સોલાપુરમાં ડુંગળી રૂા.200ની કિલો: જાન્યુઆરી સુધી ભાવમાં રાહત નહીં મળે

07 December 2019 10:46 AM
Business India
  • સોલાપુરમાં ડુંગળી રૂા.200ની કિલો: જાન્યુઆરી સુધી ભાવમાં રાહત નહીં મળે

પુના તા.7
ડુંગળીના ધરખમ ઉંચા ભાવ સામે દેશભરમાં દેકારો છે ત્યારે મહારાષ્ટ્રના સોલાપુરમાં ભાવ રૂા.200ને આંબી ગયો છે. જો કે, વેપારીઓએ એમ કહ્યું કે શ્રેષ્ઠ કવોલીટીના અમુક ડુંગળીનો જ આ ભાવ છે. બાકી દેશના અન્ય ભાગોમાં ભાવ તેનાથી નીચા છે.
વેપારી સૂત્રોએ એમ કહ્યું છે કે દક્ષિણ સહિતના રાજયોમાંથી ડુંગળીની ભારે ડીમાંડ છે. માલખેચની સ્થિતિને કારણે ભાવો નીચા આવી શકતા નથી. આવતા મહિના સુધી ભાવો ઉંચા જ રહે તેમ છે.
ડુંગળી માટે મહારાષ્ટ્રના નાસિક ખાતેનુ લાસલગાંવ યાર્ડ મુખ્ય મથક ગણાય છે. જયાં નવી ડુંગળીનો ભાવ રૂા.100 છે. કમોસમી વરસાદ- લાંબા ચોમાસાને કારણે ડુંગળીની ખેંચ છે. ડિસેમ્બર અંત સુધી આ હાલત રહે તેમ છે. મધ્ય જાન્યુઆરીથી સપ્લાય વધી શકે છે.
વેપારીઓએ એવો નિર્દેશ કર્યો છે કે ડુંગળીના ભાવ હાલ ઘણાં ઉંચા છે. ઉંચા ભાવ મેળવવા માટે ખેડુતો ખેતરોમાંથી પાક વ્હેલો ઉપાડવા લાગ્યાછે. આ વખતે ભાવ ઐતિહાસિક સપાટીએ છે. પરંતુ ગત વર્ષે ડુંગળીએ ખેડુતોને રડાવ્યા હતા. મોટુ નુકશાન સહન કરવુ પડયું હતું.
કમોસમી વરસાદ-માવઠાને કારણે ઉત્પાદનમાં પણ કાપ છે તેને કારણે પણ ખેડુતોને ફટકો છે.


Loading...
Advertisement