા અથવા પાંજરાપોળમાં મુકી દેવા મહાપાલિકાએ નીતિ બનાવી છે. રસ્તા ઉપર રોજ કોર્પો.ના ઢોર પકડ વિભાગની ટીમો વાહન સાથે પશુ પકડતી હોય છે. ગાય સહિતના પશુઓ હવે નવા કાયદા બાદ રોડ પર બહુ ઓછી સંખ્યામાં દેખાય છે. છતા અમુક રોડ પરથી પકડાય તો કાયદેસર કાર્યવાહી છોડાવવા માટે કરવામાં આવે છે.
આજે 150 ફૂટ રોડના ખોડીયારનગર ટચ સર્વિસ રોડ પરથી પસાર થતી 13 બકરીઓને આ ટીમે પકડીને ટ્રેલરમાં બેસાડી દીધી હતી. આ પશુઓને ઢોર ડબ્બે લઈ જઈ દંડ ભરવા માલધારીઓને સુચના આપવામાં આવી હતી. પરંતુ આ અંગેની જાણ થતા કોંગ્રેસના માલધારી આગેવાનો રણજીત મુંધવા અને અન્યો પશુ ડબ્બા પર દોડી ગયા હતા. આ પશુઓ દંડ વગર છોડવાની માંગણી કરી હતી. ગાય, ભેંસ જેવા ઢોરના માલીક પોલીસ એનઓસી, પરમીટ સહિતના કાગળો કદાચ આપી શકે, પરંતુ બકરીના માલીક કયાંથી આવા કાગળ આપે? વળી બકરીમાંથી કોઈ મોટી આવક પણ થતી ન હોય એકાએક બકરા પકડવાની કામગીરીને તેમણે નિયમ વિરૂધ્ધ ગણાવી છે.
દરમ્યાન આ અંગે મનપાના એએનસીડી વિભાગના અધિકારી ડો. ઝાકાસરીયાનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે મનપાના કાયદામાં રસ્તા પરથી પશુ દુર કરીને દંડ કરવાની જોગવાઈ છે. માત્ર ગાય એવો નિયમ નથી. ઘોડા, ઉંટ જેવા પશુ પણ પકડીને દંડ કરવામાં આવ્યા છે. બકરાદીઠ રૂા.300નો દંડ ભરવા નિયમ મુજબ સુચના આપવામાં આવી છે.


Loading...
Advertisement